સિદ્ધાર્થ આનંદની ફાઇટરમાં જોવા મળશે હૃતિક અને દીપિકા
હૃતિક રોશન, સિદ્ધાર્થ આનંદ, દીપિકા પાદુકોણ
સિદ્ધાર્થ આનંદની ઍક્શનથી ભરપૂર ફિલ્મ ‘ફાઇટર’માં હૃતિક રોશન અને દીપિકા પાદુકોણ જોવા મળવાનાં છે. સિદ્ધાર્થ આનંદના પ્રોડક્શન હાઉસ માર્ફ્લિક્સના બૅનર હેઠળ આ ફિલ્મ બનવાની છે. ગઈ કાલે હૃતિકના બર્થ-ડે નિમિત્તે ફિલ્મની ઘોષણા થવી એ એક પ્રકારે તેની બર્થ-ડે ગિફ્ટ કહી શકાય છે. સિદ્ધાર્થ આનંદની ‘વૉર’માં ટાઇગર શ્રોફ સાથે હૃતિક રોશન જોવા મળ્યો હતો. હવે ફરીથી સિદ્ધાર્થની સાથે હૃતિક કામ કરી રહ્યો છે. આ ફિલ્મમાં હૃતિક ઍરફોર્સ ઑફિસરના રોલમાં દેખાશે. જોકે દીપિકાના પાત્રની માહિતી નથી મળી. આ ફિલ્મને 2022ની 30 સપ્ટેમ્બરે રિલીઝ કરવામાં આવશે. ફિલ્મનું મોશન પોસ્ટર હૃતિકે ટ્વિટર પર શૅર કર્યું છે. એમાં હૃતિક કહી રહ્યો છે કે ‘દુનિયા મેં મિલ જાએંગે આશિક કંઈ, પર વતન સે હસીન સનમ નહીં હોતા. હીરો મેં સિમટ કર, સોને સે લિપટ કર મરતેં હૈ કંઈ, પર તિરંગે સે ખૂબસૂરત કફન નહીં હોતા.’
એને ટ્વિટર પર શૅર કરીને હૃતિકે ટ્વીટ કર્યું હતું કે ‘માર્ફ્લિક્સના વિઝનની એક ‘ફાઇટર’ તરીકે ઝલક દેખાડું છું. દીપિકા પાદુકોણ સાથેની મારી પહેલી અદ્ભુત ફ્લાઇટ માટે આતુર છું. સિદ્ધાર્થ આનંદની આ જૉય રાઇડ માટે અમે સૌ તૈયાર થઈ ગયાં છીએ.’
ADVERTISEMENT
સિદ્ધાર્થ આનંદની પ્રશંસા કરતાં ઇન્સ્ટાગ્રામ પર એક નોટ શૅર કરીને હૃતિકે લખ્યું હતું કે ‘મારા માટે આ સન્માનની વાત છે કે એક ઍક્ટર તરીકે હું મમતા અને સિદ્ધાર્થ આનંદના પહેલા પ્રોડક્શન હાઉસ માર્ફ્લિક્સની ‘ફાઇટર’નો ભાગ બન્યો છું. આ ડિરેક્ટર અને ફ્રેન્ડ સાથે મારું આ અસોસિએશન મારા માટે સ્પેશ્યલ છે કેમ કે સેટ પર મેં એક અસિસ્ટન્ટ ડિરેક્ટર તરીકે તેને જોયો છે. સાથે જ ‘બૅન્ગ બૅન્ગ’ અને ‘વૉર’માં તેણે મને ડિરેક્ટ કર્યો હતો. હવે તે ‘ફાઇટર’ માટે પ્રોડ્યુસર બન્યો છે. હું મારા એક્સાઇટમેન્ટને દબાવીને નથી રાખી શકતો. આ મારા હાર્ટ અને માઇન્ડ માટે ઍડ્રિનલાઇન સમાન છે. એથી તૈયાર થઈ જાઓ. મારા પર ભરોસો કરવા માટે અને મને તારો કો-પૅસેન્જર બનાવવા માટે થૅન્ક યુ. તારી જર્ની ખૂબ ઊંચાઈએ પહોંચી જશે.’
આ મોશન પોસ્ટરને ટ્વિટર પર શૅર કરીને દીપિકાએ ટ્વીટ કર્યું હતું કે સપનાંઓ ખરેખર સાચાં પડે છે.
પોતાની ફિલ્મ વિશે સિદ્ધાર્થ આનંદે કહ્યું હતું કે ‘આ મારા માટે ખૂબ જ એક્સાઇટિંગ ક્ષણ છે કે હું મારા બે ફેવરિટ સ્ટાર્સને એક ફિલ્મમાં સાથે લાવી રહ્યો છું. હૃતિક અને દીપિકા પહેલી વખત ભારતીય અને વૈશ્વિક દર્શકો માટે સાથે આવ્યાં છે. હું પ્રોડક્શન હાઉસ માર્ફ્લિકસની જર્નીના માધ્યમથી ભારતમાં ઍક્શન ફિલ્મ બનાવવા માટે ઉત્સાહિત છું. મેં માર્ફ્લિક્સની જર્ની મારી લાઇફ પાર્ટનર મમતા આનંદ સાથે શરૂ કરી છે. હૃતિક સાથે માર્ફ્લિક્સ માટે કામ કરવું મારા માટે સ્પેશ્યલ છે કેમ કે તેણે મને એક અસિસ્ટન્ટ ડિરેક્ટર તરીકે કામ કરતા જોયો છે. બાદમાં મેં તેને બે ફિલ્મોમાં ડિરેક્ટ કર્યો હતો. હવે આ ફિલ્મમાં હું તેનો ન માત્ર ડિરેક્ટર છું પરંતુ તેની સાથે જ મારા પ્રોડક્શન હાઉસની શરૂઆત પણ કરી રહ્યો છું. માર્ફ્લિક્સ દ્વારા અમે ભારતમાં ઍક્શન પ્રોડક્શન હાઉસની સ્થાપના કરવા માગીએ છીએ. ભારતમાં તમે જ્યારે પણ ઍક્શન ફિલ્મો વિશે વિચારો તો તમારા દિમાગમાં માર્ફ્લિક્સનું નામ આવે. એના માટે અમે તનતોડ મહેનત કરવાનાં છીએ. હજી શરૂઆત જ કરી છે, પરંતુ જર્નીનો આરંભ થઈ ચૂક્યો છે.’

