Darshan Jariwala breaks silence on Apara Mehta’s claim: ૨૩ વર્ષ પહેલાં ઘર છોડતી વખતે પત્ની અપરા મહેતાને ‘સૌથી કદરૂપી મહિલા’ કહી હોવાના આક્ષેપો પર અભિનેતા દર્શન જરીવાલાએ પોતાની પ્રતિક્રિયા આપી; આ દાવાને તદ્દન ફગાવી દેતાં તેમણે તેને `ફોલ્સ મેમરી` કહી
અપરા મહેતા અને દર્શન જરીવાલા ૨૦૦૩થી અલગ રહે છે
ગુજરાતી અભિનેત્રી અપરા મહેતા (Apara Mehta)એ પોતાના લગ્નજીવનના એક દર્દનાક પ્રકરણને તાજેતરના એક ઈન્ટરવ્યુ દરમિયાન યાદ કરતાં દર્શન જરીવાલા (Darshan Jariwala) સાથેના તેમના દાયકાઓ જૂના સંબંધો ફરી એકવાર ચર્ચાના કેન્દ્રમાં આવ્યા છે. બંને વચ્ચે લાંબા સમયથી ચાલી રહેલા અલગતાના મુદ્દાએ ફરી લોકોનું ધ્યાન ખેંચ્યું ત્યારે, દર્શન જરીવાલાએ પત્ની દ્વારા લગાવવામાં આવેલા અંગત આક્ષેપો પર પોતાનું મૌન તોડ્યું છે. તેમણે તે સમયે બનેલી ઘટનાઓ અંગે અપરા મહેતાના દાવાથી તદ્દન અલગ જ ચિત્ર રજૂ કર્યું છે.
દર્શન જરીવાલાએ તેમનાં પત્ની અને અભિનેત્રી અપરા મહેતા દ્વારા લગાવવામાં આવેલા આક્ષેપો (Darshan Jariwala breaks silence on Apara Mehta’s claim) પર પોતાની પ્રતિક્રિયા આપી છે. અપરા મહેતાએ દાવો કર્યો હતો કે બે દાયકા પહેલાં લગ્નજીવન છોડતી વખતે દર્શન જરીવાલાએ તેમને ‘સૌથી કદરૂપી મહિલા’ કહી હતી. એક ઈન્ટરવ્યુમાં આ દાવાને ફગાવી દેતાં જરીવાલાએ તેને `ફોલ્સ મેમરી` (ખોટી યાદ) ગણાવી હતી અને ૨૩ વર્ષ અલગ રહ્યા બાદ અપરા મહેતા `વિક્ટિમ કાર્ડ` રમી રહ્યા હોવાનો આક્ષેપ કર્યો હતો.
ADVERTISEMENT
શારીરિક દેખાવ પર ટિપ્પણીના આક્ષેપોને ફગાવ્યા
સિદ્ધાર્થ કનન (Siddharth Kannan) સાથેની વાતચીત દરમિયાન દર્શન જરીવાલાએ આવા કોઈ પણ નિવેદન આપવાનો ઈનકાર કર્યો હતો. તેમણે ભારપૂર્વક કહ્યું કે, તેઓ લોકોને શારીરિક દેખાવને બદલે તેમના સ્વભાવ અને ચરિત્રથી મૂલવે છે. તેમણે ઉમેર્યું કે, સમય જતાં યાદશક્તિમાં ફેરફાર થવાની આ એક મનોવૈજ્ઞાનિક પ્રક્રિયા છે.
દર્શન જરીવાલાએ જણાવ્યું કે, ‘એક ન્યુરોલોજીકલ પ્રક્રિયા છે કે સમય સાથે ઘટનાઓની યાદો બદલાતી રહે છે. હું ઉદારતાથી કહી શકું છું કે આ એક ખોટી યાદ (False Memory)નો કિસ્સો છે. જે રીતે આ વાત રજૂ કરવામાં આવી છે, તેવું કંઈ બન્યું નહોતું.’ તેમણે ઉમેર્યું કે, તેઓ ક્યારેય કોઈ સામાન્ય દેખાવ ધરાવતી મહિલાને પણ કદરૂપી ન કહે, કારણ કે આવી ટિપ્પણી કરવાનો કોઈ અર્થ જ નથી.
૨૦૦૩ થી અલગ રહે છે આ કલાકાર દંપતી
આ વિવાદ ત્યારે શરૂ થયો જ્યારે અપરા મહેતાએ એક ઈન્ટરવ્યુમાં યાદ કર્યું હતું કે, અમેરિકાના એક શોમાંથી પાછા ફર્યા બાદ જરીવાલાએ તેમને કહ્યું હતું કે હવે તેમને પ્રેમ રહ્યો નથી અને તેમના દેખાવ પર ટિપ્પણી કરીને ઘર છોડી દીધું હતું.
નાટક દરમિયાન મળ્યા બાદ ૧૯૮૨માં લગ્નગ્રંથિથી જોડાયેલ આ દંપતી છેલ્લા ૨૩ વર્ષથી કાનૂની છૂટાછેડા લીધા વિના અલગ રહે છે. ઔપચારિક રીતે છૂટાછેડા કેમ ન થયા તે અંગે સ્પષ્ટતા કરતાં દર્શન જરીવાલાએ ખુલાસો કર્યો કે તેમણે ડિવોર્સ માટે અરજી કરી હતી, પરંતુ અંતિમ ક્ષણે અપરા મહેતાએ સંમતિ પાછી ખેંચી લેતાં કોર્ટે અરજી ફગાવી દીધી હતી.
અંગત વિવાદ નહીં પણ અલગ પ્રાથમિકતાઓ કારણ
જરીવાલાએ સ્પષ્ટ કર્યું કે, તેમના લગ્નજીવનમાં તિરાડ કોઈ અંગત દુશ્મનાવટને કારણે નહીં, પરંતુ અલગ-અલગ પ્રાથમિકતાઓ, કારકિર્દીના અલગ દ્રષ્ટિકોણ અને બિઝનેસમાં થયેલા આર્થિક નુકસાનના કારણે પડી હતી. તેમણે નોંધ્યું કે જ્યારે તેમણે ઘર છોડ્યું ત્યારે સાંતાક્રુઝ વેસ્ટ સ્થિત તેમનું મૂળ મકાન અપરા મહેતા અને તેમની પુત્રીના નામે કરી દીધું હતું.
બે દાયકાથી વધુ સમય પછી અપરા મહેતાએ આ મુદ્દો જાહેરમાં કેમ ઉઠાવ્યો તે અંગે સવાલ કરતાં જરીવાલાએ જણાવ્યું કે તેઓ પોતાના જીવનમાં આગળ વધી ગયા છે અને વર્તમાન જીવનથી સંતુષ્ટ છે, જ્યારે પુત્રી સાથે તેમના સંબંધો સામાન્ય છે.
