તારક મેહતા કા ઉલ્ટા ચશ્માના સેટ પર ઑગસ્ટમાં આ બનાવ બન્યો હતો એવો દાવો કરતો એક રિપોર્ટ મીડિયામાં ફરતો થયો છે
દિલીપ જોશી, અસિત કુમાર મોદી
દેશમાં ઘરે-ઘરે જોવાતી કૉમેડી સિરિયલ ‘તારક મેહતા કા ઉલ્ટા ચશ્મા’માં જેઠાલાલ ચંપકલાલ ગડાનું પાત્ર ભજવતા લીડ ઍક્ટર દિલીપ જોશી અને નિર્માતા અસિત કુમાર મોદી વચ્ચે જામી પડી હતી અને ગુસ્સે ભરાયેલા દિલીપ જોશીએ અસિત કુમાર મોદીનો કૉલર પણ પકડી લીધો હતો એવા સમાચાર ગઈ કાલે અનેક મીડિયા-પ્લૅટફૉર્મ પર વહેતા થયા હતા.
મૂળમાં આ બનાવ ઑગસ્ટ મહિનાની શરૂઆતમાં બન્યો હતો એવો દાવો કરવામાં આવ્યો હતો. દિલીપ જોશી થોડા દિવસની રજા લેવા માગતા હતા એટલે તેમણે આ વાત અસિત કુમાર મોદી સુધી પહોંચાડી હતી. ઘટનાના દિવસે કુશ શાહના શૂટિંગનો છેલ્લો દિવસ હતો. દિલીપ જોશી અસિતભાઈની રાહ જોઈ રહ્યા હતા જેથી તેઓ આવે તો આ બાબતે વાત થાય. અસિત કુમાર મોદી સેટ પર આવ્યા અને સીધા જ કુશ પાસે પહોંચી ગયા હતા અને વાતોએ વળગ્યા હતા. આથી દિલીપ જોશી નારાજ અને ગુસ્સે થઈ ગયા હતા તથા એ પછી તેમની બન્ને વચ્ચે જોરદાર આર્ગ્યુમેન્ટ થઈ હતી એવું કહેવાય છે. એક સમયે ગુસ્સે થઈ ગયેલા દિલીપ જોશીએ અસિત કુમાર મોદીનો કૉલર પણ પકડી લીધો હતો અને તેઓ શો છોડી દેશે ત્યાં સુધીની ધમકી આપી દીધી હતી એવો દાવો કરવામાં આવ્યો હતો. જોકે એ પછી શું બન્યું, તેમની વચ્ચે સમજૂતી સધાઈ કે નહીં, આ મામલો છેક અત્યારે કઈ રીતે બહાર આવ્યો એ જાણવા નહોતું મળ્યું.
ADVERTISEMENT
‘મિડ-ડે’ના પ્રતિનિધિઓએ બન્નેને આ બાબત વિશે ઘણી વાર ફોન કરી જોયા હતા, પણ તેમની સાથે વાત નહોતી થઈ શકી.