નાની ઉંમરમાં લગ્ન કરવાનો છે તેને પસ્તાવો
મેહર જેસિયા (ઉપર), ગૅબ્રિએલા દિમિટ્રિએડ્સ (નીચે) અને અર્જુન રામપાલ
અર્જુન રામપાલે ૨૧ વર્ષના લગ્નજીવન બાદ મેહર જેસિયા સાથે ૨૦૧૯માં ડિવૉર્સ લીધા હતા. હવે અર્જુનને એ વાતનો પસ્તાવો થાય છે કે તેણે ખૂબ નાની ઉંમરમાં લગ્ન કરી લીધાં હતાં. તેનાં લગ્ન થયાં ત્યારે તે ૨૪ વર્ષનો હતો. એ લગ્નજીવન દરમ્યાન તેને બે દીકરીઓ માયરા અને માહિકા છે. ડિવૉર્સ બાદ અર્જુન તેની મૉડલ ગર્લફ્રેન્ડ ગૅબ્રિએલા દિમિટ્રિએડ્સ સાથે લિવ-ઇનમાં રહે છે. તેમને બે દીકરાઓ એરિક અને એરિવ છે. નાની ઉંમરમાં લગ્ન કરવાનો વસવસો વ્યક્ત કરતાં અર્જુન રામપાલ કહે છે, ‘મારાં લગ્ન સફળ ન થયાં એની જવાબદારી હું લઉં છું. આજે તો અમે બધાં એકમેકની સાથે હળીમળીને રહીએ છીએ. મારાં લગ્ન થયાં ત્યારે હું ૨૪ વર્ષનો હતો અને મને લાગે છે કે એ ખૂબ નાની ઉંમર હતી. એ વખતે ઘણુંબધું શીખવાનું હોય છે અને અનુભવ મેળવવાના હોય છે. તમારે મૅચ્યોર થવાની જરૂર હોય છે. મહિલાઓ કરતાં પુરુષોને મૅચ્યોર થવામાં સમય લાગે છે. એ વાસ્તવિકતા છે કે અમે પુરુષો ઇડિયટ્સ છીએ. જો તમારે લગ્નમાં સફળ થવું હોય તો યોગ્ય સમયની રાહ જોવી જોઈએ.’
ગૅબ્રિએલા સાથે લગ્ન ન કરવા વિશે અર્જુન રામપાલ કહે છે, ‘લગ્ન તો એક કાગળનો ટુકડા સમાન છે. અમે તો પોતાને મૅરિડ સમજીએ છીએ અને અમારા દિમાગમાં એને લઈને કોઈ શંકા નથી. જોકે એ કાગળનો ટુકડો તમને બદલી શકે છે. તમે કાયદેસર બંધાઈ જાઓ છો. અમારા દિમાગમાં તો અમે બન્નેએ દિલથી લગ્ન કરી લીધાં છે. અમારા બે દીકરા છે. હું નસીબદાર છું કે મારી દીકરીઓ અને ગૅબ્રિએલા અને મેહર તથા ગૅબ્રિએલા પણ એકબીજા સાથે સારી રીતે હળીમળી ગયાં છે.’

