અક્ષરાની મમ્મીએ ટેલિવિઝનને શા માટે કહ્યું અલવિદા?
અક્ષરાની મમ્મીએ ટેલિવિઝનને શા માટે કહ્યું અલવિદા?
વેબ પ્લૅટફૉર્મ્સને કારણે કોઈ પણ ઍક્ટર વેબ પ્લૅટફૉર્મ પર ટૅલન્ટ બતાવીને આગળ આવી શકે છે અને વધુ દર્શકો સુધી પહોંચી શકે છે એટલે જ ટીવીની સરખામણીએ ઓટીટીને વધુ મહત્ત્વ મળી રહ્યું છે. તાજેતરમાં ટીવીનાં જાણીતાં અભિનેત્રી લતા સભરવાલે પોતે હવેથી ડેઇલી સોપમાં કામ નહીં કરે એવી જાહેરાત કરી છે. ‘શાકાલાકા બૂમ બૂમ’, ‘વોહ રહનેવાલી મહલોં કી’ જેવી સિરિયલો કરી ચૂકેલાં લતા સભરવાલને ‘યે રિશ્તા ક્યા કહલાતા હૈ’થી લોકપ્રિયતા મળી છે. તેઓ આ શોમાં અક્ષરા એટલે કે હિના ખાનની મમ્મી રાજશ્રીના રોલમાં જોવા મળ્યાં હતાં. લતા હવે વેબ-સિરીઝ અને ફિલ્મોમાં તક શોધી રહ્યાં છે.
લતાએ સોશ્યલ મીડિયા પર લખ્યું હતું કે ‘હું સત્તાવાર રીતે જાહેરાત કરું છું કે મેં ડેઇલી સોપ કરવાનું છોડી દીધું છે; કારણ કે હું હવે વેબ, ફિલ્મો અને સારા કૅમિયો કરવા માગું છું. થૅન્ક યુ ડેઇલી સોપ, મારા જીવનનો અભિન્ન ભાગ બનવા માટે. નવી જર્ની, નવી શરૂઆત.’
ઉલ્લેખનીય છે કે લતા સભરવાલે ૧૯૯૯માં ‘ગીતા રહસ્ય’નામની માઇથોલૉજિકલ સિરિયલથી ટીવી ડેબ્યુ કર્યું હતું અને તેઓ ‘ઇશ્ક વિશ્ક’, ‘વિવાહ’, ‘પ્રેમ રતન ધન પાયો’ જેવી ફિલ્મોમાં પણ અભિનય કરી ચૂક્યાં છે.

