મધુર ભંડારકર સેટ પર લોકોને ખૂબ ખુશ રાખે છે : આહના કુમરા
મધુર ભંડારકર સેટ પર લોકોને ખૂબ ખુશ રાખે છે : આહના કુમરા
આહના કુમરાએ જણાવ્યું હતું કે મધુર ભંડારકર સેટ પર દરેકને ખૂબ ખુશ રાખે છે અને તેમને ખૂબ મનોરંજન પણ આપે છે. આહનાએ મંગળવારે મધુર ભંડારકરની ફિલ્મ ‘ઇન્ડિયા લૉકડાઉન’નું શૂટિંગ પૂરું કર્યું છે. ફિલ્મમાં તેની સાથે પ્રતીક બબ્બર, સઈ તામ્હણકર, શ્વેતા બાસુ પ્રસાદ સહિત અન્ય કલાકારો પણ જોવા મળશે. ફિલ્મની સ્ટોરી સત્ય ઘટના પર આધારિત છે. દેશમાં કોરોના વાઇરસને કારણે લાગેલા લૉકડાઉનને આ ફિલ્મના માધ્યમથી દેખાડવામાં આવશે. લોકો જે રીતે ઘરમાં બેસવા પર વિવશ થઈ ગયા હતા એના પર પ્રકાશ પાડવામાં આવશે. મધુર ભંડારકર સાથે કામ કરવાનો અનુભવ કેવો રહ્યો એ વિશે આહના કુમરાએ કહ્યું હતું કે ‘મેં જ્યારે ફિલ્મ સાઇન કરી તો મને એમ લાગ્યું હતું કે મધુર ભંડારકર ખૂબ ધીરગંભીર વ્યક્તિ હશે, પરંતુ તેઓ એનાથી એકદમ વિપરીત હતા. સેટ પર તેઓ ખૂબ ફન કરતા અને લોકોને પણ મનોરંજન આપતા હતા. આખા સેટને તેઓ ખુશનુમા રાખતા હતા. એથી મને લાગે છે કે આ ખુશનુમા વાતાવરણને કારણે ફિલ્મ ઝડપથી અને સમયસર પૂરી થઈ ગઈ હતી. સેટ પર તેમની પૉઝિટિવ એનર્જી ઉલ્લાસથી ભરેલી હતી. તેમની સાથે કામ કરવા મળ્યું એથી હું ખુશ છું. ‘ઇન્ડિયા લૉકડાઉન’ને જોવા માટે હું ઉત્સાહિત છું.’

