વૈજ્ઞાનિકો ભલે એને જિયોલૉજિકલ ઘટના ગણાવતા હોય, પરંતુ મસમોટા ઉલ્કા સરોવરના આલ્કલાઇન પાણીના કિનારે મીઠા પાણીની સરવણી ફૂટી નીકળવી એ ઓન્લી સાયન્ટિફિક ઘટના માત્ર ન કહી શકાય
લોણારના ધાર મંદિર
૧૯૭૦ની સાલ સુધી વિશ્વના જિયોલૉજિસ્ટ અને સાયન્ટિસ્ટ માનતા હતા કે મહારાષ્ટ્ર બુલડાણા જિલ્લામાં આવેલું લોણાર સરોવર પૃથ્વીના પેટાળમાંથી લાવા નીકળતાં ઉત્પન્ન થયું હશે. પરંતુ વધુ શોધખોળ અને રિસર્ચ બાદ સાબિત થયું કે આ તળાવ અવકાશી ઉલ્કા પૃથ્વી પર અત્યંત જોરથી પડવાથી બન્યું છે. વળી હજી એક-દોઢ દસકા પહેલાં કહેવાતું હતું કે આ ૫૦ હજાર વર્ષો પૂર્વે બનેલી ઘટના છે. પરંતુ ‘ગહેરી છાનબીન કે બાદ પતા ચલા’ કે ભાઈ આ લેકનો જન્મ પાંચ લાખ ૭૦ હજાર વર્ષ પૂર્વે થયો છે. ખેર, આ વૈજ્ઞાનિક સંશોધનો સ્કૉલરો અને રિસર્ચરોને મુબારક, આપણે અહીં વાત કરીશું પ્રાચીન પુરાણોમાં જેનો ઉલ્લેખ છે એ લોણાર સરોવરના કિનારે આવેલાં સદીઓ પ્રાચીન એ મંદિરોની અને અહીંથી નીકળતી અગમ પવિત્ર જળધારાની.
આમ તો ક્ષારીય અને ખારું પાણી ધરાવતા લોણાર સરોવરના કિનારે એક નહીં, દસથી વધુ પ્રાચીન મંદિરો છે. કેટલાંક સંપૂર્ણપણે ક્ષતિગ્રસ્ત થઈ ગયાં છે તો કેટલાંકમાં રિસ્ટોરેશનનું કામ ચાલે છે. જોકે ધાર મંદિર કે ગૌમુખ મંદિર કહેવાતું અહીંનું મંદિર આઠમીથી દસમી સદી વચ્ચેના ગાળામાં બનેલું છે છતાંય ટકાટક કન્ડિશનમાં છે અને એ સમસ્ત ટેમ્પલ કૉમ્પ્લેક્સનું મહત્ત્વનું દેવાલય છે. હવે એની પૌરાણિક કથાની વાત કરીએ તો સ્કંદપુરાણ અનુસાર દ્વિતીય યુગમાં લોણાર સરોવરના પેટાળમાં લોણાસુર કે લવણસુર નામે અસુર દેવ તેની બે બહેનો સાથે રહેતો હતો અને ધરતીમાતાને હેરાન કરતો હતો. ઋષિમુનિઓ અને દેવોએ વિષ્ણુ ભગવાનને આ અસુરનો નાશ કરવાની વિનંતી કરી અને વિષ્ણુ ભગવાન દૈત્યસૂદન નામે રૂપાળા યુવાનનું રૂપ ધારણ અહીં આવ્યા જેથી લવણસુરની બહેનોને આકર્ષિત કરી તેમના ભાઈનાં સગડ મેળવી શકાય. સુંદર જવાન પુરુષને જોઈ અસુરની બેઉ બહેનો દૈત્યસૂદન પર મોહી પડી અને ભાઈનું ગુપ્ત નિવાસસ્થાન બતાવી દીધું.
ADVERTISEMENT
અહીં બે વાયકાઓ પ્રચલિત છે. એક કથા પ્રમાણે લવણસુર આ તળાવમાં જ રહેતો હતો અને દૈત્યસૂદને તેને એમાં જ ડુબાડી મારી નાખ્યો અને બીજી માન્યતા અનુસાર લવણસુર રાક્ષસ હાલના લોણારથી ૩૬ માઇલના અંતરે આવેલા ગુપ્ત સ્થળે રહેતો હતો અને વિષ્ણુ ભગવાને તેમના પગના અંગૂઠેથી લોણાસુરને જમીનમાં ગાડી દીધો જેથી અહીં ખાડો પડી ગયો અને સરોવરનું નિર્માણ થયું. આ લેકમાં રાક્ષસનાં આંસુ અને શરીરનું માંસ, રક્ત વગેરે ધરબાઈ ગયું હોવાથી આ પાણી ખારું અને ઍસિડિક થઈ ગયું. બિલીફ ભલે ભિન્ન હોય, પણ હકીકત એ છે કે આ પાણી સખત અમલીય છે. એમાં કોઈ જીવસૃષ્ટિ ઉત્પન્ન થતી નથી કે ઈવન કિનારાઓ ઉપર પણ કોઈ વનસ્પતિ કે શેવાળ વગેરેની હયાતી નથી. બલકે અહીં કાદવમાં, માટીમાં અલગ-અલગ પ્રકારનાં ખનિજો છે તો ચુંબકીય આકર્ષણ ધરાવતા પથ્થરો પણ છે, જે અગેઇન વૈજ્ઞાનિકોના રડાર હેઠળ છે.
વેલ, હવે પુરાણોની વાતો પર પાછા ફરીએ તો વિષ્ણુના દૈત્યસુદન સ્વરૂપે લવણાસુરનો વધ તો કરી દીધો, પરંતુ પછી તેમને શરીરમાં ખૂબ દાહ ઊપડી; જેને શાંત કરવા ખુદ બ્રહ્માજીએ અહીં ગંગા ભોગવતી ધારાનું અવતરણ કર્યું જેનું ઉદ્ગમ ગોમુખ તરીકે ઓળખાય છે. ગાયના મુખ જેવા ખડક પરથી ધોધરૂપે પડતું પાણી અમૃત સમાન મીઠું છે અને કહેવાય છે કે એ પાણીમાં સ્નાન કરવાથી પુણ્ય ઉપાર્જન થાય છે. બારે મહિના અટક્યા વગર સતત પડતું એ પાણી ક્યાંથી આવે છે, ક્યાં જાય છે એ અધ્યાત્મથી વિપરીત વ્યક્તિઓ માટે કુતૂહલનો વિષય હોઈ શકે પણ શ્રદ્ધાળુઓ માટે આ પ્રભુની કૃપા જ છે. ભક્તોને નહાવા માટે અહીં પગથિયાંવાળો પ્રૉપર કુંડ પણ બનાવાયો છે જેમાં શુદ્ધ જળની ધાર ડાયરેક્ટ પડે છે. આ જ કારણે આ મંદિરને ધાર મંદિર પણ કહે છે. કહેવાય છે કે વનવાસ દરમિયાન સીતા સતીએ પણ આ જળમાં સ્નાન કર્યું હતું. પવિત્ર જળમાં ડૂબકી લગાવી પાવન થઈને આગળ વધીએ એટલે ત્રણ વિભાગમાં બનેલું મોટું દૈત્યસૂદન મંદિર આવે. ઍસિમેટ્રિકલ સ્ટારના શેપમાં બનેલું આ વિશાળ વિષ્ણુ મંદિર ચાલુક્ય રાજાઓએ નિર્માણ કરાવ્યું હતું. હેમાડપંતી શૈલીમાં બનેલા આ મંદિરનો, બહારનો એટલે પ્રવેશ પછીનો પહેલો ભાગ સભામંડપ છે. જ્યાં સૂર્ય, ચામુંડામા, ગરુડ, નરસિંહની મૂર્તિઓ છે. ચાલુક્ય વંશના રાજાઓ સૂર્યવંશી હતા અને તેમણે બનાવડાવેલાં મંદિરોમાં સૂર્ય ભગવાનની મૂર્તિ હોય જ. એટલે અમુક વર્ગ માને છે કે પહેલાં આ સૂર્ય મંદિર પણ હોવું જોઈએ. ખેર, એ જે હોય એ, ખજુરાહો અને બદામી તેમ જ પટ્ટકલનાં મંદિરો જે કારીગરીથી બન્યાં છે એવું જ સુંદર કોતરકામ અહીં છે. મંદિરના મધ્ય ભાગ અંતરાલમાં કંસ-કૃષ્ણના પ્રંસગો, કૃષ્ણની રાસલીલા, નરસિંહા અને હિરણ્યકશ્યપની કથાઓ પથ્થરમાં કોતરવામાં આવી છે. દીવાલો, સ્તંભો એટલા સુંદર છે કે એ જોતાં-જોતાં આપણે પણ એ કાળમાં પહોંચી ગયા હાવાની અનુભૂતિ કરીએ છીએ. અહીં અમુક સ્તંભ તો એવા છે જેને ખાસ જગ્યાએ વગાડતાં ખાસ ધ્વનિ તરંગ ઉત્પન્ન થાય છે.
હવે પહોંચીએ ગર્ભગૃહમાં. અંધારિયા એવા ગર્ભગૃહની છત ઉપરની નકશી પણ સનાતન ધર્મની કથાઓ બયાન કરે છે. તો દૈત્યસૂદન સ્વરૂપે પ્રતિષ્ઠિત વિષ્ણુની મૂર્તિ અતિ મોહનીય છે. જોકે આ ઓરિજિનલ પ્રાચીન પ્રતિમા નથી. હાલમાં નાગપુરના ભોસલે કુળના રાજવીઓએ બનાવડાવેલી દૈત્યસૂદનની મૂર્તિ, જે ખાસ પ્રકારના મૅગ્નેટ પાવર ધરાવતા પથ્થરમાંથી બનાવાઈ છે એ પધારાવેલી છે. આ મૂર્તિમાં પણ અમુક પોર્શનમાં સ્પર્શતાં અવાજ આવે છે. ૧૫૫ ફુટ લાંબું, સાડાચોર્યાસી ફુટ પહોળું, ગર્ભગૃહ, અંતરાલ, સભામંડપ સાથે કોતરકામવાળા સ્તંભો, દીવાલો ધરાવતા આ મંદિરનું શિખર મિસિંગ છે. કહે છે કે જાલિમ નિઝામના આક્રમણથી બચવા અહીંના ગ્રામ્ય જનોએ આ મંદિર માટી નીચે ધરબી દીધું જેથી નિઝામની નજર એના પર ન પડે અને તે લૂંટી ન શકે. નિઝામ બાદ ૧૮મી સદીમાં જ્યારે અહીં માટી ખોદી મંદિરને ફરી ચેતનવંતું બનાવવાનું શરૂ કરાયું એ દરમિયાન ખોદકામ કરતાં એનું શિખર તૂટી ગયું. એથી આ મંદિરની ટોચ નથી.
આ તો થઈ ધાર મંદિર કે દૈત્યસૂદન મંદિરની વાત. એ સિવાય અહીં આજુબાજુ કમલજા માઈ (પદ્માવતી) મંદિર, હાટકેશ્વર મહાદેવ, પાપહરેશ્વર મંદિર, બાળવિષ્ણુ મંદિર, રામમંદિર, શુક્રાચાર્ય મંદિર, કુમારેશ્વર મંદિર અને નંદી મંડપ છે. એ સાથે અહીં બે કુંડ પણ છે જેમાં એકમાં ભૂગર્ભ જળ આવે છે જ્યારે બીજામાં ગોમુખમાંથી ધારા પડે છે.
મુંબઈગરા માટે લોણાર જવા નાગપુર લાઇનનું વાસિમ સ્ટેશન કે જાલના નિઅરેસ્ટ રેલમથક છે તો ઔરંગાબાદથી લોણાર દોઢસો કિલોમીટર દૂર છે. અને હા, નવા-નવા ખૂલેલા પેલા સમૃદ્ધિ મહામાર્ગ દ્વારા પહોંચાય છે. લોણારમાં રહેવા માટે મહારાષ્ટ્ર ટૂરિઝમ ડિપાર્ટમેન્ટની હોટેલ્સ હોવા સાથે ગામમાં અનેક બજેટેડ અને સેમી લક્ઝરી હોટેલ, ગેસ્ટહાઉસ છે. મંદિરોની નગરીમાં ગાઇડની સેવા લેતાં મંદિરો, જગ્યાની વિશેષતા ડીટેલમાં જાણી શકાય છે.
રામસર સાઇટ તરીકે ડિક્લેર થયેલું લોણાર લેક દેશ-વિદેશના રિસર્ચરો, ભૂસ્તરશાસ્ત્રીઓ અને ઈવન ટ્રાવેલર્સ માટે મિસ્ટીરિયસ અને મેસ્મેરાઇઝિંગ સાઇટ છે તો આસ્થાળુઓ માટે એના જ કાંઠે આવેલું કપીલ તીર્થ લોણાર ઋષિમુનિઓ, ભગવાન, દેવોના સમયનું હોવાથી શ્રદ્ધાનું ધામ છે.
પૉઇન્ટ બ્લૅન્ક
- અવકાશમાંથી ઉલ્કા પડવાથી સરોવર બન્યું હોય કે લોણાસુરને ધરતીના પેટાળમાં ધરબી નાખવાથી ત્યાં લેકની રચના થઈ હોય, એક વાત ચોક્કસ છે કે લાખો વર્ષોથી લોણાર અને એની આજુબાજુનાં વાઇબ અલૌકિક હશે એથી જ તો વિષ્ણુ, રામ જેવા ભગવાન અને શુક્રાચાર્ય આદિ ઋષિમુનિઓ આ ભૂમિ પર પધાર્યા હશે અને રહ્યા હશે.
- બુલડાણા મહારાષ્ટ્રનો સૂકો જિલ્લો ગણાય, ઓછા વરસાદ અને અતિશય તાપવાળા આ પ્રદેશમાં સદીઓથી જમીનમાંથી પાણીની ધારા સતત વહેવી એ આસ્થાનો વિષય ન હોય તોય આશ્ચર્યની વાત તો છે જ.

