૯૦ના દાયકાની અનેક હિન્દી ફિલ્મો થિયેટરમાં ફરી રિલીઝ કરવામાં આવી હતી અને હવે આ વર્ષે ૭૦ના દાયકાની ક્લાસિક ફિલ્મ ‘કભી કભી’ની રીરિલીઝની જાહેરાત કરવામાં આવી છે
‘કભી કભી’ ફિલ્મનું પોસ્ટર
નવી ફિલ્મો રિલીઝ કરવાની સાથે-સાથે જૂની ફિલ્મો રિલીઝ કરવાનો ટ્રેન્ડ પણ લોકપ્રિય બની રહ્યો છે. ગયા વર્ષે ૯૦ના દાયકાની અનેક હિન્દી ફિલ્મો થિયેટરમાં ફરી રિલીઝ કરવામાં આવી હતી અને હવે આ વર્ષે ૭૦ના દાયકાની ક્લાસિક ફિલ્મ ‘કભી કભી’ની રીરિલીઝની જાહેરાત કરવામાં આવી છે. અમિતાભ બચ્ચન, રાખી અને શશી કપૂરને મુખ્ય ભૂમિકામાં ચમકાવતી ‘કભી કભી’ આવતી કાલે ૩૧ જાન્યુઆરીએ થિયેટરમાં ફરી રિલીઝ થશે. આ ફિલ્મનું ડિરેક્શન યશ ચોપડાએ કર્યું હતું અને એમાં રિશી કપૂર, વહીદા રહમાન અને નીતુ સિંહે મહત્ત્વની ભૂમિકા ભજવી હતી.
‘કભી કભી’ ૧૯૭૬માં રિલીઝ થઈ હતી. આ ફિલ્મ ‘દીવાર’ પછી યશ ચોપડાની ડિરેક્ટર તરીકેની બીજી ફિલ્મ હતી. આ ફિલ્મનું સંગીત હિટ સાબિત થયું હતું અને એનું ગીત ‘કભી કભી મેરે દિલ મેં’ આજે પણ સાંભળવા મળે છે. ગીતકાર સાહિર લુધિયાનવીને આ ફિલ્મ માટે સર્વશ્રેષ્ઠ ગીતકારનો અવૉર્ડ મળ્યો હતો, જ્યારે ગાયક મુકેશને એ ગીત માટે બેસ્ટ પ્લેબૅક સિંગરનો અવૉર્ડ મળ્યો હતો.

