પેરન્ટ્સ સમક્ષ મારે મારી ક્ષમતા પુરવાર કરવાની છે : સારા
ગઈ કાલે ટ્રેલર લૉન્ચ ઇવેન્ટમાં સ્ટાઇલિશ અવતારમાં સારા અલી ખાન.
સારા ‘કેદારનાથ’થી બૉલીવુડમાં પદાર્પણ કરવાની છે. સુશાંત સિંહ રાજપૂત સાથેની આ ફિલ્મ ૭ ડિસેમ્બરે રિલીઝ થવાની છે જેને અભિષેક કપૂરે ડિરેક્ટ કરી છે. પહેલી ફિલ્મ રિલીઝ થતાં પહેલાં ગભરામણ અને મૂંઝવણ હોવી સામાન્ય બાબત છે, પરંતુ સારાનું માનવું છે કે તેને કોઈ પણ પ્રકારનું દબાણ નથી. આ વિશે વધુ જણાવતાં સારાએ કહ્યું હતું કે ‘હું આવા કોઈ પણ પ્રેશર વિશે નથી જાણતી, પરંતુ મારે મારા પેરન્ટ્સ સમક્ષ પોતાની જાતને સાબિત કરવાની છે. ત્યાર બાદ ઇન્ડસ્ટ્રી, દર્શકો અને મીડિયાને પણ મારી ક્ષમતા દેખાડવાની છે. હું નથી જાણતી કે આ બધાની વચમાં પ્રેશર ક્યાંથી આવ્યું. હું કંઈ ફિલ્મની રિલીઝના દિવસે ગોવામાં જઈને સમય નથી પસાર કરવાની. હું મારી ફિલ્મના રિવ્યુ વાંચવા માટે ખૂબ જ આતુર છું. આ માટે મારામાં થોડી ચિંતા અને ઉમળકો પણ છે, પરંતુ હું નથી માનતી કે કોઈ પ્રકારનું પ્રેશર હોય. કોઈ વસ્તુનું જ્યારે આપણે દબાણ અનુભવીએ તો એ આપણું મનોબળ તોડી પાડે છે, પરંતુ હું એમાંની નથી. આ અઠવાડિયું મારા જીવનનું સૌથી સારું અઠવાડિયું બની રહેશે. મને ઇન્ટરવ્યુઝ આપવા ગમે છે, કારણ કે એ મને અહેસાસ કરાવે છે કે હું મારી ફિલ્મની રિલીઝની ખૂબ નજીક પહોંચી ગઈ છું. આવો અનુભવ ફરી ક્યારેય પાછો નહીં મળે. ‘કેદારનાથ’ સાથે આ છેલ્લી ઘડીઓ છે, એથી હું એને ભરપૂર માણી રહી છું.’
‘કેદારનાથ’માં સારા એક હિન્દુ યાત્રીની ભૂમિકામાં છે અને સુશાંત એક મુસ્લિમ પિઠ્ઠુના પાત્રમાં જોવા મળશે જે લોકોને પોતાની પીઠ પર બેસાડીને કેદારનાથ ધામ લઈ જાય છે. આ ફિલ્મમાં બન્ને વચ્ચે પ્રેમ પાંગરે છે એવું દેખાડવામાં આવે છે. કેદારનાથમાં આવેલા તોફાનની સત્યઘટના પર આ ફિલ્મ આધારિત છે. અભિષેક કપૂરની ‘કાઇપો છે’થી સુશાંતે બૉલીવુડમાં ઍન્ટ્રી કરી હતી. હવે સારા પણ અભિષેકની ફિલ્મથી જ પોતાની કરીઅરની શરૂઆત કરી રહી છે. આ વિશે સારાએ કહ્યું હતું કે ‘સુશાંતને અભિષેકે લૉન્ચ કર્યો હતો. એેથી અમારા બન્નેમાં ખાસ્સી એવી સમાનતા છે. સુશાંતને એ વાતની બરાબર જાણ હોય છે કે અભિષેકને પાત્રમાં શું જોઈએ છે અને એથી જ શૉટ્સ આપતાં પહેલાં સુશાંત મારી સાથે દૃશ્યોને લઈને ચર્ચા કરતો હતો. તેની સાથે કામ કરવાની ખૂબ મજા આવી હતી.’
ADVERTISEMENT
કેદારનાથની સ્ક્રિપ્ટ સાંભળી રડવા લાગી હતી મમ્મી : સારા અલી ખાન
સારા અલી ખાને તાજેતરમાં જ જણાવ્યું હતું કે ‘કેદારનાથ’ની સ્ક્રિપ્ટના નરેશન વખતે તેની મમ્મી એટલે અમિþતા સિંહ રડવા લાગી હતી. સારા અલી ખાન અને સુશાંત સિંહ રાજપૂતની આ ફિલ્મ ૭ ડિસેમ્બરે રિલીઝ થવાની છે. ડિરેક્ટર અભિષેક કપૂરની આ ફિલ્મ થકી સારા બૉલીવુડમાં પદાર્પણ કરવાની છે. આ ફિલ્મ વિશે વધુ જણાવતાં સારા અલી ખાને કહ્યું હતું કે ‘હું મારી મમ્મી સાથે રહું છું, એથી સ્વાભાવિક છે કે હું દરેક બાબત તેની સાથે શૅર કરું છું. હું મમ્મીની બધી વાત પણ માનું છું, જોકે મારા પિતા પણ એક ઍક્ટર છે અને તેમનાથી હું ઘણી ક્લોઝ પણ છું અને તેમની સલાહ પણ લઉં છું. ‘કેદારનાથ’ની સ્ક્રિપ્ટ બન્નેને પસંદ આવી હતી. મેં પપ્પાને ફિલ્મની સ્ટોરી સંભળાવી હતી. સ્ક્રિપ્ટના નરેશન વખતે મારી મમ્મી મારી સાથે હાજર હતી. સ્ટોરી સાંભળીને તેની આંખો આંસુઓથી છલકાઈ ઊઠી હતી.’


