Hanuman Jayanti 2025: દરેક રાશિના સ્વામી જુદા હોય છે આજે આપણે વાત કરીશું તમામ રાશિઓ પ્રમાણે કયા મંત્રોનો જાપ કરવો જોઈએ.
હનુમાન ભગવાનની ફાઇલ તસવીર
આવતીકાલે હનુમાન જયંતીની ઉજવણી થશે. દર વર્ષે ચૈત્ર મહિનાના શુક્લ પક્ષ પૂર્ણિમાનો દિવસ દેશભરમાં હનુમાન જયંતી તરીકે ઊજવવામાં આવે છે. ભગવાન શંકરનો ૧૧મો રુદ્ર અવતાર એવા હનુમાનજીને રીઝવવા માટે આ દિવસ અગત્યનો છે. આ દિવસે બજરંગબલીની વિશેષ પૂજા-અર્ચના કરવામાં આવે છે. એમાં પણ જો રાશિ અનુસાર પૂજા કરવામાં આવે તો તેનો વિશેષ લાભ મળતો હોય છે.
જ્યોતિષશાસ્ત્રમાં 12 રાશિઓ છે. અને આ દરેક રાશિના સ્વામી જુદા હોય છેઆજે આપણે વાત કરીશું તમામ રાશિઓ પ્રમાણે કયા મંત્રોનો જાપ કરવો જોઈએ અથવા તો કઇ રીતે હનુમાનજીને પ્રસન્ન કરવા જોઈએ?
ADVERTISEMENT
મેષ રાશિ: આ રાશિના જાતકોએ હનુમાન જયંતીના દિવસે બજરંગબલીને પ્રસન્ન કરવા માટે બાલકાંડનો પાઠ કરવો જોઈએ. મેષ રાશિના લોકોએ હનુમાન જયંતીના દિવસે ખાસ કરીને ભગવાન હનુમાનની પૂજા કરતી વેળાએ તેમને સિંદૂર અને ચમેલીનું તેલ ચઢાવવું જોઈએ.
વૃષભ રાશિ: આ રાશિના જાતકો માટે `ૐ નમો હનુમંત નમઃ` આ મંત્રનો કુલ ૧૦૮ વખત જાપ કરવાનું કહેવામાં આવે છે. આ રાશિના જાતકોએ સુંદરકાંડનો પણ પાઠ કરવો જોઈએ.
મિથુન રાશિ: આ રાશિના જાતકોએ હનુમાન ભગવાનની છબી કે મૂર્તિ આગળ ૧૧ દીવા મૂકવા જોઈએ અને હનુમાન ચાલીસાનો વિધિવત રીતે પાઠ કરવો. `ૐ મનોજવાય નમઃ`નો જાપ કરવો જોઈએ.
કર્ક રાશિ: બજરંગબલીના હ્રદયમાં જેનો વાસ છે તેવા પ્રભુ રામનો રામરક્ષા સ્તોત્ર પાઠ કરવાથી લાભ થાય છે.
સિંહ રાશિ: સિંહ રાશિના લોકોએ હનુમાન અષ્ટકનો પાઠ કરવો જોઈએ. ‘ઓમ પરશૌર્ય વિનાશન નમઃ’ આ જાપ આ રાશિના જાતકો માટે લાભકારી છે.
કન્યા રાશિ : આ રાશિના જાતકોએ પાનનું બીડું તુલસી સાથે હનુમાનજીને અર્પણ કરવું જોઈએ. આ લોકો માટે પણ સુંદરકાંડપાઠ લાભકારી નીવડે છે.
તુલા રાશિ: આ રાશિ ધરાવતા જાતકોએ બજરંગ બાણનો પાઠ કરવો. તેલના દિવડા સાથે સાત વખત હનુમાન ચાલીસા જપવી જોઈએ.
વૃશ્ચિક રાશિ: આ રાશિના જાતકોએ ભગવાન હનુમાનને પ્રસન્ન કરવા માટે સિંદુર તો ચડાવવું સાથે ગોળ-ચણાનો ભોગ લગાવવો જોઈએ. વાંદરાઓને ભોજન કરાવવાથી પણ વિશેષ લાભ મેળવી શકાય છે.
ધન રાશિ: આ રાશિના જાતકોએ હનુમાન કવચનો પાઠ કરવો જોઈએ. હળદરનું દાન આ લોકો માટે ફાયદાકારક છે.
મકર રાશિ : વાત કરવામાં આવે મકર રાશિની તો આ લોકોએ ૧૦૮ વાર શ્રીરામનો જાપ કરવો જોઈએ.
કુંભ રાશિ: હનુમાન જયંતીના દિવસે કુંભ રાશિના જાતકો માટે પણ સુંદરકાંડનો પાઠ ફાયદાકારક છે.
મીન રાશિ: અયોધ્યા પ્રસંગનો પાઠ કરવાથી આ રાશિના જાતકૉને ફાયદો થાય છે. ગળી બુંદીનું આ લોકોએ દાન કરવું જોઈએ.
(ડિસક્લેમર: આ લેખમાં આપેલી કોઈપણ માહિતીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની ખાતરી ગુજરાતી મિડ-ડે ડૉટ કૉમ આપતું નથી. આ લેખ અન્ય માહિતીને આધારે તૈયાર કરાયો છે.)

