Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > લાઇફસ્ટાઈલ સમાચાર > સંસ્કૃતિ અને વારસો > આર્ટિકલ્સ > આ જગતમાં કોઈનો મહિમા કરવા જેવો હોય તો એ પ્રેમ છે

આ જગતમાં કોઈનો મહિમા કરવા જેવો હોય તો એ પ્રેમ છે

Published : 10 June, 2026 01:12 PM | IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

તપ એટલે શું? આ સવાલનો જવાબ આપું એના પહેલાં કહેવાનું કે મહેરબાની કરીને કોઈએ એવું તપ ન કરવું જોઈએ કે જેને લીધે તમારા કુટુંબના સભ્યો તાપે

મોરારીબાપુ

સત્સંગ

મોરારીબાપુ


તપ એટલે શું? 
આ સવાલનો જવાબ આપું એના પહેલાં કહેવાનું કે મહેરબાની કરીને કોઈએ એવું તપ ન કરવું જોઈએ કે જેને લીધે તમારા કુટુંબના સભ્યો તાપે. તપ તમારે સ્વયં કરવાનું છે. બીજાને તપાવે એ તપ નહીં, પણ હિંસા છે. તપ કરવાની આ પ્રાથમિક શરત છે અને આ પ્રાથમિક શરત જે નથી માનતું, નથી પાળતું એનું તપ ધર્મને સાર્થક નથી કરતું.

એકાદશીનું વ્રત કરો અને આખા ઘરને હેરાન કરો તો એ તપ નહીં, પણ હિંસા છે. તમે ભજન કરો, પણ એ રીતે કરો કે કોઈને હેરાનગતિ ન થાય. દ્વંદ્વને સહન કરી લેવાં તે તપ છે, વિકારોના આવેગોને પર્યાપ્ત વિવેકથી સહી લેવાં એ પણ તપ છે તો કોઈના ઉત્કર્ષને જોઈને પોતાની ઈર્ષ્યાને રોકવી એ પણ તપ છે.



તમે તમારી જાતને બચાવી શકો છો. કોઈ પણ ક્ષેત્રમાં કોઈની ચડતીને જોઈને આશીર્વાદ નીકળે કે હે માલિક, તેને હજુ વધારે આગળ વધારો અને તે જ્યાં પહોંચે ત્યાંથી તે ક્યારેય પાછો પડે નહીં એવું કરો. આ પ્રાર્થના પણ તપ છે. આવી સદ્દભાવના રહે ત્યારે એ તપ બને છે અને જો બીજાની ઉન્નતિ જોઈને તમારા મનમાં ઈર્ષ્યા જાગે તો માનજો, તમે ભોગી છો. 


આ જે પહેર્યા છે એ જ કપડામાં તપસ્વી બનો. બધાં કપડાં ફેંકીને અને ઘરબાર, કુટુંબીજનોથી ભાગી જઈને જે તપસ્વી બની જાય છે એ તો મહાપુરુષોની મસ્તી છે. બધું ફેંકી દેવું એ તપ નથી, શુભનો સ્વીકાર કરવો એ જ તપ છે. કોઈની ચડતી જોઈને તમારા મનમાં જો ઈર્ષ્યાભાવ જાગે તો તમે તપ કરવામાં હજુ કાચા છો એમ માનજો.

આજે એક વેપારી બીજા વેપારીની ઈર્ષ્યા કરે છે, એક કલાકાર બીજા કલાકારને જોઈને ઈર્ષ્યા કરે છે. ઑફિસના સ્ટાફની વ્યક્તિ બીજી વ્યક્તિના વધેલો પગારને જોઈને ઈર્ષ્યા કરે છે, એક કથાકારને બીજા કથાકારની ઉન્નતિ જોઈને ઈર્ષ્યા થાય છે. એક સંગીતકાર બીજા સંગીતકારની ચડતી જોઈને ઈર્ષ્યા કરે છે. કોઈ પણ ક્ષેત્રમાં જુઓ તમે, એક પણ ક્ષેત્ર ઈર્ષ્યા અને અદેખાઈથી મુક્ત નથી. દુનિયાને એવું તે શું થઈ ગયું છે કે સર્વત્ર ઈર્ષ્યા અને અદેખાઈ જ જોવા મળે છે, પોતાનું સંભાળો અને કોઈનો ઉત્કર્ષ જુઓ, કોઈની પ્રતિભા જુઓ, કોઈની સત્યનિષ્ઠા જુઓ ત્યારે જો તમે તેની ઈર્ષ્યા ન કરો અને તેમની સામે મસ્તક નમાવો તો એ તપ છે. 


તપનો અર્થ બધું છોડવું એવો બિલકુલ નથી. આજે મોટા ભાગના લોકો એવી માન્યતા વચ્ચે રહે છે કે બધું છોડી દો તો એ તપ કહેવાય, પરંતુ એવું નથી. ના, જરા પણ નથી. પ્રેમનો સેતુ બનીને સહુને સાંકળી લેવા એ તપ છે. 

Whatsapp-channel Whatsapp-channel

10 June, 2026 01:12 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK