હેરકૅર કરીને ડૅમેજ થયેલા વાળને રિપેર કરી શકાય એમ છે. ઘેરબેઠાં એ કેવી રીતે કરી શકાય એ જાણી લો
પ્રતીકાત્મક તસવીર
ઋતુ કોઈ પણ હોય, બારેમાસ હેરકૅર કરવી જરૂરી છે જ. ચોમાસામાં વાળ ગ્રીસી થઈ જાય છે ત્યારે શિયાળામાં રફ બની જાય છે. ઉનાળામાં પણ પરસેવાથી ઑઇલી થવાની સમસ્યા ઊભી થાય છે અને આ જ સમસ્યાઓને લીધે વાળમાં સ્પ્લિટ એન્ડ્સ થાય છે, વાળ તૂટવા લાગે છે અને એની ચમક જતી રહે છે. ઘણી વાર લગ્નપ્રસંગમાં કે કોઈ ઓકેઝનમાં હેરસ્ટાઇલ કરાવી હોય તો મશીન અને સ્પ્રે યુઝ થાય છે જે વાળને અંદર અને બહારથી ડૅમેજ કરે છે. આવું થાય ત્યારે તરત જ યુવતીઓ સૅલોંમાં હેરકટ કરાવવા ભાગતી હોય છે, પણ શું હેરકટ કરાવવી એ ડૅમેજ્ડ હેરને રિપેર કરવાનું એકમાત્ર સૉલ્યુશન છે? જવાબ છે, ના. હેરકટ કરાવવાને બદલે ડૅમેજ થયેલા વાળની એક્સ્ટ્રા કૅર કરવામાં આવે તો ડૅમેજ થયેલા વાળને પાછા રિપેર કરવા શક્ય છે. કેટલાક ઘરગથ્થુ નુસખાને અનુસરવાથી ઘેરબેઠાં ઇફેક્ટિવ રિઝલ્ટ મળે છે.
હેરવૉશ પહેલાં આૅઇલિંગ
ADVERTISEMENT
હેરવૉશ કરવું રૂટીનમાં છે પણ એ કરતાં પહેલાં અમુક ચીજોનું ધ્યાન રાખવામાં આવે તો વાળને ડૅમેજ થતા અટકાવી શકાય છે અને ડૅમેજ થયેલા વાળને રિપેર કરવામાં પણ મદદ મળે છે. હેરવૉશ ડે હોય એની એક રાત પહેલાં અથવા એક કલાક પહેલાં એક વાટકીમાં થોડું નારિયેળ તેલ લો અને એને નવશેકું ગરમ કરી લો. આ તેલથી સ્કૅલ્પમાં માલિશ કરો. એક કલાક બાદ એને ધોઈ નાખશો તો વાળ સિલ્કી અને શાઇની થશે અને વાળમાં રહેતું સામાન્ય મૉઇશ્ચર પાછું આવી જશે.
ડીપ કન્ડિશનિંગ
અઠવાડિયામાં એક વાર વાળનું ડીપ કન્ડિશનિંગ કરવું જોઈએ. આ માટે ઑલિવ ઑઇલથી વાળમાં માલિશ કરવાથી વાળની રફનેસ દૂર થશે અને સ્પ્લિટ એન્ડ્સ બનવાનું પણ ઓછું થશે. ઑલિવ ઑઇલ લગાવવા પહેલાં એને નવશેકું ગરમ કરી લેવું અને વાળમાં લગાવ્યા બાદ એને પ્લાસ્ટિક બૅગથી કવર કરીને ૪૫ મિનિટ સુધી રાખવું. ચાર અઠવાડિયાં સુધી આમ કરવામાં આવે તો ફરક દેખાવાનું શરૂ કરશે. જો સ્પ્લિટ એન્ડ્સ વધુ હોય તો વાળને થોડા ટ્રિમ કરી શકાય.
દહીં કામની ચીજ
ડૅમેજ થયેલા વાળને રિપેર કરવામાં દહીં મહત્ત્વનો રોલ પ્લે કરે છે. દહીંમાં ગુડ બૅક્ટેરિયા હોવાથી એ શરીરને તો ફાયદા આપે જ છે અને એને વાળમાં લગાવવાથી ડૅન્ડ્રફની સમસ્યાથી પણ છુટકારો મેળવી શકાય છે. એમાં રહેલું લૅક્ટિક ઍસિડ વાળને અંદરથી પોષણ આપવાનું શરૂ કરે છે અને ડૅન્ડ્રફની સમસ્યાને જડમૂળથી દૂર કરવામાં મદદ કરે છે અને ડૅમેજ થયેલા વાળને રિપેર કરવાનું કામ કરે છે. વાળ ધોતા પહેલાં દહીંને વાળમાં લગાવીને ૨૦-૨૫ મિનિટ સુધી રાખવું અને પછી હેર વૉશ કરવા.
મધથી અસર થશે
વાળ રફ થઈ જાય તો હેરફૉલની સમસ્યા વકરે છે. આ રફનેસને દૂર કરવા માટે જો વાળમાં મધ લગાવવામાં આવે તો એની ચમક પાછી આવી જાય છે અને હેરફૉલની સમસ્યા પણ આપમેળે જતી રહે છે. ખાલી મધ ન લગાવવું હોય તો એને દૂધ સાથે મિક્સ કરીને વાળમાં થોડી વાર મસાજ કરીને ધોવામાં આવે તો પણ ચાલે.
માખણનો હેરમાસ્ક
માખણ વાળની સૉફ્ટનેસ વધારવા માટે બહુ કામની ચીજ છે. માખણથી વાળ અને સ્કૅલ્પમાં હેર-મસાજ કરો અને પછી એને અડધા કલાક સુધી ઢાંકી દો. અડધા કલાક બાદ શૅમ્પૂથી વાળ ધોઈ નાખશો તો વાળ સૉફ્ટ અને સિલ્કી તો થશે જ સાથે ડૅમેજ થયેલા વાળને પણ રિપેર કરશે. આ નુસખો બે મહિના સુધી કરવામાં આવે તો હેરગ્રોથ પણ વધશે અને વાળ વધુ સિલ્કી બનશે.
માખણથી વાળ અને સ્કૅલ્પમાં હેર-મસાજ કરો અને પછી એને અડધા કલાક સુધી ઢાંકી દો. અડધા કલાક બાદ શૅમ્પૂથી વાળ ધોઈ નાખશો તો વાળ સૉફ્ટ અને સિલ્કી બનશે.

