Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > લાઇફસ્ટાઈલ સમાચાર > હેલ્થ ટિપ્સ > આર્ટિકલ્સ > બ્રેસ્ટ કૅન્સર ઍડ્વાન્સ સ્ટેજ પર પહોંચી જાય ત્યારે સર્જરી અઘરી બની જાય છે

બ્રેસ્ટ કૅન્સર ઍડ્વાન્સ સ્ટેજ પર પહોંચી જાય ત્યારે સર્જરી અઘરી બની જાય છે

Published : 10 June, 2026 02:29 PM | IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

અમુક પ્રકારનાં કૅન્સરમાં સર્જરી શક્ય ન પણ હોય એવું બને. ખાસ કરીને ત્રીજા કે ચોથા સ્ટેજમાં કૅન્સર પહોંચી જાય એ પછી સર્જરી થઈ શકતી નથી. 

પ્રતીકાત્મક તસવીર

ડૉક્ટર ડાયરી

પ્રતીકાત્મક તસવીર


બ્રેસ્ટ કૅન્સર જેવા રોગનો વ્યાપ દિવસે-દિવસે વધી રહ્યો છે. આ એક એવો રોગ છે જેમાં જલદી ખબર પડી જાય તો દરદીને સંપૂર્ણપણે કૅન્સરમુક્ત કરવી શક્ય બને છે અને એનું મુખ્ય કારણ એ છે કે જે ભાગમાં કૅન્સર થયું છે એ ભાગને જ સરળતાથી દૂર કરી શકાય છે. સર્જરી કરીને બ્રેસ્ટ દૂર કરો તો કૅન્સર દૂર અને એના પછી જે થોડીઘણી ટ્રીટમેન્ટ જરૂરી બને છે એ લેવી પડે. આમ સર્જરી એ બ્રેસ્ટ કૅન્સરમાં અત્યંત મહત્ત્વનો ઇલાજ થયો, પરંતુ એવું નથી કે દરેક પ્રકારનાં બ્રેસ્ટ કૅન્સરમાં સર્જરી શક્ય હોય જ. અમુક પ્રકારનાં કૅન્સરમાં સર્જરી શક્ય ન પણ હોય એવું બને. ખાસ કરીને ત્રીજા કે ચોથા સ્ટેજમાં કૅન્સર પહોંચી જાય એ પછી સર્જરી થઈ શકતી નથી. 

મોટા ભાગે આ ઍડ્વાન્સ સ્ટેજમાં કૅન્સર બ્રેસ્ટ સુધી સીમિત રહેતું નથી. એ આગળ ફેલાય છે, જેમ કે હાડકા સુધી કે બીજાં અંગો સુધી. જ્યારે કૅન્સર એક અંગ સુધી સીમિત ન રહે અને વધુપડતું ફેલાઈ જાય ત્યારે સર્જરી અઘરી બને, ખાસ કરીને બ્રેસ્ટ કૅન્સરમાં. સાદી ભાષામાં સમજાવું તો અત્યારે કૅન્સર સેલની ગતિ ધીમી છે. એ થોડા શાંત છે. ધીમી ગતિએ એ વિસ્તરી રહ્યા છે. સર્જરી કરવાથી ઊલટું આપણે દરદીને હાનિ પહોંચાડીશું. જો આપણે સર્જરી કરીને એ ભાગ કાઢી નાખીએ તો શરીરમાં બીજી જગ્યાએ ફેલાયેલા કૅન્સર સેલ વધુ અગ્રેસિવ થઈ જાય. સમજો કે બ્રેસ્ટ એનું મૂળ હતું એ મૂળ નીકળી જાય તો બાકી રહેલા કૅન્સર સેલ વધુ પ્રમાણમાં ફેલાય.



દરદી ઍડ્વાન્સ સ્ટેજમાં હોય ત્યારે ઇલાજમાં પ્રયાસ એવો હોવો જોઈએ કે આ કોષોને આપણે છેડીએ નહીં. એને કન્ટ્રોલમાં રાખીએ. એની ગતિને ધીમી પાડીએ અને કોશિશ એ કરીએ કે એના દ્વારા એના વ્યાપને પણ ઘટાડીએ. ધીમે-ધીમે ઇલાજ દ્વારા એમને કાબૂમાં લઈ શકાય એમ છે. આજના મૉડર્ન યુગમાં ઘણી અલગ-અલગ પ્રકારની કૅન્સરની ટ્રીટમેન્ટ હોય છે. ફક્ત કીમો કે સર્જરી જ કૅન્સરનો ઇલાજ નથી. એ હકીકત છે કે બ્રેસ્ટ કૅન્સર ક્યૉર થઈ શકે છે, પણ ઍડ્વાન્સ લેવલ પર નહીં. ઍડ્વાન્સ લેવલના કૅન્સરમાં અમે પ્રયાસ કરીએ છીએ કે ઇલાજ સાથે આપણે દરદીને કઈ રીતે સારું જીવન આપી શકીએ. એ હરી-ફરી શકે, પોતાનાં કામ જાતે કરી શકે અને એક આત્મનિર્ભર જીવન પસાર કરી શકે એ જોવું ખાસ જરૂરી છે. ઘણાં કૅન્સરમાં જો ટ્યુમર હૉર્મોનલ હોય તો ફક્ત દવા દ્વારા જ સારો ઇલાજ શક્ય બનતો હોય છે, જેના થકી વ્યક્તિને જે પણ જીવન મળે એ સારી રીતે એ જીવી શકે છે.


- ડૉ. મેઘલ સંઘવી

ડૉ. મેઘલ સંઘવી અનુભવી બ્રેસ્ટ સર્જ્યન છે.


Whatsapp-channel Whatsapp-channel

10 June, 2026 02:29 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK