યુવરાજે કહ્યું કે ૨૦૦૮માં હું ઑસ્ટ્રેલિયામાં રમતો હતો ત્યારે ના પાડવા છતાં તે મારી પાછળ-પાછળ આવી હતી
દીપિકા પાદુકોણ, યુવરાજ સિંહ
ભૂતપૂર્વ ભારતીય ક્રિકેટર યુવરાજ સિંહ પર સોશ્યલ મીડિયા પર માછલાં ધોવાઈ રહ્યા છે. યુવરાજે ભૂતપૂર્વ ક્રિકેટરો ઍડમ ગિલ્ક્રિસ્ટ અને માઇકલ વૉન સાથેના એક પૉડકાસ્ટમાં પોતાની ભૂતપૂર્વ ગર્લફ્રેન્ડ દીપિકા પાદુકોણનો ઇન્ડાયરેક્ટ ઉલ્લેખ કરીને લોકોની ખફગી વહોરી લીધી છે. પૉડકાસ્ટમાં યુવરાજે ભારતની ૨૦૦૮ની ઑસ્ટ્રેલિયા ટૂર વખતની પર્સનલ વાત શૅર કરી હતી.
યુવરાજે પૉડકાસ્ટમાં કહ્યું કે એ વખતે તે એક જાણીતી ઍક્ટ્રેસને ડેટ કરી રહ્યો હતો અને તે પણ ઑસ્ટ્રેલિયામાં શૂટિંગ કરી રહી હતી. યુવરાજના કહેવા મુજબ તે ઍક્ટ્રેસ તેને મળવા ઍડીલેડથી કૅનબેરા મળવા આવી હતી, યુવરાજે તેને ના પાડી હોવા છતાં. યુવરાજના કહેવા મુજબ તેણે તે ઍક્ટ્રેસને કહ્યું હતું કે આ ટૂર તેની કારકિર્દી માટે ખૂબ મહત્ત્વની છે એટલે તેમણે આ ટૂર દરમ્યાન મળવું ન જોઈએ.
યુવરાજે આ ચર્ચામાં ઍક્ટ્રેસનું નામ નથી લીધું, પણ લોકો અટકળ લગાવી રહ્યા છે કે તે દીપિકા વિશે જ બોલી રહ્યો છે કારણ કે દીપિકા એ વખતે ઑસ્ટ્રેલિયામાં રણબીર કપૂર સાથે ‘બચના અય હસીનોં’નું શૂટિંગ કરી રહી હતી અને એ વખતે યુવરાજ-દીપિકાના અફેરની અફવા પણ ચાલતી હતી. યુવરાજે આ ચર્ચામાં તે ઍક્ટ્રેસનો અત્યારની ટોચની અભિનેત્રી તરીકે ઉલ્લેખ કર્યો એનાથી પણ લોકો અનુમાન લગાવી રહ્યા છે કે તે દીપિકા વિશે જ વાત કરી રહ્યો છે.
યુવરાજની આ હરકત લોકોને નથી ગમી. વર્ષો પહેલાં જે સંબંધ સમાપ્ત થઈ ચૂક્યો છે એની આટલી અંગત વાતો તેણે જાહેરમાં કરી એનાથી લોકો ખફા થયા છે. લોકોનું માનવું છે કે યુવરાજ અને દીપિકા બન્ને અત્યારે પોતપોતાના પાર્ટનર સાથે જીવનમાં ઠરીઠામ છે ત્યારે યુવરાજે આ રીતે જૂની વાત ઉખેળવી નહોતી જોઈતી.