સુશાંતની યાદમાં કૅલિફૉર્નિયા યુનિવર્સિટીએ SSR મેમોરિયલ ફન્ડની શરૂઆત કરી
સુશાંત સિંહ રાજપૂતની યાદમાં કૅલિફૉર્નિયા યુનિવર્સિટીમાં એસએસઆર મેમોરિયલ ફન્ડની શરૂઆત કરી છે. સુશાંતની ગઈ કાલે 35મી બર્થ-ઍનિવર્સરી નિમિત્તે સૌકોઈ તેમને યાદ કરી રહ્યા હતા. સુશાંતને ઍસ્ટ્રોફિઝિક્સમાં ખૂબ રસ હતો. એથી તેની બહેન શ્વેતા સિંહ કીર્તિએ લોકોને અપીલ કરી છે કે જેને પણ આ વિષયમાં રસ હોય તેઓ આ ફન્ડ માટે આ યુનિવર્સિટીમાં અપ્લાય કરીને કરીઅર બનાવી શકે છે. એ ફન્ડની એક નોટ ઇન્સ્ટાગ્રામ પર શૅર કરીને શ્વેતા સિંહ કીર્તિએ કૅપ્શન આપી હતી કે ‘મને એ જાહેર કરતાં ખુશી થઈ રહી છે કે ભાઈના 35મા બર્થ-ડે નિમિત્તે તેના સપનાને પૂરું કરવા માટે એક પગલું ભરવામાં આવ્યું છે. યુસી બર્કલીમાં 35,000 ડૉલર સાથે સુશાંત સિંહ રાજપૂત મેમોરિયલ ફન્ડની સ્થાપના કરવામાં આવી છે. જેમને પણ યુસી બર્કલીમાં ઍસ્ટ્રોફિઝિક્સમાં કરીઅર બનાવવી હોય તેઓ અહીં અપ્લાય કરી શકે છે. આને શક્ય બનાવવા માટે હું એ ઍન્જલ્સનો આભાર માનું છું. હૅપી બર્થ-ડે મારા નાના ભાઈ. આશા રાખું છું કે તું જ્યાં પણ હોય ત્યાં તું ખુશ રહે. લવ યુ.’

