ક્રિતીની સફળતા પર સવાલ કરતી રીલને યામીએ લાઇક કરી એટલે સોશ્યલ મીડિયામાં મચ્યો હોબાળો ઃ હકની ઍક્ટ્રેસે આખરે સોશ્યલ મીડિયામાં સ્પષ્ટતા કરીને કહ્યું કે મારાથી આ ભૂલ થઈ ગઈ હશે
કિર્તી સૅનન અને યામી ગૌતમ વચ્ચેની કોલ્ડ વૉર ભૂલથી જગજાહેર થઈ ગઈ?
સોશ્યલ મીડિયા પર એક સામાન્ય લાઇકને કારણે બૉલીવુડની બે અભિનેત્રીઓ યામી ગૌતમ અને ક્રિતી સૅનન વચ્ચે ‘કોલ્ડ વૉર’ ચાલી રહી હોવાની ચર્ચા સોશ્યલ મીડિયા પર ઝડપથી ફેલાઈ ગઈ હતી. કેટલીક પોસ્ટ્સમાં એવું કહેવામાં આવ્યું હતું કે યામી રિયલ લાઇફમાં ક્રિતીની સફળતાથી ખુશ નથી. હવે આ સમગ્ર મામલે યામીએ પોતાની પ્રતિક્રિયા આપી છે અને સ્પષ્ટતા કરી છે કે તેણે ક્યારેય સસ્તી PR ટ્રિક્સનો સહારો લીધો નથી.
હાલમાં ક્રિતીને ‘તેરે ઇશ્ક મેં’ માટે ઝી સિને અવૉર્ડ્સમાં અવૉર્ડ મળ્યો હતો. આ ફિલ્મમાં તેની ઍક્ટિંગની ખૂબ પ્રશંસા થઈ હતી. બીજી તરફ યામી ગૌતમ પણ ફિલ્મ ‘હક’ના શાઝિયાબાનોના પાત્રની જબરદસ્ત ઍક્ટિંગને કારણે સ્પર્ધામાં હતી, પણ તેને અવૉર્ડ નહોતો મળ્યો. એ દરમ્યાન ક્રિતીની એક રીલ સામે આવી છે જેમાં તે અવૉર્ડ સાથે ઉજવણી કરતી જોવા મળી હતી. આ રીલમાં યામીના અવૉર્ડ્સને લઈને કેટલાક જૂના વિચારો પણ દર્શાવવામાં આવ્યા હતા જેમાં તેણે કહ્યું હતું કે ‘માણસ દરેક રીતે પ્રયત્ન કરે છે છતાં ઘણી વખત સફળતા મળતી નથી. તેથી હવે મેં કોઈ પણ પ્રકારની માન્યતા મેળવવાની આશા રાખવાનું બંધ કરી દીધું છે.’
ADVERTISEMENT
આ રીલને યામીએ લાઇક કરી હતી. ત્યાર બાદ સોશ્યલ મીડિયા પર ચર્ચા શરૂ થઈ ગઈ કે કદાચ યામીને ક્રિતીની સફળતા ગમી નથી. કેટલાક યુઝર્સે યામીનો સપોર્ટ કર્યો હતો તો કેટલાકે તેને યામીનો ‘PR સ્ટન્ટ’ ગણાવ્યો. આ વિવાદ વધતાં યામીએ પોતાના સોશ્યલ મીડિયા અકાઉન્ટ પર લાંબી પોસ્ટ લખીને સમગ્ર મામલો સ્પષ્ટ કરતાં લખ્યું હતું કે ‘મને ખબર પડી છે કે મેં એવી રીલ લાઇક કરી છે જે બીજા ઍક્ટર માટે અપમાનજનક લાગી શકે છે. મને સોશ્યલ મીડિયા પર રોજ ઘણા ટૅગ્સ આવે છે અને આ રીલ પણ એ જ રીતે દેખાઈ હતી. આ લાઇક જાણીબૂજીને નહોતી કરી, શક્ય છે કે મારાથી ભૂલથી એ થઈ ગઈ હોય.’
યામી ગૌતમે પોતાની પોસ્ટમાં આગળ લખ્યું છે, ‘મેં મારા જીવનમાં ક્યારેય સસ્તી PR ટ્રિક્સનો ઉપયોગ નથી કર્યો. મેં હંમેશાં મારા કામ પર ધ્યાન કેન્દ્રિત કર્યું છે અને આગળ વધી છું. અત્યારના સમયમાં સોશ્યલ મીડિયા પર ગૉસિપ કરવાનું સરળ છે, પરંતુ મેં મારી મહેનતથી સારી પ્રતિષ્ઠા બનાવી છે.’
