ધ કસિનો મને ફળી છેઃ મંદના કરીમી
મંદાના કરીમી
ડિજિટલ પ્લૅટફૉર્મ્સ એવા દરેક કલાકાર માટે આશીર્વાદ સમાન બન્યા છે જે મનોરંજન ક્ષેત્રમાં જાણીતા ન હોવા છતાં પણ સતત કાર્યરત રહેવા અને પોતાની પ્રતિભા દેખાડવા ઇચ્છતા હોય. વેબ-શોને લીધે રાઇટર, ડિરેક્ટરથી માંડીને કેટલાય ઍક્ટર્સની ગાડી પાટે ચડી છે. ‘બિગ બોસ’ ફૅમ મંદના કરીમીને બે વર્ષથી કોઈ કામ મળ્યું ન હતું તેથી જ્યારે ‘ધ કસિનો’ વેબ-સિરીઝ ઑફર થઈ ત્યારે તેની આંખમાં હર્ષના આંસુ આવી ગયા હતા. ‘ધ કસિનો: માય ગેમ્સ. માય રુલ્સ’ એક ક્રાઇમ-થ્રિલર સિરીઝ છે જેમાં કરણવીર બોહરા, સુધાંશુ પાંડે, મંદના કરીમી મુખ્ય ભૂમિકામાં છે. આ સિરીઝ ઝીફાઈવ પ૨ ૧૨ જૂને રિલીઝ થવાની છે.
‘ક્યા કૂલ હૈ હમ ૩’, ‘ભાગ જૉની’ જેવી ફિલ્મો ઉપરાંત રિયાલીટી શો કરી ચૂકેલી મંદનાએ પોતાના સંઘર્ષભર્યા દિવસો યાદ કરતાં કહ્યું કે, ‘આશરે દોઢ વર્ષ પહેલાં મારી પાસે કોઈ કામ ન હોવાને લીધે મેં મારા મિત્ર અને ડિરેક્ટર અનુરાગ કશ્યપ સાથે વાત કરી ત્યારે અનુરાગે મને વર્કશોપ અટેન્ડ કરીને પોતાને ઇમ્પ્રૂવ કરવાની સલાહ આપી. વર્કશોપને લીધે મારામાં એક વ્યક્તિ અને ઍક્ટર તરીકે ઘણાં સુધારા થયા. ત્યારબાદ એક લાંબા બ્રેક પછી મને ‘ધ કસિનો’ ઓફર થઈ ત્યારે હું લાગણીશીલ બની ગઈ હતી. આ સિરીઝમાં હું એક એક્ટર તરીકે ઊભરી છું.’