સાડી અને દુપટ્ટામાં કેવી અને કેટલી વેરાયટી હોઈ શકે તે જોવા મળશે અભિનેત્રી અલ્પના બુચના વૉર્ડરૉબમાં
અલ્પના બુચ શૅર કરે છે વૉર્ડરૉબ સિક્રેટ
સેલિબ્રિટી જેવી લાઈફ જીવવાની, સ્ટાર્સ જેવા દેખાવાનું, સેલેબ્ઝની ફેશન અનુસરવાનું દરેક સામાન્ય વ્યક્તિનું સપનું હોય છે. સેલેબ્ઝના જીવનમાં શું ચાલી રહ્યું છે તે તો થોડાઘણા અંશે તેમના સોશ્યલ મીડિયા પોસ્ટ પરથી જાણી શકાય છે. તેમની ફેશનનો અંદાજો પણ ઇન્ટરનેટ આપી જ દે છે. પરંતુ દરેક વ્યક્તિને સેલેબ્ઝની ફેશન, સ્ટાઇલ અને વૉર્ડરૉબ વિશે હંમેશા વધુને વધુ જાણવાની ઇચ્છા હોય જ છે. સેલેબ્ઝના વૉર્ડરૉબમાં શું હોય છે, તેઓ વૉર્ડરૉબનું ધ્યાન કઇ રીતે રાખે છે વગેરે બાબતો તમને જાણવા મળે તે માટે ગુજરાતી મિડ-ડે ડૉટ કૉમ તમારી માટે લઈને આવ્યું છે, ‘Wardrobe Wednesday`. દર મહિનાના બીજા અને છેલ્લા બુધવારે ‘Wardrobe Wednesday’માં અમે તમને સેલિબ્રિટીઝના ‘વૉર્ડરૉબ સિક્રેટ’ જણાવીશું.
ADVERTISEMENT
‘અનુપમા’માં નેગેટિવ પાત્ર ભજવતા અભિનેત્રી કે અત્યારે ઘર-ઘરમાં જેમનું નામ ચર્ચાઈ રહ્યું છે તે અભિનેત્રી અલ્પના બુચ (Alpna Buch)ની ફેશન અને સ્ટાઇલના દિવાનાઓનું લિસ્ટ લાંબુ છે. ફેશનિસ્ટા અલ્પના બુચ આજે આપણી સાથે તેમના વૉર્ડરૉબ સિક્રેટ શૅર કરે છે. આવો જાણીએ તેમના જ શબ્દોમાં...
સવાલ : વૉર્ડરૉબમાં તમાર કેટલા કમ્પાર્ટમેન્ટ/શૅલ્ફ છે?
જવાબ : અત્યારે તો હું નોર્મલ લાકડાંનું વૉર્ડરૉબ વાપરું છું. પણ ખરેખર કહું તો મને જીવનમાં એક બાબતનો બહુ જ અફસોસ છે કે વીસ વર્ષ પહેલાં એ લોખંડના કબાટને શા માટે તિલાંજલી આપી દીધી! આજે પણ હું એ લોખંડના કબાટને બહુ મિસ કરું છું. એ લોખંડના કબાટમાં કેટલી બધી જગ્યા અને કેટલા બધા ખાનાં હતાં. સિક્યોરિટી મુજબ પણ એ કબાટ બહુ સૅફ હતાં. જ્યારે આજના આ મોર્ડન વૉર્ડરૉબ સૅફ્ટી જેવું કંઈ હોતું જ નથી.
આમ તો મને મોર્ડન સ્ટાઇલના સ્લાઇડિંગ ડૉરવાળા નવા વૉર્ડરૉબ કરાવવાની ક્યારની ઈચ્છા થઈ છે. પણ હું ટાળતી જ જાઉં છું કારણે ઘરમાં સુથારને મિસ્ત્રીને બોલાવવા અને તેમની સાથે માથાકુટ કરવા જેટલો સમય અત્યારે મારી પાસે નથી.
સવાલ : તમારા વૉર્ડરૉબનો યુએસપી (USP) શું છે?
જવાબ : મારા વૉર્ડરૉબના દરવાજા પર જ મારા પોતાના બહુ બધા ફોટો ચોંટાડેલા છે એ જોઈને જ ખબર પડી જાય કે આ વૉર્ડરૉબ મારું છે. તે સિવાય, મારું વૉર્ડરૉબ બહુ જ વ્યવસ્થિત ગોઠવેલું હોય, દરેક વસ્તુ એની જગ્યાએ જ હોય. હું શુટિંગ પર હોઉંને મારે કોઈ વસ્તુ ઘરેથી મંગાવવી હોય તો કોઈને પણ આસાનીથી મળી જાય એટલી વ્યવસ્થિત ગોઠવેલી હોય. હું એમ કહું કે, વૉર્ડરૉબમાં ડાબી બાજુ ઉપરના ભાગમાં ચોથા નંબરના કવરમાં મારું આ બ્લાઉઝ હશે તો એ બ્લાઉઝ ત્યાંથી જ નીકળે.
આ પણ વાંચો – વૉર્ડરૉબ ગોઠવવું એ મારા માટે ડિટૉક્સ કરવા જેવું છે : સોનાલી લેલે દેસાઈ
સવાલ : તમે તમારા વૉર્ડરૉબને કેટલા સમયાંતરે સાફ કે ઑર્ગેનાઇઝ કરો છો?
જવાબ : એવો કોઈ ચોક્કસ સમય નથી. જ્યારે સમય મળે ત્યારે ગોઠવણી કરી જ લેવાની.
સવાલ : તમે સેલિબ્રિટી છો એટલે તમારી પાસે કપડાંનું કલેક્શન બહુ હોય એ સામાન્ય વાત છે. તો તમે બધા કપડાં અરેન્જ કરવાનો/ગોઠવવાનો ટાઇમ કઈ રીતે ફાળવો છો?
જવાબ : મને શૂટિંગમાંથી સમય મળે ત્યારે હું ગોઠવતી હોઉં છું. બાકી કપડાં લઈએ અને મુકીએ ત્યારે થોડી ચોકસાઈ રાખીએ તો વૉર્ડરૉબ અસ્તવ્યસ્ત થવાની સંભાવનાઓ ઓછી થઈ જાય છે.
સવાલ : વૉર્ડરૉબ ગોઠવવાનો તમારો યુએસપી (USP) શું છે?
જવાબ : બધી જ વસ્તુઓ સેક્શન પ્રમાણે અલગ-અલગ ગોઠવું. સાડીઓ ખાસ કવરમાં મુકીને જ રાખું છું. તે સિવાય જે દરરોજ પહેરવાના હોય, શૂટિંગ સમયે પહેરવાના હોય તે કપડાં વૉર્ડરૉબના આગળના ભાગમાં અને પ્રસંગોપાત પહેરતાં કપડાં પાછળના ભાગમાં એ રીતે ગોઠવણી કરું છું.
સવાલ : કોઈ એવી ટિપ્સ આપો જેનાથી વૉર્ડરૉબ જલ્દીથી ગોઠવાઈ જાય, એમાં મુકેલી વસ્તુઓ જલ્દી મળી જાય.
જવાબ : વૉર્ડરૉબ ગોઠવવાની દરેક વ્યક્તિની પોતાની સૂઝબૂઝ હોય છે, પોતાની ચોઈસ હોય છે. પણ હવે વૉર્ડરૉબ કમ્પાર્ટમેન્ટ બહુ ચલણમાં છે અને બાબત સારી પણ છે. વૉર્ડરૉબ ગોઠવણી માટે માર્કેટમાં જે કમ્પાર્ટમેન્ટ્સ મળે છે તે સિસ્ટમ બહુ સારી છે.
આ પણ વાંચો – મારા વૉર્ડરૉબ માટે એક શબ્દ પરફેક્ટ છે, `અસ્તવ્યસ્ત` : મલ્હાર ઠાકર
સવાલ : વૉર્ડરૉબ કોઈની સાથે શૅર કરવું પડે તો તમને ગમે?
જવાબ : મારા વૉર્ડરૉબમાં જગ્યા જ નથી એટલે મારી સાથે કોઈને શૅર કરવાનો સવાલ જ ઉભો નતી થતો. બાકી હું મારા હસબન્ડના વૉર્ડરૉબમાં ઘુસણખોરી કરી લઉં છું. અને જો વૉર્ડરૉબ કલેક્શનની વાત કરીએ તો, હું ને મારી દીકરી ભવ્યા દુપટ્ટાને સાડી ક્યારેક શૅર કરતાં હોઈએ છીએ. બાકી તેના સિવાય કોઈની પણ સાથે મને વૉર્ડરૉબ શૅર કરવું નથી ગમતું.
સવાલ : તમે ક્યારેય ગણતરી કરી છે કે તમારી પાસે કેટલાં જોડી કપડાં છે? કેટલાં જોડી શૂઝ/ચપ્પલ/સેન્ડલ્સ છે?
જવાબ : હમણાં થોડાક ટાઈમ પહેલાં જ ગણતરી કરેલી મારા વૉર્ડરૉબમાં ૩૦ સાડી છે અને ૨૭ જુદા-જુદા કલર, ડિઝાઈન અને મટિરિયલના દુપટ્ટા છે. બાકી ઍથનિક વૅર, વેસ્ટર્ન વેર એ તો બધું જુદું.
સવાલ : તમારા વૉર્ડરૉબમાં સૌથી મોંઘુ શું અને સૌથી સસ્તું શું છે?
જવાબ : મારા વૉર્ડરૉબ ઈમોશન્સની દ્રષ્ટિએ જો કોઈ વસ્તુ સૌથી મહત્વની હોય તો તે મારા સાસુનું પાકીટ. મારા સાસુને ગુજરી ગયાંને લગભગ ૨૩ વર્ષ થયાં ત્યારથી હું તેમનું એક પાકીટ વાપરું છું. જેમાં હું મારા કાર્ડ્સ અને મન્થલી ખર્ચાના પૈસા રાખું છું. આ પાકીટનું મુલ્ય મારા માટે દુનિયામાં સૌથી વધુ છે.
જો મોંઘા આઉટફિટની વાત કરું તો મેં વર્ષો પહેલાં એક્ઝિબિશનમાંથી એક ડ્રેસ ખરીદ્યો હતો. જેની કિંમત ૧૦,૦૦૦ રુપિયા હતી પણ મને ડિસકાઉન્ટ પછી ૬,૦૦૦માં પડ્યો હતો. બાકી સસ્તી શોપિંગના લિસ્ટમાં તો સ્ટ્રીટ શોપિંગની અનેક આઈટમો છે. આમ પણ મને સ્ટ્રીટ શોપિંગનો બહુ શોખ છે. ઓનલાઈન શોપિંગમાં ખબર ઓછી પડતી હોવાથી હું એની પાછળ વધુ સમય નથી આપતી.
સવાલ : જેમ ઘરમાં/રુમમાં ગમતો ખૂણો હોય એમ વૉર્ડરૉબમાં તમારું કોઈ મનપસંદ કોર્નર/સેક્શન છે?
જવાબ : મારી ચૅકબુક જ્યાં રહે છે એ જગ્યા (ખડખડાટ હસે છે).
આ પણ વાંચો – મારી કાર એ મારું સેકન્ડ વૉર્ડરૉબ છે : હાર્દિક સાંગાણી
સવાલ : તમારા હિસાબે કયા પાંચ આઉટફિટ વૉર્ડરૉબમાં હોવા જ જોઈએ?
જવાબ : બ્લેક કુર્તો અને વ્હાઇટ કુર્તો, બ્લેક લેગિંગ્સ અને વ્હાઇટ લેગિંગ્સ, બ્લેક બ્લાઉઝ જે બધી જ સાડી પર જાય, પેટીકોટ તો એક હોવો જ જોઈએ અને ડેનિમ જીન્સ કેઝ્યુલ લુક માટે.
સવાલ : જ્યારે કપડાં પહેરવાની વાત આવે ત્યારે તમે સ્ટાઇલને વધુ મહત્વ આપો છો કે તમારા કમ્ફર્ટને વધુ મહત્વ આપો છો?
જવાબ : કમ્ફર્ટને જ, અને આ ઉંમરે તો ખાસ કમ્ફર્ટ જ.
સવાલ : તમને ટ્રેન્ડ્સ ફૉલૉ કરવાનું ગમે છે કે પછી તમારી કોઈ યુનિક સ્ટાઇલ છે? તમે તમારી સ્ટાઇલને કઈ રીતે વર્ણવશો?
જવાબ : સાડીમાં જે નવા ટ્રેન્ડ આવે એ ટ્રાઈ કરતી હોઉં છું બાકી કોઈ ખાસ નહીં. પણ હું માનું છે આપણી બાંધણી, પટોળાં, બનારસી સાડી એ બધુ તો એવરગ્રીન જ છે.
જો મારી સ્ટાઇલ કોઈ કહે તો તે છે, ઍથનિક.
સવાલ : લાઈફમાં ક્યારેય પણ Wardrobe Malfunctions જેવો કોઈ સીન થયો છે તમારી સાથે? અથવા તો ફેશન ફોપા જેવું કંઇ?
જવાબ : સ્ટેજ પર પર્ફોમ કરતા હોવ ત્યારે આવા અનેક કિસ્સા બનતા જ હોય. તેમાં પણ મહિલઓનો પેટીકોટનું નાળું જ્યારે ટાઈટ થઈ જાય અને એક કે બે મિનિટમાં જ બીજી સાડી બદલવાની હોય ત્યારે અનેક મુસીબતો ઉભી થતી હોય છે.
આ પણ વાંચો – કુલદીપ ગોરના વૉર્ડરૉબમાં ડિઝાઇન્સ વાઇફની કરેલી હોય, પણ ગોઠવણ તો તેની પોતાની જ
સવાલ : તમારા માટે ફેશન એટલે શું?
જવાબ : જ્યાં તમે કમ્ફર્ટેબલ હોવ અને સાથે જ સ્ટાઇલિશ પણ લાગો. તમે જે પહેર્યું છે એ તમને પોતાને ગમે એન્ડ યુ કૅન બી યૉરસેલ્ફ એ જ મારા માટે ફેશન.
(‘Wardrobe Wednesday’ - આ કૉલમમાં તમે મલ્હાર ઠાકર, ઈશા કંસારા, યશ સોની, પૂજા જોશી, ઓજસ રાવલ સહિત ૪૦થી વધુ ગુજરાતી સેલિબ્રિટીના વૉર્ડરૉબ સિક્રેટ્સ જાણ્યાં. અમારી કૉલમ ‘Wardrobe Wednesday’ને આપનો ભરપુર પ્રેમ અને પ્રતિસાદ આપવા બદલ ખૂબ ખૂબ આભાર. આ કૉલમના તમામ ઇન્ટરવ્યૂ વાંચવા માટે અહીં ક્લિક કરી શકો છો. જો તમારું કોઈ સૂચન હોય તો આપ gmddigital@mid-day.com આ ઇ-મેઇલ પર ચોક્કસથી જણાવજો.)