શું કામ કંગના જેવો અનુભવ થઈ રહ્યો છે સુમીત વ્યાસને?
શું કામ કંગના જેવો અનુભવ થઈ રહ્યો છે સુમીત વ્યાસને?
સુમીત વ્યાસને હાલમાં કંગના રનોટ જેવો અનુભવ થઈ રહ્યો છે. સુમીતે હાલમાં જ ૮ બૉડીગાર્ડ્સ સાથેનો ફોટો શૅર કર્યો છે. કંગના જ્યારે પણ ટ્રાવેલિંગ કરતી હોય છે તો તેની સાથે સ્ટ્રૉન્ગ સિક્યૉરિટી હોય છે. આથી તેને પણ કંગના જેવો અનુભવ થઈ રહ્યો હોવાનું તેણે મસ્તીમાં કહ્યું હતું. કંગના હંમેશાં પોતાનાં વિવાદિત વક્તવ્યોને લઈને સમાચારોમાં છવાયેલી રહે છે. બૉડીગાર્ડ્સ સાથેનો ફોટો ઇન્સ્ટાગ્રામ પર શૅર કરીને સુમીતે કૅપ્શન આપી હતી કે ‘આટલા બધા બૉડીગાર્ડ્સ સાથે મને સલામતીનો અનુભવ થાય છે. એટલી હદે કે હું મારી જાતે પણ બહાર નથી નીકળી શકતો. કંગના જેવો અનુભવ થઈ રહ્યો છે.’
તાપસીનું ઘર પન્નુ પિંડ છે તૈયાર
ADVERTISEMENT
તાપસી પન્નુ તેના નવા ઘરમાં ગૃહપ્રવેશની તૈયારી કરી રહી છે. પોતાના આ નવા અપાર્ટમેન્ટને તે પન્નુ પિંડ કહી રહી છે. ૨૦૨૦માં લાગેલા લૉકડાઉન દરમ્યાન ઘરની સાજસજાવટ કરવી તેના માટે મુશ્કેલ હતું. તેના ઘરમાં ઇન્ટીરિયર ડિઝાઇનિંગ માટે તેની બહેન શગુને પણ મદદ કરી હતી. સ્માર્ટ ટીવીને ઓલ્ડ લુક આપવા માટે તેને પડદાથી ઢાંકવામાં આવ્યું છે જેથી ચાર્મ જળવાઈ રહે. નવા ઘરની ઝલક દેખાડતા ફોટો ઇન્સ્ટાગ્રામ પર શૅર કરીને તાપસીએ કૅપ્શન આપી હતી કે ‘૨૦૨૦ દરમ્યાન અપાર્ટમેન્ટને તૈયાર કરવું મારા માટે એક કસોટી સમાન હતું. છેવટે પન્નુ પિંડ હવે ગૃહપ્રવેશ માટે તૈયાર થઈ ગયું છે. મારા ફેવરિટ પ્લે લિસ્ટની સાથે એની શરૂઆત કરવામાં આવશે. એથી સાઉન્ડ ચેક કરવો અગત્યનું છે, કારણ કે આવનારા મહેમાનોને થોડા તો નચાવવા પડશે.’
અરિજિત બન્યો પગલેટ દ્વારા મ્યુઝિક-કમ્પોઝર
અરિજિત સિંહ ‘પગલેટ’ માટે મ્યુઝિક-કમ્પોઝર બન્યો છે. આ ફિલ્મમાં સાન્યા મલ્હોત્રા લીડ રોલમાં છે, જે સંધ્યાનું પાત્ર ભજવી રહી છે. તેના પતિનું અવસાન થાય છે. સંયુક્ત પરિવારમાં રહીને તે પોતાની જાતને શોધવા, પોતાની ઓળખ મેળવવા અને જીવનનો ઉદ્દેશ શોધવામાં લાગી જાય છે. ફિલ્મને શોભા કપૂર, એકતા કપૂર, ગુનીત મોંગા અને આચી જૈને પ્રોડ્યુસ કરી છે. ફિલ્મને ઉમેશ બિશ્ટે ડિરેક્ટ કરી છે અને એમાં સયાની ગુપ્તા, શ્રુતિ શર્મા, આશુતોષ રાણા, રઘુબીર યાદવ, શીબા ચઢ્ઢા, મેઘના મલિક અને રાજેશ તેલંગ પણ લીડ રોલમાં જોવા મળશે. ફિલ્મ વિશે અરિજિત સિંહે કહ્યું હતું કે ‘આ પ્રોજેક્ટ મારા દિલની ખૂબ નજીક છે, જેના દ્વારા હું મ્યુઝિક-કમ્પોઝર બની ગયો છું. હું મ્યુઝિક વિશ્વને સર્વ કરવા માટે સન્માનિત અનુભવી રહ્યો છું. સંધ્યાની સ્ટોરી આત્મવિશ્વાસ અને સફળતાની છે, જે મારી મ્યુઝિકલ જર્ની છે. ‘પગલેટ’ જેવી સ્પેશ્યલ ફિલ્મ સાથે જોડાઈને હું ખૂબ જ ખુશ છું.’
આદિપુરુષમાં દેખાશે ક્રિતી
ક્રિતી સૅનન ‘આદિપુરુષ’માં કામ કરવાની તક મળતાં ગર્વ અનુભવી રહી છે. આ ફિલ્મમાં તેની સાથે પ્રભાસ, સૈફ અલી ખાન અને સની સિંહ લીડ રોલમાં જોવા મળવાનાં છે. આ ફિલ્મ રામાયણ પર આધારિત છે. ફિલ્મને ટી-સિરીઝે પ્રોડ્યુસ કરી છે. ‘તાન્હાજી : ધ અનસંગ વૉરિયર’ના ડિરેક્ટર ઓમ રાઉત ‘આદિપુરુષ’ ડિરેક્ટ કરી રહ્યો છે. ફિલ્મમાં પ્રભાસ રામની ભૂમિકામાં, ક્રિતી સીતાની ભૂમિકામાં, સની લક્ષ્મણના પાત્રમાં અને સૈફ અલી ખાન રાવણના પાત્રમાં જોવા મળશે. ટીમ સાથેનો ફોટો ઇન્સ્ટાગ્રામ પર શૅર કરીને ક્રિતીએ કૅપ્શન આપી હતી કે ‘એક નવી જર્નીની શરૂઆત થઈ છે. ‘આદિપુરુષ’ સ્પેશ્યલ રહેવાની છે. ગર્વ અને સન્માનની સાથે જ આ જાદુઈ વિશ્વનો ભાગ બનવાથી ઉત્સાહિત છું.’
આક્રમક આર્યા
સુસ્મિતા સેન તેની ‘આર્યા’ની બીજી સીઝન માટે હવે સજ્જ થઈ ગઈ છે. આ વેબ-સિરીઝની બીજી સીઝનની આતુરતાથી રાહ જોવામાં આવી રહી છે. રામ માધવાણી દ્વારા ડિરેક્ટ કરવામાં આવનાર આ સિરીઝનું શૂટિંગ હાલમાં જયપુરમાં ચાલી રહ્યું છે. ગયા વર્ષે રિલીઝ થયેલી આ સીઝન દ્વારા તેણે કમબૅક કર્યું હતું. પોતાનો ફોટો ઇન્સ્ટાગ્રામ પર શૅર કરીને સુસ્મિતાએ કૅપ્શન આપી હતી કે ‘તમારી બધી લડાઈ આ ગેટની બહાર રાખજો. જો તમે એને અંદર લઈ આવ્યા તો યુદ્ધ છેડાઈ જશે.’
પાતાલપાનીમાં દેખાશે કરણવીર અને ઝરીન
કરણવીર બોહરા અને ઝરીન ખાન હૉરર-કૉમેડી ‘પાતાલપાની : આઝાદ દેશ કે ગુલામ ભૂત’માં જોવા મળશે. આ ફિલ્મને રાજ આશુ ડિરેક્ટ કરશે. ફિલ્મને કરણવીરની વાઇફ ટીજે સિધુ અને પંચમ સિંહ પ્રોડ્યુસ કરશે. ફિલ્મમાં ઇલા અરુણ, રાજેશ શર્મા, અલી અસગર, અદિતિ ગોવિત્રીકર, ઉપાસના સિંહ અને સુમીત ગુલાટી લીડ રોલમાં જોવા મળશે. ફિલ્મનું શૂટિંગ ટૂંક સમયમાં શરૂ કરવામાં આવશે. ફિલ્મમાં સમાજના વલણને કૉમેડી કરતાં દેખાડવામાં આવશે. ફિલ્મ વિશે ડિરેક્ટર રાજ આશુએ કહ્યું હતું કે ‘આ ખૂબ જ ફની ફિલ્મ રહેશે. આ મહિનામાં સુરક્ષાના તમામ ઉપાયોનું ધ્યાન રાખીને શૂટિંગ શરૂ કરીશું. એને જલદી રિલીઝ કરવા માટે પણ અમે ઉત્સાહિત છીએ.’
ઓશોનું પાત્ર ભજવવું લાઇફ-ચેન્જિંગ એક્સ્પીરિયન્સ રહ્યો છે : રવિ કિશન
આચાર્ય રજનીશ, જેને ઓશોના નામથી ઓળખવામાં આવે છે, તેમના જીવન પરથી આધારિત ફિલ્મ ‘સીક્રેટ્સ ઑફ લવ’માં તેમનું પાત્ર રવિ કિશને ભજવ્યું છે. આ વિશે વાત કરતાં રવિ કિશને કહ્યું હતું કે ‘ઓશો માટેની મારી માન્યતા પહેલાં અલગ હતી, પરંતુ વિનોદ ખન્નાએ જ્યારે તેમની આ જર્ની શરૂ કરી ત્યારે મને થોડું કુતૂહલ થયું હતું. વિનોદ ખન્ના તેમની કરીઅરમાં ટૉપ પર હતા અને સુપરસ્ટાર હતા એ સમયે તેમણે બધું છોડીને અમેરિકામાં જઈ ઓશોને ફૉલો કરવાનું નક્કી કર્યું હતું. આપણે બધા જાણીએ છીએ કે અમિતાભ બચ્ચન અને વિનોદ ખન્ના વચ્ચે હરીફાઈ ચાલી હતી અને હંમેશાંથી એ ચર્ચા ચાલી છે કે વિનોદ ખન્નાએ તેમનું સુપરસ્ટારડમ અને ઍક્ટિંગ છોડ્યાં ત્યાર બાદ અમિતાભ બચ્ચન મેગાસ્ટાર બન્યા. પૉઇન્ટ એ છે કે એક ધર્મગુરુ માટે કોઈ વ્યક્તિ કેવી રીતે બધું છોડી શકે? મારા આ વિચારને વધુ એક્સપ્લોર કરવાની મને આ ફિલ્મ દ્વારા તક મળી હતી.’
આ ફિલ્મમાં ઍક્ટિંગ માટે તેણે ઘણી ઓશોની બુક વાંચી હતી જેથી બૉડી લૅન્ગ્વેજ પર ફોકસ કરી શકે. આ વિશે વાત કરતાં રવિ કિશને કહ્યું હતું કે ‘શરૂઆતમાં મેં મેકર્સને પૂછ્યું હતું કે તેઓ મને કેમ પસંદ કરી રહ્યા છે. તેમણે મને કહ્યું હતું કે તેમને ઓશોમાં અને મારી આંખમાં થોડીઘણી સમાનતા જોવા મળે છે. થોડાઘણા લુક-ટેસ્ટ અને ટ્રાન્સફૉર્મેશન બાદ મને એ સમજમાં આવ્યું હતું. મારા માટે આ લાઇફ-ચેન્જિંગ અનુભવ હતો.’

