આયુષ્માન માટે શાહરુખ અને રાયન રેનૉલ્ડ્સના ઍક્શન-ડિરેક્ટરને પસંદ કરાયો
આયુષ્માન ખુરાના અને સ્ટીફન રિચર
આયુષ્માન ખુરાના માટે હવે શાહરુખ ખાન અને હૉલીવુડના ઍક્ટર રાયન રેનૉલ્ડ્સના ઍક્શન ડિરેક્ટરને પસંદ કરવામાં આવ્યો છે. અનુભવ સિંહા સાથેની ‘અનેક’ની ઍક્શનને હવે સ્ટીફન રિચર દ્વારા ડિરેક્ટ કરવામાં આવશે. શાહરુખ ખાનની ‘ડૉન 2’ માટે અને રાયનની હાઈ ઑક્ટેન ‘ધ હિટમૅન્સ બૉડીગાર્ડ’ની ઍક્શન માટે સ્ટીફનને પસંદ કરવામાં આવ્યો હતો. અજય દેવગનની ‘શિવાય’ની પણ ઍક્શન સ્ટીફન દ્વારા ડિઝાઇન કરવામાં આવી હતી. આયુષ્માનની સાથે સલમાન ખાનની ‘કિક 2’માં પણ સ્ટીફન ઍક્શન-ડિરેક્ટર તરીકે કામ કરી રહ્યો છે. સ્ટીફન સાથેના ફોટો સોશ્યલ મીડિયા પર શૅર કરીને આયુષ્માને આ વાતની જાહેરાત કરી હતી. આ વિશે પૂછતાં આયુષ્માને કહ્યું હતું કે ‘સ્કેલની દૃષ્ટિએ ‘અનેક’ મારી કરીઅરની સૌથી મોટી ફિલ્મ છે અને અનુભવ સિંહા એ ફિલ્મ પાછળ કોઈ કચાશ છોડવા નથી માગતા. તેમના વિઝન દ્વારા તેઓ દર્શકોને સ્ક્રીન પર એક અદ્ભુત એક્સ્પીરિયન્સ આપવા માગે છે. એ સાચી વાત છે કે સ્ટીફન રિચરને અમારી ફિલ્મ માટે પસંદ કરવામાં આવ્યા છે. તેઓ દુનિયાભરમાં ઍક્શન ફિલ્મોના આર્કિટેક્ટ તરીકે જાણીતા છે. તેમના અનુભવને કારણે ‘અનેક’નાં ઍક્શન દૃશ્યો ગ્લોબલ સ્ટૅન્ડર્ડ સાથે મળતાં આવશે. અનુભવ સર અને સ્ટીફન મારી પાસે ખૂબ જ અલગ કામ કરાવી રહ્યા છે જે મેં આજ સુધી ક્યારેય નથી કર્યું. એક આર્ટિસ્ટ તરીકે હું હંમેશાં અલગ પ્રકારનાં કામ કરીને પોતાને એક્સપ્લોર કરવા માગું છુ. મારી આ મુસાફરીમાં ‘અનેક’ એક સ્ટેપ આગળ છે, જેને હું ખૂબ જ એન્જૉય કરી રહ્યો છું.’

