વરૂણ ધવન અને સારા અલી ખાનની ફિલ્મ 'કૂલી નંબર 1'નું ટ્રેલર રિલીઝ
ફિલ્મના ટ્રેલરનો એક સીન
વરુણ ધવન (Varun Dhawan) અને સારા અલી ખાન (Sara Ali Khan) સ્ટારર મોસ્ટ અવેટેડ ફિલ્મ 'કૂલી નંબર 1' (Coolie No. 1,) નું ટ્રેલર રિલીઝ થઈ ગયું છે. આ ફિલ્મ ક્રિસમિસ એટલે કે 25 ડિસેમ્બરના રોજ એમેઝોન પ્રાઈમ પર સ્ટ્રીમ થશે. ટ્રેલર પરથી જ લાગે છે કે, ફિલ્મ એકદમ ધમાકેદાર અને મસ્તી ભરી છે.
ફિલ્મ 'કૂલી નંબર 1'માં એક માણસ તેની પુત્રી માટે શ્રીમંત વરરાજાની શોધ કરે છે અને ત્યાં બીજો એક વ્યક્તિ છે જે બધુ સેટલ કરવા માંગે છે. વાર્તામાં બલદો અને વિમોચન બન્ને છે. પણ મસ્તી-મજાક પણ ભરપૂર છે.
ADVERTISEMENT
અહીં જુઓ ફિલ્મનું ટ્રેલર:
'કૂલી નંબર 1'નું દિગ્દર્શન ડેવિડ ધવને કર્યું છે. ફિલ્મમાં વરુણ-સારા ઉપરાંત પરેશ રાવલ, જાવેદ જાફરી, જ્હોની લીવર, રાજપાલ યાદવ છે. ફિલ્મને વાસુ ભગનાની તથા જેકી ભગનાનીએ પ્રોડ્યૂસ કરી છે. આ ફિલ્મ ફેમિલી કોમેડી છે.
ટ્રેલર રિલીઝ થાય તે પહેલાં વરુણ ધવને ફિલ્મના લોકપ્રિય ગીત 'મૈં તો રસ્તે સે જા રહા થા' પર પર્ફોમ કર્યું હતું. સારા તથા પરેશ રાવલ ચંદીગઢથી લાઈવ જોડાયા હતા. ટ્રેલર રિલીઝનો કાર્યક્રમ યુટ્યુબ પર લાઈવ સ્ટ્રીમ કરવામાં આવ્યો હતો.
આ પ્રસંગે વરુણ ધવને કહ્યું હતું કે, 'કૂલી નંબર 1' ઓરિજિનલ ફિલ્મની વાર્તા મને હંમેશા બહુ ગમતી. એટલે ફિલ્મની રિમેક મારા માટે બહુ ખાસ છે. આ પાત્ર માટેની તૈયારી મારા માટે ખાસ હતી. એક અભિનેતા તરીકે, પાત્ર ભજવવાનો બહુ આનંદ આવ્યો. ટેલેન્ટેડ અભિનેત્રી સારા સાથે કામ કરવાનો અનુભવ પણ બહુ સારો હતો. અનેક સ્થળોએ ફિલ્મના શૂટિંગ સમયે અમે બહુ સારો સમય સાથે પસાર કર્યો છે.
સારા અલી ખાને કહ્યું હતું કે, કૂલી નંબર 1માં કામ કરવું ખરેખર એક સ્વપ્ન સાકાર થવા જેવું છે. હુસ્ન હૈ સુહાના અને મિર્ચી લગી જેવા ગીતો સાંભળીને હું મોટી થઈ છું અને હવે આ ગીતોના નવા વર્ઝનમાં હું કામ કરી રહી છું. વરુણ સાથે કામ કરવું એ મારા માટે એક સારો અનુભવ હતો. તે ફક્ત સારો અભિનેતા જ નથી પણ અત્યંત વિચારશીલ, મદદગાર અને પ્રેરણાદાયી મિત્ર પણ છે જે હંમેશા સેટ પર તમારી મદદ માટે તૈયાર હોય છે. ડેવિડ સર સાથે કામ કરવું એ એક સંપૂર્ણ લહાવો હતો કારણ કે હું માનું છું કે તે પ્રોફેશનલ, મસાલા અને ફૅમેલીનું સંપુર્ણ પૅકેજ છે.
આ ફિલ્મ વર્ષ 1995માં આવેલી કૂલી નંબર 1 ની રીમેક છે અને આ ફિલ્મનું નિર્દેશન પણ ડેવિડ ધવન દ્વારા કરવામાં આવ્યું હતું. આ ફિલ્મમાં કરિશ્મા કપૂર ગોવિંદાની સાથે મુખ્ય ભૂમિકામાં જોવા મળી હતી. ઉલ્લેખનીય છે કે, આ ફિલ્મ પહેલા પહેલી મે, 2020ના રોજ રિલીઝ થવાની હતી. જોકે, લૉકડાઉનને કારણે થિયેટર બંધ હોવાથી આ ફિલ્મ અંતે ડિજિટલ પ્લેટફોર્મ પર રિલીઝ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો.

