ઇન્ડસ્ટ્રીને મારી વિનંતી છે જાનવરોને સેટ પર કોઈ કિંમતે ન લાવવામાં આવે
ઝીનત અમાન
ઝીનત અમાન સોશ્યલ મીડિયામાં પોતાના વિચારો વ્યક્ત કરે છે અને યુવાઓને સલાહ પણ આપે છે. તાજેતરમાં જ તે જ્યાં શૂટિંગ કરી રહી હતી ત્યાં એક હાથીને આખો દિવસ બળબળતા તડકામાં ઊભો રાખવામાં આવ્યો હતો. હાથીની આવી દશા જોઈને તેને ખૂબ તકલીફ થઈ હતી. એ આખી ઘટનાને લઈને ઇન્સ્ટાગ્રામ પર એક નોટ શૅર કરીને ઝીનત અમાને લખ્યું કે ‘હું તાજેતરમાં જ સેટ પર પહોંચી તો ત્યાં એક પાળેલા હાથીને જોઈને મારી આંખમાં આંસુ આવી ગયાં. એને તપતા ડામરના રસ્તા પર જ્વેલરી પહેરાવીને ઊભો રાખવામાં આવ્યો હતો. આખો દિવસ એ કૅમેરા સામે ઊભો હતો. હું તો મારા કૉન્ટ્રૅક્ટથી બંધાયેલી છું, પરંતુ મને પસ્તાવો થયો કે મારા કામ માટે અને લોકોના મનોરંજન માટે આ પશુને વેઠવાનું આવ્યું. જંગલી અને પાળેલાં પ્રાણીઓની દુર્દશા જોઈને હું હંમેશાં વ્યથિત થઈ જાઉં છું. કોઈ પણ પ્રાણીને કેદમાં ન રાખવું જોઈએ. ખાસ કરીને હાથી જેવા સમજદાર અને ભાવુક પશુને. હું જાણું છું કે એ અતિશય સંવેદનશીલ હોય છે. એમને કેદમાં રાખવા ક્રૂરતા કહેવાય. હું ફિલ્મ-ઇન્ડસ્ટ્રી અને મારા કલીગ્સને વિનંતી કરું છું કે પ્રાણીઓને કોઈ પણ કિંમતે સેટ પર ન લાવવામાં આવે. આપણે નસીબદાર છીએ કે દુનિયાના અન્ય દેશોની સરખામણીમાં આપણા દેશમાં હાથીઓની સંખ્યા સૌથી વધુ છે. આ આપણો રાષ્ટ્રીય વારસો છે. આપણા દેશમાં એવી અનેક સંસ્થાઓ છે જે આ અદ્ભુત પશુઓના કલ્યાણ અને રક્ષણ માટે કામ કરે છે. આશા રાખીએ કે આવાં પશુઓને પણ સન્માનભેર રહેવા મળે.’

