રિવ્યુ સ્ટ્રીટ ડાન્સર 3D- વરુણ અને શ્રદ્ધા બન્ને પર નોરા ફતેહી ભારે પડી
વરુણ ધવન અને શ્રદ્ધા કપૂર
વરુણ ધવન અને શ્રદ્ધા કપૂરની ફિલ્મ ‘સ્ટ્રીટ ડાન્સર 3D’ ગઈ કાલે રિલીઝ થઈ છે. રેમો ડિસોઝા દ્વારા દિગ્દર્શિત આ ફિલ્મમાં તેમની સાથે નોરા ફતેહી, ધર્મેશ યેલાંડે, પુનિત પાઠક, સલમાન અને રાઘવ જુયાલ જેવા ઘણા ડાન્સર્સ અને કોરિયોગ્રાફર્સનો સમાવેશ કરવામાં આવ્યો છે.
‘એબીસીડી’ અને ‘એબીસીડી 2’ની આ સીક્વલ નથી, પરંતુ એ જ ટીમનો આ ફિલ્મમાં સમાવેશ કરવામાં આવ્યો છે. ફિલ્મની સ્ટોરી (ઇન્ડિયન) છે સહેજ અને ઇનાયત (પાકિસ્તાની)ની છે. તેઓ બન્ને લંડનમાં રહે છે અને તેમના ગ્રુપ દ્વારા ડાન્સ કૉમ્પિટિશનમાં ભાગ લેવા માગતા હોય છે. સહેજ તેના ભાઈનું સપનું પૂરું કરવા માગતો હોય છે, પરંતુ ઇનાયત લંડનમાં રહેતા ઇમિગ્રન્ટ્સને તેમના દેશ ફરી મોકલવા માટે ડાન્સ કૉમ્પિટિશન જીતવા માગતી હોય છે.
‘નિશકામ સિખ વેલ્ફેર ઍન્ડ અવેરનેસ ટીમ’ પરથી પ્રેરણા લઈને આ ફિલ્મની સ્ટોરીનો પ્લૉટ ડાન્સની આસપાસ વણવામાં આવ્યો છે. ફૅમિલી ઇશ્યુ, દેશભક્તિ, ઇમિગ્રન્ટ્સને મદદ કરવી, સ્ટ્રીટ પર રહેતી વ્યક્તિને ભોજન પૂરું પાડવું, ઇન્ડિયા-પાકિસ્તાનને લઈને ક્રિકેટની તકરાર અને ડાન્સ જેવા વિવિધ મુદ્દા પર વાત કરવામાં આવી છે. જોકે રેમો ડાન્સ સિવાય એક પણ મુદ્દાને સારી રીતે સ્ક્રીન પર રજૂ નથી કરી શક્યો. ‘એબીસીડી’ અને ‘એબીસીડી 2’ના ડિરેક્શન અને ‘સ્ટ્રીટ ડાન્સર 3D’ના ડિરેક્શનમાં કોઈ વિવિધતા જોવા નહીં મળે. ભારતની આ પહેલી 3D ડાન્સ ફિલ્મ છે, પરંતુ એ 3D હોય એવું લાગતું નથી. ભાગ્યે જ એવાં દૃશ્યો આવે છે જ્યાં ફિલ્મ 3D હોય એવું લાગે છે. હા, રેમોએ ફિલ્મના ડાન્સને એક અલગ ઊંચાઈએ પહોંચાડ્યો જરૂર છે. ભાંગડા અને હિપ-હૉપનું ફ્યુઝન ખૂબ સુંદર રીતે રજૂ કરવામાં આવ્યું છે.
ADVERTISEMENT
વરુણ અને શ્રદ્ધા લીડ રોલમાં છે. જોકે તેમની ઍક્ટિંગ પણ ઠીકઠાક છે. વરુણને ઇમોશનલ દૃશ્યો ભજવવામાં તકલીફ પડતી હોય એવું હજી પણ લાગે છે. તે ડાન્સ સારો કરી જાણે છે, પરંતુ આ ફિલ્મમાં તેની આસપાસ તમામ પ્રોફેશનલ ડાન્સર હોવાથી તેનો ડાન્સ ઝાંખો પડી ગયો હોય એવું લાગે છે. શ્રદ્ધાને પણ ડાન્સમાં ખૂબ તકલીફ પડતી દેખાઈ આવે છે. આ બન્ને પર નોરા ફતેહી ખૂબ જ ભારે પડી છે. ઇન્ટરવલ પહેલાં તેને વધુ સ્ક્રીન-ટાઇમ આપવામાં આવ્યો છે અને તે બન્ને ઍક્ટર્સને ખાઈ ગઈ છે. જોકે ઇન્ટરવલ બાદ તેને વેડફી નાખવામાં આવી છે અને એન્ડમાં પણ તેની પાસે જોઈએ એવો ડાન્સ કરાવવામાં નથી આવ્યો. ફિલ્મમાં પ્રભુ દેવાનો ‘મુકાબલા’નો ડાન્સ અલ્ટિમેટ છે. ફિલ્મની આ હાઇલાઇટ હોય એ કહેવામાં જરાય ખોટું નથી.
‘મુકાબલા’થી યાદ આવ્યું કે ડાન્સ ફિલ્મ હોવા છતાં ફિલ્મમાં જોઈએ એવાં ગીત નથી. ડાન્સથી ભરપૂર ફિલ્મમાં જાસ્મિન સેન્ડલનું ‘ઇલિગલ વૅપન’ અને ‘લગદી લાહોર દી’નો સમાવેશ કરવામાં આવ્યો છે. આ ત્રણેય ગીત રિમિક્સ છે. ઓરિજિનલ સૉન્ગના નામે ‘દુઆ કરો’ છે અને એ અરિજિત સિંહે એ ખૂબ સુંદર રીતે ગાયું છે.
આ પણ વાંચો : યાદગાર અનુભવો બનાવવા માટે જીવે છે સાન્યા મલ્હોત્રા
ઇન્ટરવલ પહેલાંના પાર્ટમાં લંબાઈ ગયેલી ફિલ્મને સેકન્ડ પાર્ટમાં થોડી ઇન્ટરેસ્ટિંગ બનાવવાની કોશિશ કરી છે. જોકે રેમો એમાં પણ નિષ્ફળ રહ્યો છે. કૉમ્પિટિશનના સેમી ફાઇનલના રાઉન્ડ સુધી વરુણ ધવન એક ગ્રુપમાંથી રમતો હોય છે અને ફાઇનલમાં તે જુદા ગ્રુપમાં સામેલ થઈ જાય છે તેમ જ ફાઇનલમાં ગ્રુપનું નામ પણ ચેન્જ કરી નાખવામાં આવે છે. જોકે દુનિયાની કઈ ડાન્સ કૉમ્પિટિશનમાં રજિસ્ટ્રેશન બાદ આટલી છૂટછાટ આપવામાં આવે છે.

