ડૅડીને હંમેશાં ગર્વ થાય એવું કામ કરવું છે ટાઇગરને
ડૅડીને હંમેશાં ગર્વ થાય એવું કામ કરવું છે ટાઇગરને
ટાઇગર શ્રોફનું કહેવું છે કે તેને એવું કામ કરવું છે કે તેના ડૅડી જૅકી શ્રોફને હંમેશાં તેના પર ગર્વ થાય. તાજેતરમાં જ ‘ઇન્ડિયન આઇડલ’ના સેટ પર જૅકી શ્રોફને આમંત્રિત કરવામાં આવ્યો હતો. એથી તેની વાઇફ આયેશા શ્રોફ અને ટાઇગર શ્રોફે એક સરપ્રાઇઝ વિડિયો બનાવીને તેને સ્પેશ્યલ મેસેજ આપ્યો હતો. વિડિયોમાં આયેશા શ્રોફે કહ્યું હતું કે ‘તમને બધાને એ જાણીને આનંદ આવશે કે હું જ્યારે તેને પહેલી વખત મળી હતી ત્યારે હું માત્ર ૧૩ વર્ષની હતી. હું તેને એક રેકૉર્ડ શૉપમાં મળી હતી જ્યાં અમે બે મિનિટ સુધી વાત કરી અને હું ઘરે આવી ગઈ હતી. મેં મારી મમ્મીને કહ્યું કે હું એક એવા માણસને મળી હતી જેની સાથે મારે લગ્ન કરવાનાં છે. બાદમાં હું તેને ૩ વર્ષ પછી મળી હતી. અમે વાતો કરવાનું અને બહાર મળવાનું શરૂ કર્યું હતું. તેની સાથે લગ્ન કરીને મને મારી લાઇફનો બેસ્ટ નિર્ણય લીધો હોય એવું લાગે છે. તેના જેવો માણસ મેળવીને હું પોતાને લકી માનું છું. આખા વિશ્વમાં તે બેસ્ટ હસબન્ડ અને બેસ્ટ ફાધર છે.’
પપ્પા જૅકી શ્રોફ વિશે પોતાની લાગણી વ્યક્ત કરતાં ટાઇગર શ્રોફે કહ્યું હતું કે ‘મને પૂરી ખાતરી છે કે ફૅમિલીએ તમારા વિશે ઘણુંબધું કહ્યું હશે. જોકે હું માત્ર થોડા જ શબ્દો કહેવા માગું છું. આઇ લવ યુ વેરી મચ ડૅડ. જીવનમાં મારો એક જ ઉદ્દેશ છે કે હું દરરોજ તમને ગર્વ થાય એવાં કામ કરું. આશા રાખું છું કે એમ કરવામાં હું સફળ થાઉં.’

