બે સીઝનનું પ્લાનિંગ કરવામાં આવ્યું છે અને પ્રત્યેકમાં ૮ એપિસોડ હશે
જયપુરનાં ખ્યાતનામ મહારાણી ગાયત્રી દેવી
બૉલીવુડમાં બાયોપિક ફિલ્મોને સારીએવી સફળતા મળી રહી છે ત્યારે હવે ઓવર-ધ-ટૉપ (OTT) પ્લૅટફૉર્મ માટે જયપુરનાં ખ્યાતનામ મહારાણી ગાયત્રી દેવી પર એક વેબ-સિરીઝ બની રહી છે. આ પ્રોજેક્ટ પર ચાર વર્ષ જેટલા સમયથી ઊંડાણપૂર્વક રિસર્ચ ચાલી રહ્યું છે. જયપુરના રાજવી પરિવારે પણ આ વેબ-સિરીઝ માટે લીલી ઝંડી આપી દીધી છે.
આ સિરીઝની બે સીઝનનું પ્લાનિંગ કરવામાં આવ્યું છે અને દરેક સીઝનમાં ૮ એપિસોડ હશે. આ એક ખૂબ જ ભવ્ય શો છે. જોકે હાલમાં આ શોની સ્ક્રિપ્ટ પર કામ ચાલી રહ્યું છે અને એક વખત સ્ક્રિપ્ટ પૂર્ણ થઈ જાય પછી કાસ્ટિંગની પ્રક્રિયા હાથ ધરવામાં આવશે.
ADVERTISEMENT
આ વેબ-સિરીઝમાં મહારાણી ગાયત્રીદેવીના બાળપણથી લઈને ૭૦ વર્ષની ઉંમર સુધીની લાઇફ બતાવવામાં આવશે. તેથી એમાં મલ્ટિકાસ્ટિંગની જરૂર પડશે. આ શોમાં ફક્ત જયપુરની જ નહીં, કૂચબિહાર અને વડોદરાની સ્ટોરી પણ સામેલ હશે કારણ કે મહારાણી ગાયત્રીદેવીના પૂર્વજોનાં મૂળ વડોદરા સાથે જોડાયેલાં હતાં. શોમાં લંડન અને વાઇટ હાઉસની ઝલક પણ જોવા મળશે.
મહારાણી ગાયત્રીદેવી બ્રિટનનાં રાણી એલિઝાબેથનાં મિત્ર હતાં અને તેમના પતિ માન સિંહ સ્પેનના રાજદૂત હતા. આ કારણે જ શોમાં લંડન અને વાઇટ હાઉસ દર્શાવવામાં આવશે. આ શોની વાર્તાને સારી રીતે ન્યાય આપવા માટે રાજસ્થાનના કિલ્લાઓથી લઈને લંડન સુધી ઘણી જગ્યાએ શૂટિંગ કરવું પડશે.

