આવું કીર્તિ કુલ્હારી માને છે કારણ કે એ પહેલાં તેણે કરેલાં કામની ખાસ કોઈ નોંધ નહોતી લેવાઈ
કીર્તિ કુલ્હારી
કીર્તિ કુલ્હારીનું કહેવું છે કે ડિજિટલ પ્લૅટફૉર્મ જ્યાં સુધી નહોતું આવ્યું ત્યાં સુધી તેના સખત પરિશ્રમની કદી પણ નોંધ નહોતી લેવાઈ. ડિજિટલ પ્લૅટફૉર્મના માધ્યમથી નવી ટૅલન્ટને પોતાનો હુન્નર દેખાડવાનું એક મંચ મળે છે. કીર્તિએ ‘ફોર મોર શૉટ્સ પ્લીઝ’ અને ‘ક્રિમિનલ જસ્ટિસ : બિહાઇન્ડ ક્લોઝ્ડ ડોર્સ’ જેવી વેબ-સિરીઝમાં કામ કર્યું હતું. ડિજિટલ પ્લૅટફૉર્મની પ્રશંસા કરતાં કીર્તિએ કહ્યું હતું કે ‘ડિજિટલ પ્લૅટફૉર્મ જ્યાં સુધી નહોતું આવ્યું ત્યાં સુધી મારી મહેનતને એક ઓળખ નહોતી મળી. હું આજે આ સ્થાને આવીને ખુશ છું કે જ્યાં અનેક નવા ચહેરાઓ, નવી ટૅલન્ટ ઇન્ડસ્ટ્રીમાં પ્રવેશ કરી રહ્યાં છે. ન માત્ર ઍક્ટર્સ પરંતુ ડિરેક્ટર્સ, DOPs અને રાઇટર્સને પણ એક મંચ મળે છે.’
૨૦૧૬માં આવેલી ‘પિન્ક’માં પણ તેણે કામ કર્યું હતું. લેહ-લદાખમાં ‘હિમાલય ફિલ્મ ફેસ્ટિવલ’નું આયોજન કરવામાં આવ્યું હતું. એ દરમ્યાન પોતાની જર્ની વિશે જણાવતાં કીર્તિએ કહ્યું હતું કે ‘સમાજમાં પરિવર્તન લાવવા માટે સિનેમા એક સશક્ત માધ્યમ છે. આ જ કારણ છે કે હું જે કરી રહી છું એના દ્વારા એક ઍક્ટર તરીકે હું પરિવર્તન લાવવાની ઇચ્છા રાખું છું. અનેક મુદ્દાઓ પર ચર્ચા કરવાની જરૂર છે. મારા કામમાં એવા અનેક વિષયો પર પ્રકાશ નાખવામાં આવ્યો છે જેના પર કદી ચર્ચા નથી થઈ કાં તો કદી એના પર ધ્યાન નથી આપવામાં આવ્યું. ઉદાહરણ તરીકે ‘પિન્ક’ની વાત કરીએ તો મેં જ્યારે આ ફિલ્મ કરી તો હું જાણતી હતી કે એની અસર કેવી પડશે. અમને લાગતું હતું કે આ ફિલ્મને જોઈને માત્ર ૧૦ લોકો પણ એના વિશે વિચારે તો અમે જીતી ગયા સમજો. દરેક વ્યક્તિના વિચાર અગત્યના છે.’

