અદનાન સમીને મોહન ભાગવત સાથેની તસવીર બદલ ટ્રોલ કરવામાં આવતાં તેણે વળતો જવાબ આપ્યો છે
અદનાન સમીએ ફેબ્રુઆરીમાં મુંબઈમાં રાષ્ટ્રીય સ્વયંસેવકના સરસંઘચાલક મોહન ભાગવત સાથે મુલાકાત કરી હતી
પાકિસ્તાની નાગરિકમાંથી ભારતીય નાગરિક બનેલા સિન્ગર અદનાન સમીએ ફેબ્રુઆરીમાં મુંબઈમાં રાષ્ટ્રીય સ્વયંસેવકના સરસંઘચાલક મોહન ભાગવત સાથે મુલાકાત કરી હતી. તેણે આ મુલાકાતની તસવીરો સોશ્યલ મીડિયા પર શૅર કરી હતી, જેના કારણે તેને સોશ્યલ મીડિયા પર ભારે ટ્રોલિંગનો સામનો કરવો પડ્યો હતો. હવે અદનાન સમીએ આ ટ્રોલિંગ વિશે સ્પષ્ટતા કરી છે અને કહ્યું છે કે લોકો શું વિચારે છે એની તેને જરાય પરવા નથી.
આ મામલે વાત કરતાં અદનાન સમીએ જણાવ્યું, ‘હું સ્વતંત્ર વિચારધારાવાળો માણસ છું અને સદ્નસીબે હવે મેં મારાં બધાં ફિલ્ટર્સ પણ દૂર કરી દીધાં છે. આ કારણે મને જેવું મન થાય એવું હું વર્તન કરું છું અને ભગવાન સિવાય હું કોઈને જવાબદાર નથી. જો કોઈ મારી સાથે સારો વર્તાવ કરે તો હું પણ તેની સાથે સારું વર્તન કરીશ. હું જ્યારે કોઈ વ્યક્તિને ઓળખતો ન હોઉં ત્યારે તેને કોઈ બીજાના અભિપ્રાયના આધારે જજ કરતો નથી. લોકોને લાગે છે કે તેઓ મને ઓળખે છે અને મારા વિશેની ઉપરછલ્લી તથા મોટા ભાગે ખોટી ધારણાના આધારે તરત જ નિષ્કર્ષ પર પહોંચી જાય છે. એક ફોટો અથવા મારા કોઈ ગીત પરથી જો તેઓ માને છે કે તેઓ મારા વ્યક્તિત્વ વિશે નિર્ણય લઈ શકે છે તો તેઓ કલ્પનાની દુનિયામાં જીવી રહ્યા છે. હું મારા વિચારોમાં ખૂબ સ્વતંત્ર છું અને મારી ઇચ્છા પ્રમાણે જ વર્તન કરીશ.’
