લવિના વિરુદ્ધ એક કરોડ રૂપિયાનો માનહાનિનો દાવો કર્યો મહેશ ભટ્ટે
લવિના લોધ, મહેશ ભટ્ટ
લવિના લોધે તાજેતરમાં જ મહેશ ભટ્ટ પર વિવિધ આરોપો મૂક્યા છે. ત્યાર બાદ મહેશ ભટ્ટે તેની વિરુદ્ધ એક કરોડ રૂપિયાનો માનહાનિનો દાવો કર્યો છે. એક વિડિયો શૅર કરીને લવિનાએ કહ્યું હતું કે ‘નમસ્તે, મારું નામ લવિના લોધ છે. આ વિડિયો હું મારી અને મારી ફૅમિલીની સલામતી માટે બનાવી રહી છું. મારાં લગ્ન મહેશ ભટ્ટના ભત્રીજા સુમીત સભરવાલ સાથે થયાં હતાં. મને જ્યારે જાણ થઈ કે તે ડ્રગ્સ અને મહિલાઓની સપ્લાય કરે છે તો મેં ડિવૉર્સ લેવાનું નક્કી કર્યું છે. તેના ફોનમાં અલગ-અલગ મહિલાઓના ફોટો હોય છે જેને તે ડિરેક્ટર્સને દેખાડે છે. બાદમાં તેમની સપ્લાય કરે છે. આ વાતથી તો મહેશ ભટ્ટ પણ વાકેફ છે. ઇન્ડસ્ટ્રીમાં મહેશ ભટ્ટ સૌથી મોટો ડૉન છે. આ પૂરી સિસ્ટમ તે જ ચલાવે છે. જો તમે તેમની શરતો પર ન ચાલો તો તે તમારું જીવન બરબાદ કરી દે છે. તેણે અનેક લોકોનું જીવન બરબાદ કર્યું છે. મેં જ્યારથી તેમની વિરુદ્ધ બોલવાનું શરૂ કર્યું છે તો મારી પાછળ લાગી ગયા છે. મારા ઘરમાં બળજબરીપૂર્વક ઘૂસવાનો પ્રયાસ કરે છે. મારા ઘરમાંથી મને કાઢવાનો તેઓ પ્રયાસ કરે છે. જો મારી ફૅમિલી કે પછી મારી સાથે કંઈ પણ ઘટના ઘટે તો એના માટે મહેશ ભટ્ટ, મુકેશ ભટ્ટ,
સુમીત સભરવાલ, સાહિલ સહગલ અને કુમકુમ સહગલ જવાબદાર રહેશે. લોકોને એ જાણ થવી ખૂબ જરૂરી છે કે બંધ બારણાં પાછળ શું ચાલી રહ્યું છે.’
ADVERTISEMENT
લવિનાના આ આરોપો બાદ મહેશ ભટ્ટે તેની વિરુદ્ધ લીગલ ઍક્શન લેવાનું નક્કી કર્યું છે. મહેશ ભટ્ટના પ્રોડક્શન હાઉસ વિશેષ ફિલ્મ્સ દ્વારા એક લીગલ નોટિસ ઇન્સ્ટાગ્રામ પર શૅર કરવામાં આવી છે. એમાં લખવામાં આવ્યું છે કે ‘લવિના લોધે જે વિડિયો શૅર કર્યો છે એના રેફરન્સ પર મારા ક્લાયન્ટ મહેશ ભટ્ટ વતી હું જણાવવા માગું છું કે તેના આરોપો ખોટા અને છબી ખરડાવનારા છે. સાથે જ કાયદાકીય રીતે ગંભીર પરિણામ આપનારા છે. અમારો ક્લાયન્ટ એ બદલ કાયદાકીય પગલાં લેશે.’
મહેશ ભટ્ટે કરેલી ફરિયાદથી તેમને કોર્ટે હાલપૂરતી રાહત આપી છે. તેમ જ લવિનાને કોઈ પણ સ્ટેટમેન્ટ આપવા માટે ના ફરમાવી છે. મહેશ ભટ્ટે કરેલા માનહાનિના દાવા માટે તેને કોર્ટે ત્રણ અઠવાડિયાંનો સમય આપ્યો છે.


