આ વાત તેણે ‘આદિપુરુષ’ને ધ્યાનમાં રાખીને કહી હતી
દારા સિંહ અને વિન્દુ દારા સિંહ
વિન્દુ દારા સિંહનું કહેવું છે કે તેના પિતા દારા સિંહે ભજવેલા હનુમાનના પાત્રને કોઈ રીક્રીએટ ન કરી શકે. આ વાત તેણે ‘આદિપુરુષ’ને ધ્યાનમાં રાખીને કહી હતી. આ ફિલ્મને લઈને લોકોમાં રોષ છે. અનેક લોકોએ ફિલ્મને લઈને પોતાની નારાજગી વ્યક્ત કરી છે. આ ફિલ્મમાં ભગવાન હનુમાનનો રોલ દેવદત્ત નાગેએ ભજવ્યો છે. એને લઈને વિન્દુ દારા સિંહે કહ્યું કે ‘હનુમાન શક્તિશાળી અને હંમેશાં હસતા હોય છે. આ ઍક્ટર તો બરાબર હિન્દી પણ નથી બોલી શકતો. તેને જે ડાયલૉગ્સ આપ્યા છે એનાથી તે કાંઈ અલગ જ બની ગયો છે. કદાચ તેઓ યુવા પેઢીને દેખાડવા માગતા હતા, જેઓ માર્વલ મૂવીઝ જેવી કે ‘થોર’ જુએ છે. એમાં તેઓ નિષ્ફળ રહ્યા છે. મારા પિતાએ જે પાત્ર ભજવ્યું છે એને કોઈ રીક્રીએટ ન કરી શકે. તેમણે ઇતિહાસ રચી દીધો હતો. અમે બધાએ એનો પ્રયાસ કર્યો છે, પરંતુ અમે જ્યારે પણ એ કરવાનો પ્રયત્ન કર્યો છે અમે એને અમારી ક્ષમતા પ્રમાણે શ્રેષ્ઠ અને સમજ પ્રમાણે દેખાડવાનો પ્રયાસ કરીએ છીએ. અમે એને બદલવાનો પ્રયાસ નથી કરતા. તેમણે જે પણ બનાવ્યું છે એ શરમજનક છે. તેઓ મારા પિતાના વારસાને સ્પર્શ ન કરી શકે. આ હનુમાનની પંચ પણ નથી. એની સાથે થોડી પણ સમાનતા નથી. તેઓ શું બનાવવા માગતા હતા અને શું સિદ્ધ કરવા માગતા હતા મને એની સમજ નથી પડી રહી. તેમણે ફિલ્મનો નાશ કર્યો છે અને તેમણે ખૂબ ખરાબ ફિલ્મ બનાવી છે. તેમણે એને કાંઈ બીજું નામ આપવું જોઈતું હતું. જો તેમણે રામાયણ બનાવી હોય તો તેમણે એ જ સ્ટોરી દેખાડવાની જરૂર હતી. તેમણે શું વિચારીને ફિલ્મ બનાવી છે? મોટા બજેટની સાથે સરસ ફિલ્મ બનાવવાની સુવર્ણ તક તેમની પાસે હતી, પરંતુ તેમણે એ બરબાદ કર્યું છે. આખું જગત જાણે છે કે રાવણની લંકા સોનાની હતી અને તેમણે કાળા પથ્થરની દેખાડી હતી. તેમણે સ્ટોરીમાં ડ્રૅગન દેખાડ્યો હતો. તેમણે મજાકિયા અંદાજમાં ફિલ્મની સ્ટોરી દેખાડી છે. એ ખરેખર નિરાશાજનક છે.’

