સોશ્યલ મીડિયાના ટ્રેન્ડથી દૂર રહીને લોકોને એન્ટરટેઇન કરવા છે જૉનને
જૉન એબ્રાહમ
જૉન એબ્રાહમનું કહેવું છે કે મારે ટ્રેન્ડથી દૂર રહેવું છે, પરંતુ લોકોને એન્ટરટેઇન કરતા રહેવું છે. તેની ‘મુંબઈ સાગા’નું ટ્રેલર હાલમાં રિલીઝ થયું છે જેને લોકોએ ખૂબ પસંદ કર્યું છે. તે ઍક્શન ફિલ્મો માટે જાણીતો છે અને ‘શૂટઆઉટ ઍટ વડાલા’ દ્વારા તેની કરીઅર ખૂબ જોરશોરમાં ચાલી રહી છે. આ વિશે વાત કરતાં જૉન એબ્રાહમે કહ્યું હતું કે ‘હું એવી ફિલ્મ કરવામાં માનું છું જે તમામ લોકો સાથે અને દુનિયાભરના લોકો સાથે કનેક્ટ થઈ શકે. મને ખબર છે કે મારા માટે અને સંજય ગુપ્તા માટે માન્યા સુર્વેએ કરી દેખાડ્યું હતું. એ પાત્ર ખૂબ મોટા પ્રમાણમાં લોકો સાથે કનેક્ટ થયું હતું, ખાસ કરીને ભારતના અંરિયાળ વિસ્તારમાં. તેમને હજી પણ આ પાત્ર યાદ છે. જોકે મને સોશ્યલ મીડિયા પર ટ્રેન્ડથી બીક લાગે છે. તમે એક વાર ટ્રેન્ડ થવા લાગ્યા તો એનો મતલબ એ છે કે તમે લોકો માટે હાસ્યનું પાત્ર બની ગયા છો. હું ટ્રેન્ડ બિઝનેસથી દૂર રહેવામાં માનું છું. જોકે હું દરેક લોકો સુધી પહોંચવા માગું છું અને ‘મુંબઈ સાગા’ દ્વારા એ તક મને ફરી મળી છે. મારી કરીઅર સિંગલ સ્ક્રીનમાં બની હતી તો પછી હું એ લોકોને કેવી રીતે ભૂલી શકું.’

