અક્ષયકુમારની ફિલ્મે ૧૨.૬૦ કરોડ અને ભૂમિની ફિલ્મે ફક્ત ૪.૪૨ કરોડનો બિઝનેસ કર્યો
શાહરુખ ખાન
શાહરુખ ખાનની ‘જવાન’ બાદ બૉક્સ-ઑફિસ પર દુકાળ પડ્યો હોય એવું લાગી રહ્યું છે. તેની ફિલ્મે બૉક્સ-ઑફિસના તમામ રેકૉર્ડ તોડ્યા હતા, પરંતુ હવે બૉક્સ-ઓફિસ પર વીક-એન્ડમાં માંડ ૨૦ કરોડનો બિઝનેસ થયો છે. અક્ષયકુમારની ‘મિશન રાનીગંજ : ધ ગ્રેટ ભારત રેસ્ક્યુ’ અને ભૂમિ પેડણેકરની ‘થૅન્ક યુ ફૉર કમિંગ’ શુક્રવારે રિલીઝ થઈ છે. લોકોને ‘મિશન રાનીગંજ’ ખૂબ પસંદ પડી રહી છે. ‘મિશન રાનીગંજ’ ૧૯૮૯માં પશ્ચિમ બંગાળના રાનીગંજમાં ઘટેલી વાસ્તવિક ઘટના પર આધારિત છે. સેંકડો મજદૂરો ખાણમાં એ વખતે ફસાઈ ગયા હતા અને એ સૌને પોતાના જીવની પરવા કર્યા વગર એન્જિનિયર જસવંત સિંહ ગિલે બચાવ્યા હતા. આ ફિલ્મમાં તેમના પાત્રને અક્ષયકુમારે ભજવ્યું છે. ફિલ્મને ટીનુ સુરેશ દેસાઈએ ડિરેક્ટ કરી છે. આ ફિલ્મના ત્રણ દિવસના કલેક્શન પર નજર નાખીએ તો શુક્રવારે ૨.૮૦ કરોડ, શનિવારે ૪.૮૦ કરોડ અને રવિવારે પાંચ કરોડની સાથે ટોટલ ૧૨.૬૦ કરોડનો બિઝનેસ કર્યો હતો. ‘થૅન્ક યુ ફૉર કમિંગ’ની સ્ટોરી પાંચ મહિલાઓની આસપાસ ફરે છે. તેમના રિલેશનની સ્ટોરી પણ એમાં દેખાડવામાં આવી છે. ફિલ્મના બિઝનેસની વાત કરીએ તો શુક્રવારે ૧.૦૬ કરોડ, શનિવારે ૧.૫૬ કરોડ અને રવિવારે ૧.૮૦ કરોડની સાથે ૪.૪૨ કરોડનો વકરો કર્યો હતો.