સરોજ ખાને વીસ મિનિટમાં તૈયાર કર્યા હતા 'એક દો તીન' ગીતના સ્ટેપ
તસવીર સૌજન્ય: ઈન્સ્ટાગ્રામ
લૅજન્ડરી કોરિયોગ્રાફર સરોજ ખાનને ફિલ્મ 'તેજાબ'માં અભિનેત્રી માધુરી દીક્ષિતના લોકપ્રિય ગીત 'એક દો તીન'ના સ્ટેપ તૈયાર કરવા માટે ફક્ત વીસ મિનિટ જ લાગી હતી. આ વાતનો ખુલાસો અભિનેત્રી માધુરી દીક્ષિતે તાજેતરમાં પોસ્ટ કરેલા એક વીડિયોમાં થયો છે.
ગત શુક્રવારે હૃદયરોગના હુમલાથી લૅજન્ડરી કોરિયોગ્રાફર સરોજ ખાનનું નિધન થયું છે. તેમના નિધનથી બૉલીવુડના સેલેબ્ઝ બહુ દુ:ખી થયા છે. તેમના જવાથી જો કોઈને સૌથી વધુ દુ:ખ થયું હોય તો તે છે અભિનેત્રી માધુરી દીક્ષિત. કારણકે માધુરી સરોજ ખાનને ગુરુ માનતી હતી અને બન્ને સારા મિત્રો પણ હતા. તાજેતરમાં જ અભિનેત્રીએ કોરિયોગ્રાફરની યાદમાં એક વીડિયો શૅર કર્યો છે. વીડિયોને શીર્ષક આપ્યું છે, 'અ ટ્રિપ ડાઉન મૅમરી લૅન'. વીડિયોમાં માધુરી દીક્ષિત અને સરોજ ખાન 'એક દો તીન' ગીત ગાતા નજરે પડે છે. સાથે જ ડાન્સના હૅન્ડ મુવમેન્ટ પણ કરે છે. વીડિયોમાં સરોજ ખાને કહ્યું છે કે, 'એક દો તીન'ના સ્ટેપ તૈયાર કરવા માટે ફક્ત વીસ મિનિટ જ લાગી હતી. વીડિયો પોસ્ટ કરવાની સાથે જ માધુરી દીક્ષિતે લખ્યું છે કે, સરોજજી સાથે થતી દરેક વાતચીત હંમેશા જ્ઞાન, પ્રેરણા અને ઉર્જાથી ભરપૂર હોતી. આ જ રીતે તેઓ જીવન જીવ્યા છે અને આ જ રીતે હું હંમેશા તેમને યાદ કરીશ.
ADVERTISEMENT
તમને જણાવી દઈએ કે, 1992માં આવેલી ફિલ્મ 'બેટા'ના ગીત 'ધક ધક'થી માધુરી દીક્ષિત ફૅમસ થઈ હતી. આ ગીતની કોરિયોગ્રાફી સરોજ ખાને કરી હતી. તે સિવાય 'ખલનાયક' ફિલ્મનું 'ચોલી કે પીછે ક્યા હૈ' અને 'થાનેદાર' ફિલ્મનું 'તમ્મા તમ્મા લોગે' વગેરેએ ગીતોએ માધુરી દીક્ષિત અને સરોજ ખાનની જોડીને અમર બનાવી છે.

