મલ્હાર ઠાકરના જન્મદિવસે ફૅન્સ માટે વધુ એક ભેટ: 'સારા ભાઈ'નું ટીઝર લૉન્ચ
મલ્હાર ઠાકરની નીરજ જોષી દિગ્દર્શિત આગામી ફિલ્મ 'સારા ભાઈ'ના ટીઝરમાંથી લીધેલ સ્નેપશૉટ
ડૉક્ટર વિક્રમ સારાભાઈ આ નામ ફક્ત ભારતમાં જ નહીં પરંતુ વિશ્વમાં જાણીતું છે. તેમને 'ભારતીય અંતરિક્ષ વિજ્ઞાનના પિતા' તરીકે ઓળખવામાં આવે છે. ગત વર્ષે 12 ઓગસ્ટે ડૉ. વિક્રમ સારાભાઈની 100મી જન્મજયંતી નિમિત્તે મલ્હાર ઠાકર અભિનિત અને નીરજ જોષી દિગ્દર્શિત ફિલ્મ 'સારા ભાઈ'ની જાહેરાત કરવામાં આવી હતી. ગુજરાતી ફિલ્મોના સુપરસ્ટાર મલ્હાર ઠાકરનો આજે 30મો જન્મદિવસ છે ત્યારે દિગ્દર્શક નીરજ જોષીએ ફિલ્મનું ટીઝર રિલીઝ કરીને અભિનેતાને શુભેચ્છા આપી છે અને સાથે જ ફૅન્સને ભેટ.
'સારા ભાઈ' ફિલ્મમાં અભિનેતા મલ્હાર ઠાકર તદ્દન એક નવા જ અવતારમાં જોવા મળશે. ફિલ્મમાં તે શિક્ષકની ભુમિકામાં જોવા મળશે. જેના માટે આત્મવિશ્વાસનો અર્થ છે પોતાના કામમાં શ્રદ્ધા. ફિલ્મમાં મલ્હારની સાથે મુખ્ય ભૂમિકામાં પુજા ઝવેરી છે. ફિલ્મનું દિગ્દર્શન નીરજ જોષીએ કર્યું છે.
ADVERTISEMENT
અહીં જુઓ ફિલ્મનું ટીઝર:
દિગ્દર્શક નીરજ જોષી અને મલ્હાર ઠાકરે 'સારા ભાઈ' પહેલા પણ બે ફિલ્મોમાં સાથે કામ કર્યું છે. પહેલી ફિલ્મ 'કૅશ ઓન ડિલેવરી' થ્રીલ અને સસપેન્સ પર આધારિત હતી. જ્યારે બીજી ફિલ્મ 'શરતો લાગુ' રૉમેન્ટિક અને કૉમેડીથી ભરપુર ડ્રામા ફિલ્મ હતી.
મલ્હાર ઠાકર દિગ્દર્શક નીરજ જોષી સાથે
ગુજરાતી મિડડે.કૉમ સાથેની વાતચીતમાં દિગ્દર્શક નીરજ જોષીએ કહ્યું હતું કે, મેં અને મલ્હારે પહેલા જે બે ફિલ્મોમાં કામ કર્યું હતું તેનાથી આ ફિલ્મ સાવ જુદી છે. ફિલ્મમાં જ્ઞાન અને ગમ્મની સાથે વિજ્ઞાન અને રીસર્ચની વાતો છે. પહેલાં ફિલ્મ વિશ્વ પર્યાવરણના દિવસે એટલે કે પાંચમી જૂને રિલીઝ થવાની હતી. પરંતુ કોરોના વાયરસને કારણે લાગૂ કરવામાં આવેલા લૉકડાઉનને લીધે ફિલ્મ રિલીઝ નહોતી થઈ શકી. હવે પરિસ્થિતિ સામાન્ય થશે ત્યારબાદ સપ્ટેમ્બર અથવા ઓક્ટોબર મહિનામાં ફિલ્મ થિયેટરમાં રિલીઝ કરવામાં આવશે.
મલ્હાર ઠાકરના જન્મદિવસે ટીઝર રિલીઝ કરવા વિશે નીરજ જોષીએ કહ્યું હતું કે, મલ્હારના જન્મદિવસે હું કંઈક વિશેષ કરવા માંગતો હતો. ગુજરાતી ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં ઓછા સમયમાં તેને જે કોન્ટ્રીબ્યુશન આપ્યું છે તેને ટ્રીબ્યુટ આપીને હું જન્મદિવસની શુભેચ્છા આપવા માંગતો હતો એટલે આજના દિવસે ટીઝર રિલીઝ કરવાનું નક્કી કર્યું.
'સારા ભાઈ' ફિલ્મનું શૂટિંગ નવેમ્બર મહિનામાં જ પુરુ થઈ ગયું હતું અને મોટાભાગનું શૂટિંગ વડોદરામાં થયું છે. અત્યારે ફિલ્મના પોસ્ટ પ્રોડક્શનના કામને ફાઈનલ ટચ અપાઈ રહ્યો છે. શૂટિંગના દિવસોને યાદ કરતા નીરજ જોષીએ કહ્યું હતું કે, મારી અને મલ્હાર વચ્ચે દિગ્દર્શક અને અભિનેતા જેવો સંબંધ નથી રહ્યો પરંતુ હવે અમે અંગત મિત્રો બની ગયા છીએ. સેટ પર પણ અમને એક પરિવાર જેવું લાગતું હતું. સેટ પરની દરેક વ્યક્તિ સાથે મલ્હારનો વ્યવહાર પણ બહુ સારો હોય છે. ઈમોશનલી બધા સાથે કનેક્ટેડ રહે છે. તેના નેચરલ અભિનયનો તો હું પોતે પણ ફૅન છું. આજે જન્મદિવસે હું એટલી જ શુભેચ્છા આપીશ કે એ જીવનમાં ખુબ આગળ વધે અને ગુજરાતી સિનેમામાં આ જ રીતે યોગદાન આપીને સહુનું મનોરંજન કરતો રહે.
જો આખું વર્ષ પરિસ્થિતિ સામાન્ય ન થયા તો પણ ફિલ્મને OTT પર રિલીઝ કરવાનો મેકર્સનો કોઈ જ પ્લાન નથી. એટલે મલ્હાર ઠાકરના ફૅન્સ તો એ જ ઈચ્છશે કે, પરિસ્થિતિ જલ્દી સામાન્ય થાય અને તેમના મનપસંદ અભિનેતાની ફિલ્મ થિયેટરમાં જોઈ શકે.

