ફૅન્સ અને ફોટોગ્રાફર્સની વચ્ચે અટવાઈ ગઈ દીપિકા પાદુકોણ
દીપિકા પાદુકોણ
દીપિકા પાદુકોણ ફૅન્સ અને ફોટોગ્રાફર્સની ભીડ વચ્ચે અટવાઈ ગઈ હતી. ગુરુવારે દીપિકા ખારની એક રેસ્ટોરાંમાંથી બહાર નીકળી રહી હતી ત્યારે તેની એક ઝલક મેળવવા માટે લોકો તેની રાહ જોઈને જ ઊભા હતા. ફોટોગ્રાફર અને ફૅન્સની વચ્ચે તે ઘેરાઈ ગઈ હતી. અધૂરામાં પૂરું કેટલીક મહિલાઓ તેની પાસે ધસી આવી હતી અને તેને ટિશ્યુ પેપર ખરીદવા માટે પણ દબાણ કરી રહી હતી. આ તમામ ઘટનાનો વિડિયો સોશ્યલ મીડિયામાં વાઇરલ થઈ રહ્યો છે. દીપિકાએ ક્રૉપ ટૉપ, શ્રગ અને ડેનિમ પહેર્યાં હતાં. તેની પાસે એક રેડ સ્લિંગ બૅગ પણ હતી. તે જેવી રેસ્ટોરાંની બહાર નીકળી તો એક ફૅને તેની બૅગ પણ ખેંચવાનો પ્રયાસ કર્યો હતો. જોકે તેના સિક્યૉરિટી ગાર્ડે બૅગ પાછી અપાવી હતી. આ આખા વિડિયોમાં એક વાત ધ્યાનમાં આવી છે કે આટલા બધા લોકોની વચ્ચે ફસાવા છતાં પણ દીપિકાએ પોતાને એકદમ શાંત રાખી હતી. સિક્યૉરિટીની મદદથી તે કારમાં બેઠી હતી અને તેના ચહેરા પર સ્માઇલ પણ હતી.

