આ વર્ષે એક નહીં, પાંચ ફિલ્મો કરીશ : ગુરમીત ચૌધરી
આ વર્ષે એક નહીં, પાંચ ફિલ્મો કરીશ : ગુરમીત ચૌધરી
‘યે મેરી લાઇફ હૈ’, ‘ગીત હુઈ સબસે પરાયી’, ‘પુનર્વિવાહ’, ‘રામાયણ’ જેવી સિરિયલોમાં અભિનય કરી ચૂકેલા ગુરમીત ચૌધરીનું કહેવું છે કે આ વર્ષે એનું લક્ષ્ય એક નહીં, પાંચ ફિલ્મો કરવાનું છે. ‘રામાયણ’થી લોકપ્રિયતા મેળવનાર ગુરમીતે ૨૦૧૫માં ‘ખામોશિયાં’ ફિલ્મથી બૉલીવુડમાં ડેબ્યુ કર્યું હતું અને એ પછી ‘વજહ તુમ હો’ અને ‘પલટન’ જેવી ફિલ્મો પણ કરી. ગુરમીત જાણીજોઈને દર વર્ષે એક ફિલ્મ કરવાનો નિર્ણય લે છે, પણ ૨૦૨૧માં તે ચાહકો માટે બૅક-ટુ-બૅક ફિલ્મો કરીને સ્ક્રીન પર વધુ પ્રેઝન્ટ રહેવા માગે છે.
ગુરમીતનું કહેવું છે કે ‘લોકોની એવી ફરિયાદ છે કે હું ફિલ્મ બાબતે ચુઝી છું, પણ સારા ફિલ્મમેકર સાથે કામ કરવા માટે આડેધડ ફિલ્મો કરવી એના કરતાં રાહ જોવી સારી. જોકે આ વર્ષ માટે મેં નિર્ણય બદલ્યો છે, કારણ કે હું હવે એકને બદલે પાંચ ફિલ્મો કરવાનો છું. હું ઘણી સ્ક્રિપ્ટ વાંચી રહ્યો છું અને મારા એ લક્ષ્ય સુધી પહોંચી શકીશ એવું મને લાગે છે.’ તાજેતરમાં ગુરમીતની હૉરર ફિલ્મ ‘ધ વાઇફ’નું ટ્રેલર રિલીઝ થયું છે જેમાં તે બંગાળી અભિનેત્રી સયાની દત્તા સાથે જોવા મળશે.

