ફૅમિલીએ કહ્યું કે ફોન પર તેણે તેના બે સાથી વિશે ફરિયાદ કરી હતી
સોનાલી ફોગાટ
બીજેપીની લીડર અને ‘બિગ બૉસ 14’માં જોવા મળેલી સોનાલી ફોગાટના મૃત્યુના કેસમાં બે જણ વિરુદ્ધ મર્ડરનો કેસ રજિસ્ટર કરવામાં આવ્યો છે. સોનાલી ફોગાટનું ૨૩ ઑગસ્ટે ગોવામાં મૃત્યુ થયું હતું. એ સમયે તેનું કાર્ડિઍક અરેસ્ટને કારણે મૃત્યુ થયું હોવાનું કહેવામાં આવ્યું હતું. જોકે પોસ્ટમૉર્ટમ દરમ્યાન સોનાલીના બૉડી પરથી માર્ક મળી આવતાં તપાસ કરવામાં આવી રહી છે. ગોવા પોલીસે ગુરુવારે બે જણ વિરુદ્ધ કેસ ફાઇલ કર્યો હતો. પોસ્ટમૉર્ટમ રિપોર્ટમાં સોનાલીના બૉડી સાથે જબરદસ્તી કરવામાં આવી હોય એવી ઇન્જરી મળી આવતાં પોલીસે તપાસ હાથ ધરી હતી. ૪૨ વર્ષની સોનાલીના મૃત્યુમાં પોલીસે મર્ડર કેસ ફાઇલ કર્યો છે. સોનાલી ૨૨ ઑગસ્ટે ગોવામાં આવી હતી ત્યારે તેની સાથે સુધીર સાગવન અને સુખવિન્દર વાસી પણ આવ્યા હતા, જેમને આરોપી માનવામાં આવી રહ્યા છે.
સોનાલીના ભાઈ રિન્કુ ધાકાએ બુધવારે અંજુના પોલીસ સ્ટેશનમાં આ બે વિરુદ્ધ પોલીસ-ફરિયાદ કરી હતી. રિન્કુએ કહ્યું હતું કે મૃત્યુના થોડા સમય પહેલાં જ સોનાલીએ તેની મમ્મી, બહેન અને બનેવી સાથે વાત કરી હતી. તેની વાત પરથી તે ચિંતામાં હોય એવું લાગી રહ્યું હતું અને તેણે આ બે જણ વિશે ફરિયાદ પણ કરી હતી. રિન્કુએ પોલીસ-ફરિયાદમાં કહ્યું હતું કે ત્રણ વર્ષ પહેલાં તેના ખાવામાં કંઈક મિલાવીને તેના સાથીએ સોનાલી પર સેક્સ્યુઅલ અસૉલ્ટ પણ કર્યો હતો અને ત્યાર બાદ તેને બ્લૅકમેલ પણ કરી હતી.
ADVERTISEMENT
સોનાલીની ઑટૉપ્સી બુધવારે થવાની હતી, પરંતુ તેના ભાઈએ કહ્યું હતું કે તેઓ ઑટોપ્સી માટે ત્યારે જ તૈયાર થશે જ્યારે તેના બે સાથી વિરુદ્ધ એફઆઇઆર રજિસ્ટર કરવામાં આવે. તેમ જ સોનાલીના ફૅમિલી મેમ્બર મોહિન્દર ફોગાટે કહ્યું હતું કે તેઓ ઑટૉપ્સી માટે ત્યારે જ તૈયાર થશે જ્યારે એનું વિડિયો શૂટિંગ કરવામાં આવે.
ગોવા મેડિકલ કૉલેજ ઍન્ડ હૉસ્પિટલના ફૉરેન્સિક એક્સપર્ટ્સ દ્વારા ગઈ કાલે તેની ઑટૉપ્સી કરવામાં આવી હતી. ફૉરેન્સિક સાયન્સ ડિપાર્ટમેન્ટના ડૉક્ટર સુનીલ શ્રીકાન્ત ચિમ્બોલકર દ્વારા રિપોર્ટ ફાઇલ કરવામાં આવ્યો હતો. આ રિપોર્ટમાં કહેવામાં આવ્યું હતું કે ‘મૃત્યુનું કારણ કેમિકલ ઍનૅલિસિસને કારણે હજી રિઝર્વ રાખવામાં આવ્યું છે. હિસ્ટોપૅથોલૉજી અને સિરોલૉજિકલ રિપોર્ટ્સ માટે ટિશ્યુ પણ સાચવવામાં આવ્યા છે. જોકે બૉડી પર ઘણાં નિશાન મળી આવ્યાં છે, જેના પરથી લાગે છે કે તેના પર બળનો પ્રયોગ કરવામાં આવ્યો હતો. આથી તેનું મૃત્યુ કેવી રીતે થયું એ જણાવવાનું કામ ઇન્વેસ્ટિગેશન ઑફિસરનું છે.’

