અમીષાએ સોશ્યલ મીડિયા પર અનિલ શર્માની સ્પષ્ટતાને ખોટી ઠેરવતા વિડિયો શૅર કરીને તેમના જૂઠાણાની પુરાવા સાથે પોલ ખોલી નાખી છે.
અમીષા પટેલ, અનિલ શર્મા
અમીષા પટેલ અને તેની ફિલ્મ ‘ગદર 2’ના ડિરેક્ટર વચ્ચેનો વિવાદ દિવસે-દિવસે વધારે વેગ પકડતો જાય છે. હાલમાં અનિલ શર્માએ એક ઇન્ટરવ્યુમાં ફિલ્મનો એન્ડ અમીષાને જાણ કર્યા વગર બદલી નાખવાના આરોપને ખોટો ગણાવ્યો હતો, પણ હવે અમીષાએ સોશ્યલ મીડિયા પર અનિલ શર્માની સ્પષ્ટતાને ખોટી ઠેરવતા વિડિયો શૅર કરીને તેમના જૂઠાણાની પુરાવા સાથે પોલ ખોલી નાખી છે.
હકીકતમાં થોડા સમય પહેલાં અમીષા પટેલે એક ઇન્ટરવ્યુમાં દાવો કર્યો હતો કે ‘ફિલ્મના ક્લાઇમૅક્સમાં હું વિલનને મારી નાખું છું એવું દૃશ્ય હતું, પણ છેલ્લી ઘડીએ એ બદલી નાખવામાં આવ્યું અને મને આ વાતની જાણ પણ કરવામાં નહોતી આવી. મને આ વાતનું બહુ ખરાબ લાગ્યું હતું.’
ADVERTISEMENT
અમીષાના આ આરોપથી ચિડાઈને અનિલ શર્માએ નિવેદન આપ્યું હતું કે ‘અમીષાએ શૂટિંગ પહેલાં જ દલીલ કરી હતી કે મને પણ પાકિસ્તાન લઈ જવી જોઈએ. જોકે ત્યારે જ તેને જણાવવામાં આવ્યું હતું કે સ્ક્રિપ્ટમાં એ શક્ય નથી. તેણે સ્ક્રિપ્ટ સાંભળ્યા પછી જ ફિલ્મ કરી હતી.’
હવે અમીષાએ પલટવાર કરતાં સોશ્યલ મીડિયામાં ત્રણ વિડિયો શૅર કર્યા છે જેમાં અનિલ શર્મા અમીષાને ફિલ્મની સ્ટોરી સંભળાવી રહ્યા છે અને અમીષાને કહે છે કે ફિલ્મના એન્ડમાં તું જ વિલનને મારી નાખશે. અમીષાએ આ વિડિયોમાં અનિલ શર્માને ટૅગ કર્યા છે અને સ્પષ્ટતા માગી છે.

