સ્ક્રિપ્ટ ચોરી કરી હોવાનો આરોપ મૂકવામાં આવતાં સ્ટુડિયોઝ અને બોની કપૂરે સ્ટેટમેન્ટમાં કહ્યું, અમારો પક્ષ સાંભળ્યા વગર રિલીઝને અટકાવી
અજય દેવગનની `મૈદાન’ ફિલ્મના રોલની તસવીર
અજય દેવગનની ‘મૈદાન’ રિલીઝ તો થઈ ગઈ, પરંતુ કન્નડ સ્ક્રિપ્ટ-રાઇટર અનિલ કુમારની અરજી પર મૈસૂર કોર્ટે એની રિલીઝ પર સ્ટે લગાવી દીધો છે. એથી ફિલ્મના પ્રોડ્યુસર બોની કપૂર અને ઝી સ્ટુડિયોઝે સોશ્યલ મીડિયામાં સ્ટેટમેન્ટ શૅર કરીને લખ્યું કે તેમનો પક્ષ સાંભળવામાં નથી આવ્યો. અનિલ કુમારનું કહેવું છે કે તેણે ફિલ્મના અસિસ્ટન્ટ ડિરેક્ટર સુખદાસ સૂર્યવંશીને તેણે લખેલી સ્ક્રિપ્ટની કૉપી આપી હતી. ‘મૈદાન’ એ તેની સ્ટોરી છે. એથી કોર્ટમાં કરેલી તેની અરજીમાં તેણે ઉલ્લેખ કર્યો છે કે તેને ક્રેડિટ નથી આપવામાં આવી. કોર્ટના સ્ટે ઑર્ડર પર બોની કપૂર અને ઝી સ્ટુડિયોઝના બેવ્યુ પ્રોજેક્ટ્સ LLPએ ઍક્સ પર લખ્યું, ‘અમને હાલમાં જ ડિસ્ટ્રિક્ટ જજ તરફથી ફિલ્મની રિલીઝને અટકાવતા ઑર્ડરની કૉપી મળી છે. અમારું એવું કહેવું છે કે આ ઑર્ડર અમારો પક્ષ સાંભળ્યા વગર જ ડિસ્ટ્રિક્ટ જજે પાસ કર્યો છે. આ કેસની સુનાવણી માટે અમને કોઈ નોટિસ મોકલવામાં નહોતી આવી. સાથે જ આ ઑર્ડર ફિલ્મ રિલીઝ થઈ ગયા બાદ પાસ કરવામાં આવ્યો છે. એથી આવા કોઈ પણ ઑર્ડર ફિલ્મની રિલીઝ બાદ પાસ કરવામાં આવે તો એ કાયદાની દૃષ્ટિએ નિરર્થક ગણાય છે. આમ છતાં અમે કર્ણાટક હાઈ કોર્ટમાં આ ઑર્ડર વિરુદ્ધ અપીલ દાખલ કરી છે. અમે માનનીય કોર્ટને એ સ્ટે-ઑર્ડર વહેલાસર હટાવવાની માગણી કરીશું. કોઈ પણ પ્રકારના હોબાળા વગર અમે કાયદા પ્રમાણે આગળ વધીશું. ફિલ્મને રિલીઝ કરવાની અમે ખાતરી આપીએ છીએ. એને લઈને દરેક માહિતી અમે પૂરી પાડીશું.’
પેઇડ પ્રિવ્યુમાં સૌથી વધુ બિઝનેસ કરનારી ટૉપ ફાઇવ ફિલ્મો
ફિલ્મનું નામ બિઝનેસ (રૂપિયામાં)
ચેન્નઈ એક્સપ્રેસ 6.75 કરોડ
પદ્માવત 5 કરોડ
3 ઇડિયટ્સ 2.77 કરોડ
મૈદાન 2.50 કરોડ
રૉકી હૅન્ડસમ 1.77 કરોડ
નોંધ : પેઇડ પ્રિવ્યુઝ એટલે કે રિલીઝના એક દિવસ પહેલાં સાંજે રાખવામાં આવેલા શોનો બિઝનેસ.

