'હેલો ચાર્લી'નું શૂટિંગ શરૂ કરનાર આદર જૈને કહ્યું કે...
આદર જૈન
ફરહાન અખ્તર અને રિતેશ સિધવાણી દ્વારા પ્રોડ્યુસ કરવામાં આવી રહેલી ‘હેલો ચાર્લી’નું શૂટિંગ આદર જૈને શરૂ કરી દીધું છે. કોરોના વાઇરસને કારણે લૉકડાઉન લગાવવામાં આવ્યું હતું, જેનાથી તમામ ફિલ્મોનું શૂટિંગ અટકી ગયું હતું. જોકે સાવચેતી રાખીને એને શૂટ કરવાની પરવાનગી સરકાર દ્વારા આપવામાં આવી છે. આથી ‘હેલો ચાર્લી’નું શૂટિંગ શરૂ કરવામાં આવ્યું છે. આ વિશે આદર જૈને કહ્યું હતું કે ‘અત્યારની સ્થિતિને ધ્યાનમાં રાખીને શૂટિંગ કરવા માટે જવાનો મને થોડો ડર લાગી રહ્યો હતો. જોકે ફરહાન સર અને રિતેશ સરની સાથે તમામ પ્રોડક્શન-હાઉસ દ્વારા સેફટીની જે દેખરેખ રાખવામાં આવી છે એની તારીફ કરું છું. સેફ્ટી માટે સરકારે જે ગાઇડલાઇન્સ આપી છે એના કરતાં પણ વધુ એક્સ્ટ્રીમ લેવલ પર જઈને સેટ પર લોકોની સેફ્ટી રાખવામાં આવે છે જેથી લોકો કમ્ફર્ટેબલ રહે. મને જે પસંદ છે એ કામ ફરી કરવાનું ખૂબ જ ગમી રહ્યું છે.’
આદર માટે આ બીજી ફિલ્મ ખૂબ જ યાદગાર બની રહેશે. આ વિશે વાત કરતાં આદરે કહ્યું હતું કે ‘પ્રી-કોવિડ અને કોવિડ દરમ્યાન શૂટિંગ કરવું ખૂબ જ યાદગાર બની રહેશે. આપણા જીવનમાં આવો સમય આવશે એવું કોઈએ સપનામાં પણ નહોતું ધાર્યું. હું જેટલા લોકોને જાણું છું તેમણે આ પહેલાં આવું ક્યારેય નહોતું જોયું. જોકે મારું માનવું છે કે આપણી પાસે જે હોય એમાંથી બેસ્ટ શોધી કાઢવું.’
ADVERTISEMENT
ફિલ્મનું શૂટિંગ ખૂબ જ મોટી પ્રોસેસ છે અને એથી જ દરેકની સેફ્ટી પણ એટલી જ જરૂરી છે. આ વિશે આદરે કહ્યું હતું કે ‘સેફ્ટીની જ્યાં સુધી વાત છે ત્યાં સુધી હું ખૂબ જ જરૂરી હોય તો જ ઘરની બહાર નીકળ્યો છું. લૉકડાઉન શરૂ થયું ત્યારથી અત્યાર સુધીમાં મેં મારા રૂટીનને ખૂબ જ બદલી કાઢ્યું છે. મારી સ્કિલને સુધારવા માટે પણ હું ડિજિટલનો ઉપયોગ કરું છું. મને લાગે છે કે મેં મારા સમયનો ઉપયોગ ખૂબ જ સારી રીતે કર્યો છે. આપણે આ પરિસ્થિતિનો સ્વીકાર કરીને એને નૉર્મલ ગણવી જોઈએ. સોશ્યલ ડિસ્ટન્સ રાખવું, માસ્ક પહેરવો વગેરે જેવા જરૂરી પ્રોટોકૉલનો ઉપયોગ કરીને આપણે કામ શરૂ કરવું જોઈએ. એક ઍક્ટર તરીકે મારે શૂટિંગ દરમ્યાન માસ્ક કાઢવો પડે છે, પરંતુ એને હું મારા પૉકેટમાં જ રાખું છું. શૂટિંગ જેવું પૂરું થયું કે હું એ ફરી પહેરી લઉં છું. જોકે સેટ પર દરેક વ્યક્તિ પીપીઈ કિટમાં હોય છે અને સોશ્યલ ડિસ્ટન્સ પણ જાળવીને રાખે છે.’
ફિલ્મ વિશે વાત કરતાં આદરે કહ્યું હતું કે ‘આ ખૂબ જ સ્પેશ્યલ અને લવેબલ ફિલ્મ છે. લોકોને આ ફિલ્મ દેખાડવા માટે હું ખૂબ જ આતુર છું. અમને શૂટિંગ દરમ્યાન જેટલી મજા આવી હતી એટલી જ મજા લોકોને જોતી વખતે પણ આવશે એવી હું આશા રાખું છું.’

