Women’s Day: આવો મળીએ બૉલીવુડની મહિલા હીરોને
કરીના કપૂર ખાન, સુસ્મિતા સેન
મહિલાઓની સામાજિક, આર્થિક, સાંસ્કૃતિક અને રાજકીય સિદ્ધિઓને જેટલી બિરદાવીએ તેટલી ઓછી છે. પણ આ સિદ્ધિઓને બિરાદવવા માટે એક વિશેષ દિવસની ઉજવણી કરવામાં આવે છે તે છે આંતરાષ્ટ્રીય મહિલા દિવસ. 8 માર્ચના રોજ આંતરાષ્ટ્રીય મહિલા દિવસની ઉજવણી કરવામાં આવે છે. આજના આ દિવસે બૉલીવુડની એવી મહિલાઓની વાત કરીએ જેમણે જીવનમાં વ્યક્તિગત કે વ્યવસિયક સ્તરે બહુ સુંદર કામગિરી કરી હોય.
એકતા કપૂર
ADVERTISEMENT
ટેલિવીઝન હોય કે બૉલીવુડ એકતા કપૂરે બધે જ પોતાની છાપ છોડી છે. જોકે, તેનું કનટેન્ટ ઘણીવાર ટીકાઓનું ભોગ પણ બન્યું છે. પરંતુ પુરુષ પ્રધાન કહેવાતી ઈન્ડસ્ટ્રીમાં એકતા કપૂરે આગવું સ્થાન બનાવ્યું છે. તેણે 1994માં બાલાજી ટેલિફિલ્મની શરૂઆત કરી હતી. ત્યારબાદ 2002માં બાલાજી મોશન પિક્ચર્સ અને એપ્રિલ 2017માં અલ્ટ બાલાજીની શરૂઆત કરી હતી. પદ્મ શ્રી એવોર્ડ વિજેતા એકતા કપૂર હવે માત્ર જીતેન્દ્રની દીકરી તરીકે નથી ઓળખાતી પણ પોતાની આગવી ઓળખ છે. પોતાની શરતો પર કાર્ય કરતી સ્ટાર-મેકર છે એકતા કપૂર.
ટ્વિંકલ ખન્ના
સ્ટાર કિડ કે સ્ટાર પત્ની તરીકે ઓળખાતી ટ્વિંકલ ખન્નાએ લેખક, અખબારની કટાર લેખક, ઈન્ટિરિયર ડિઝાઈનર અને ફિલ્મ નિમાર્તા તરીકે પોતાની કારકિર્દી બનાવી છે. કારકિર્દીને વધુ ક્રિએટીવ બનાવવા માટે તેણે અભિનયને થોડાક સમય માટે અલવિદા કહ્યું હતું. વર્ષ 2015માં આવેલ તેનું પ્રથમ પુસ્તક 'Mrs Funnybones: She's Just Like You and a Lot Like Me' બેસ્ટસેલર બન્યું હતું. ત્યારબાદ તેણે વર્ષ 2016માં પ્રોડક્શન હાઉસ ફનીબોન્સ મુવીઝની શરૂઆત કરી હતી. તેની પ્રથમ 'Pyjamas Are Forgiving' 2018માં ભારતમાં મહિલા લેખિકાનું સૌથી વધુ વેચાયેલ પુસ્તક બન્યું હતું. વર્ષ 2019માં ટ્વિંકલ ખન્નાએ સ્ત્રીઓ માટે દ્વિભાષી ડિજિટલ મીડિયા પ્લેટફોર્મ ટ્વીક ઈન્ડિયા શરૂ કર્યું હતું.
દિપશિખા દેશમુખ
વર્ષ 2001માં આવેલી ફિલ્મ ‘મુજે કુછ કહેના હૈ’ દ્વારા કોસ્ચ્ચયુમ ડિઝાઈનર તરીકે કારકિર્દીની શરૂઆત કરનાર દિપશિખા દેશમુખે તેમના વારસાગત પ્રોડક્શન હાઉસ પૂજા એન્ટરટેઈનમેન્ટમાં માર્કેટિંગ, સ્ટ્રેટેજી મેકિંગ અને નિર્માણની જવાબચારી સંભાળી હતી. તેણે વર્ષ 2016માં આવેલી ફીલ્મ સરબજીત દ્વારા પ્રોડયુસર તરીકે ડેબ્યુ કર્યું હતું. જીંદગીમાં દરેક રોલ નિભાવવાની સાથે તેણે કુદરતી સ્કીનકેર બ્રાન્ડ લવ ઓર્ગેનિકલીની શરૂઆત કરી હતી. અત્યારે તેના પ્રોડક્શન હાઉસે બેલબૉટમ પ્રોડયુસ કરી છે, જે મહામારી દરમિયાન શૂટિંગ પુર્ણ કરનાર પ્રથમ ફિલ્મ છે.
સુસ્મિતા સેન
સુષ્મિતા સેન એક અલગ જીવન જીવે છે. તેણે વર્ષ 1994માં મિસ ઈન્ડિયાનો ખિતાબ જીત્યો હતો અને 18 વર્ષની ઉંમરમાં મિસ યુનિર્વસનું ટાઈટલ જીતનાર પ્રથમ ભારતીય બની હતી. તે સફળ અભિનેત્રીની સાથે સાથે સોશ્યલ ચેન્જમેકર પણ છે. તેણે વર્ષ 2000માં અને વર્ષ 2010માં બે બાળકીઓને દત્તક લીધી હતી. સપ્ટેમ્બર 2014માં તેને એડિસન રોગનું નિદાન થયું હતું. જેમાં શરીરની એડ્રેનલ ગ્રંથિને અસર થાય છે. પણ રોગમાંથી બહાર આવ્યા બાદ વર્ષ 2020માં તેણે ઓટીટી પ્લેટફોર્મ પર વૅબસિરીઝ આર્યા દ્વારા કમબૅક કર્યું હતું.
કરીના કપૂર ખાન
કરીના કપૂર ખાને સાબિત કરી દીધું છે કે ફિલ્મ ઉદ્યોગમાં બે દાયકાથી વધુ સમય સુધી ટકી રહેવા માટે માત્રને માત્ર ટેલેન્ટ જ પૂરતી છે. આટલા વર્ષોની કારર્કિદીમાં તેને છ ફિલ્મફેર એવૉર્ડ મળ્યા છે. વર્ષ 2000માં રેફ્યુજી દ્રારા ડેબ્યૂ કર્યા બાદ તેણે અનેક હીટ ફિલ્મોમાં કામ કર્યું છે. ફક્ત ફિલ્મી કારકિર્દી જ નહીં પણ વ્યક્તિગત જીવનમાં પણ તે અનેકને પ્રેરણા આપે છે.

