Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > કૉલમ > મુંબઈના અસલ વતનીઓમાંનાં એક : માતા વેલંકનીના ઉપાસક બૉમ્બે ઈસ્ટ ઇન્ડિયન

મુંબઈના અસલ વતનીઓમાંનાં એક : માતા વેલંકનીના ઉપાસક બૉમ્બે ઈસ્ટ ઇન્ડિયન

Published : 21 March, 2026 06:20 PM | IST | Mumbai
Deepak Mehta | deepakbmehta@gmail.com

પણ આ માતા વેલંકનીની પૂજા-ભક્તિ કરે છે કોણ? મુંબઈના જૂનામાં જૂના રહેવાસીઓમાંના એક ઈસ્ટ ઇન્ડિયન ખ્રિસ્તીઓ. અંગ્રેજોના હાથમાં મુંબઈ આવ્યું એ પહેલાં કેટલાક પોર્ટુગીઝ પાદરીઓએ સ્થાનિક લોકોનું ધર્માંતરણ કરાવ્યું હતું.

તામિલનાડુમાં આવેલું વેલંકની ચર્ચ

તામિલનાડુમાં આવેલું વેલંકની ચર્ચ


वेलंकनी मातेचा ध्वज हा, फडफडतोय आकाशी,
आलाय सण सुगीचा, 
आनंद दाटे या मनाशी...
तुझ्या दर्शना यावे, 
सारे जण धावत,
सुखाची किरणे, 
तुझ्या चरणी यावे...
वेलंकनी मातेचा...
ભાઈંદર પાસે આવેલું છે ઉત્તન, ભાટે બંદર. ત્યાં એક નાનકડી ટેકરી પર આવેલું છે શું કહીશું? એક ચર્ચ કે એક મંદિર? ચર્ચ વધારે સાચી ઓળખાણ. એ ચર્ચ છે વેલંકની માતાનું, એટલે કે મધર મૅરીનું. ભલે. ઉત્તન સુધી કદાચ તમે ન ગયા હો પણ ઈર્લાની બજારમાં ખરીદી અને ખાણીપીણી કરવા તો ગયા જ હશો. ત્યાં મુખ્ય બજારમાં એક ગલીનું નામ છે ‘વેલંકની ચર્ચ લેન.’ ના જી. તમારે એ નામનું પાટિયું શોધવાની મહેનત કરવી નહીં પડે. મીણનાં બનાવેલાં માનવશરીરનાં જુદાં-જુદાં અંગોનાં ‘પૂતળાં’ વેચતા ફેરિયાઓ ફુટપાથની ધારે દેખાય એટલે સમજી લેવાનું કે હવે આ વેલંકની માતાનું ચર્ચ હાથવેંતમાં છે. પણ આવાં મીણનાં બનાવેલાં શરીરનાં અંગો જેવાં કે માથું, હાથ, પગ, છાતી, પેટ, વગેરે અને આખું બાવલું પણ અહીં વેચાય છે શા માટે? ઘરમાં કોઈ સાજું-માંદું હોય ત્યારે ઘણા ભક્તો નવસ એટલે કે બાધા રાખે છે: શરીરના જે અંગનો રોગ હોય એ અંગનું અથવા આખેઆખા શરીરનું પૂતળું, આ માતાને ચરણે ધરવાનું. અને એટલે ફેરિયાઓ વેચે છે અહીં આવાં પૂતળાં. બાંદરાના માઉન્ટ મૅરી ચર્ચમાં પણ આ રીતે મીણનાં પૂતળાં માતાને ધરાય છે.
પણ આ માતા વેલંકનીની પૂજા-ભક્તિ કરે છે કોણ? મુંબઈના જૂનામાં જૂના રહેવાસીઓમાંના એક ઈસ્ટ ઇન્ડિયન ખ્રિસ્તીઓ. અંગ્રેજોના હાથમાં મુંબઈ આવ્યું એ પહેલાં કેટલાક પોર્ટુગીઝ પાદરીઓએ સ્થાનિક લોકોનું ધર્માંતરણ કરાવ્યું હતું. આ રીતે ખ્રિસ્તી બનેલા લોકો ઈસ્ટ ઇન્ડિયન તરીકે ઓળખાય છે. ગોવાના અને બીજા ખ્રિસ્તીઓથી જુદા ઓળખાવા માટે. આ ઈસ્ટ ઇન્ડિયન લોકો, ગમે તે કારણે, પણ જરા એકલસૂરા. આજે પણ તેમની મુખ્ય વસ્તી અલાયદા ગાવઠણમાં જોવા મળે. એક અંદાજ પ્રમાણે આજે મુંબઈના ૮૦ જેટલા ગાવઠણમાં સાડાત્રણ લાખ જેટલા ઈસ્ટ ઇન્ડિયન રહે છે. ગિરગામ વિસ્તારમાં આવેલી પ્રખ્યાત ખોતાચી વાડી, માઝગાવમાં આવેલ માતરપખાડી, મલાડનું ઑર્લેમ ગાવઠણ અને ઉત્તન, એ આવાં કેટલાંક ગાવઠણ. બીજાં ગામડાંથી એને અલગ પાડવા અંગ્રેજીમાં urban village કહે છે. 
અંગ્રેજોના શાસન દરમિયાન જ્યારે વસ્તીગણતરી થતી ત્યારે આ લોકોને ઇન્ડો-પોર્ટુગીઝ તરીકે ઓળખવામાં આવતા, કારણ કે મુંબઈ પરના પોર્ટુગીઝ શાસન દરમિયાન તેઓ ખ્રિસ્તી બનેલા. આ જમાતના લોકોએ ૧૮૮૭માં બૉમ્બે ઈસ્ટ ઇન્ડિયન અસોસિએશનની સ્થાપના કરી અને પોતાની જમાત માટે ‘બૉમ્બે ઈસ્ટ ઇન્ડિયન’ નામ અપનાવ્યું. પોતાના નામમાં ‘બૉમ્બે’ શબ્દ ઉમેરીને તેમણે સૂચવ્યું કે તેઓ મુંબઈના અસલ વતની હતા, ગોવા કે મૅન્ગલોર જેવા બહારના ભાગોમાંથી મુંબઈ આવેલા નહોતા. 
વખત જતાં બૉમ્બે ઈસ્ટ ઇન્ડિયન ખ્રિસ્તીઓના પાંચ મુખ્ય ફાંટા પડ્યા : સામવેદી ખ્રિસ્તી, કોળી ખ્રિસ્તી, વડવાળ, સાલસેટ ખ્રિસ્તી અને શહેરી ખ્રિસ્તી. એક જમાનામાં સામવેદી ખ્રિસ્તીઓ સારું ભણતા અને પરિણામે સરકારી કે ખાનગી નોકરીઓમાં જોડાતા, પણ આજે તેમનો મુખ્ય વ્યવસાય ખેતીનો. નામ પ્રમાણે કોળી ખ્રિસ્તીઓ માછલી પકડવાનો અને વેચવાનો ધંધો કરે. બે પાંદડે સુખી. બાંદરામાં આવેલા સેન્ટ ઍન્ડ્રુઝ ચર્ચની અસલ ઇમારત કોળી ખ્રિસ્તીઓએ બંધાવેલી. વડવાળ જાતિના લોકો અસલ જુદાં-જુદાં દેશી રાજ્યોના સૈન્યમાં સૈનિક તરીકે કામ કરતા પણ અંગ્રેજોનું આધિપત્ય સ્થપાયા પછી તેઓ સુતારકામ અને ખેતી જેવા વ્યવસાય તરફ વળ્યા એટલે તેમના બે ફાંટા પડ્યા : વડવાળ અને સુતાર. 
શહેરી (મુંબઈમાં વસતા) જમાતના લોકો બધી રીતે સૌથી આગળ વધ્યા. અંગ્રેજી પદ્ધતિનું શિક્ષણ, પહેરવેશ, રીતરિવાજ, ખાનપાન, માન્યતાઓ વગેરે તેમણે ઝડપથી અપનાવી લીધાં. અંગ્રેજી તેમની માતૃભાષા બની ગઈ. પોર્ટુગીઝ શાસન દરમિયાન અને બ્રિટિશ શાસનનાં શરૂઆતનાં વર્ષોમાં પોર્ટુગીઝો અને અંગ્રેજો આ ‘દેશી’ ખ્રિસ્તીઓ સાથે લગ્ન પણ કરતા. સાલસેટ ખ્રિસ્તી ગોનઝાલો ગાર્સિઆને પહેલાં હિન્દી ‘સંત’ (saint) જાહેર કરવામાં આવ્યા. તેઓ મૂળ સાલસેટના વતની. પહેલાં રાજકારણી નેતા કાકા જોસેફ બાપ્ટિસ્ટા પણ સાલસેટના વતની. તેમણે લોકમાન્ય ટિળક સાથે ખભેખભા મિલાવીને કામ કર્યું. તેઓ ઇન્ડિયન હોમ રૂલ લીગના પહેલા પ્રમુખ બન્યા હતા. 
પોતાનું અલગ અસોસિએશન બનાવ્યા પછી આ ખ્રિસ્તીઓએ પોતાની અલગ જૉઇન્ટ સ્ટૉક કંપની શરૂ કરી. પોતાના સમુદાયનાં હિતોની રક્ષા કરવા માટે જુદી-જુદી પ્રવૃત્તિઓ હાથ ધરવા ઉપરાંત આ કંપનીએ પોતાનું સામયિક શરૂ કર્યું. એમાં પ્રગટ થતી સામગ્રી મુખ્યત્વે આ ખ્રિસ્તીઓના હક અને વિશેષાધિકારની જાળવણી કરીને એને વધુ સુદૃઢ બનાવવાની નેમ સાથે પ્રગટ થતી હતી.     
આજે જેને Queen of Suburbs કહેવામાં આવે છે એ બાંદરા-વેસ્ટનો કેટલોક ભાગ ઈ. સ. ૧૫૩૪માં પોર્ટુગીઝોએ સ્થાપેલો. નામ આપ્યું ‘બાંડોરા.’ મોટે ભાગે આ નામ પડ્યું સ્થાનિક ભાષાઓ મરાઠી-ગુજરાતીના ‘બંદર’ શબ્દ પરથી. ૨૪૧ વર્ષ સુધી બાંદરામાં પોર્ટુગીઝોનું રાજ રહ્યું. પછી ઈ. સ. ૧૭૭૫માં એ બ્રિટિશ સરકારના તાબામાં આવ્યું. ઍન્ગ્લો-મરાઠા લડાઈમાં અંગ્રેજોની હાર થતાં બાંદરા મરાઠા સામ્રાજ્યનો ભાગ બન્યું, પણ ૧૮૦૨માં બાજીરાવ બીજાએ અંગ્રેજો સાથે સંધિ કરી એના પરિણામે બાંદરા ફરી અંગ્રેજોના તાબામાં આવ્યું, તે છેક ૧૯૪૭ સુધી તેમની પાસે રહ્યું. 
કહે છે કે અસલ બાંદરા ૨૪ ગામડાંનું બનેલું હતું. જેમ-જેમ મુંબઈનો વિકાસ થતો ગયો તેમ-તેમ એક પછી એક ગામડાં ભૂંસાતાં ગયાં, પણ આજ સુધી એમાંનાં થોડાંક બચી ગયાં છે અને એમાં મુખ્ય છે  રણવર. સાંકડી ગલીઓ, જૂની પોર્ટુગીઝ બાંધણીના બંગલાઓ, એની દીવાલો પર ભડક રંગોમાં આલેખાયેલાં ચિત્રો, ગામની વચ્ચોવચ આવેલો ચોક, આરામભર્યું જીવન – ઘડીભર તો તમે ભૂલી જાઓ કે તમે મુંબઈમાં છો. એમાંય વેરોનિકા સ્ટ્રીટ તો આ ગામનું મુખ્ય આકર્ષણ છે. જોકે ‘વિકાસ’ભૂખ્યા બિલ્ડરોની નજર ક્યારનીયે મંડાઈ છે આ વિસ્તારનું ‘નવનિર્માણ’ કરવા માટે. જોકે હજી સુધી તો આ રણવર લગભગ બચી ગયું છે. અહીં આજે પણ બૉમ્બે ઈસ્ટ ઇન્ડિયનોની મોટી વસ્તી.
નાતાલનો તહેવાર આ રણવરમાં દિલના સાચા ઉમંગ અને ઉત્સાહથી ઊજવાય છે એવી રીતે આખા મુંબઈમાં બીજે ક્યાંય ભાગ્યે જ ઊજવાતો હશે. દરેક બંગલા પર, દરેક ઘર પર રંગબેરંગી રોશની અને કાગળ કે પ્લાસ્ટિકના બનાવેલા તારા (સ્ટાર) ઝગમગતા હોય. દરેક બંગલાનાં આંગણાં અને પોર્ચને આકર્ષક રીતે શણગાર્યાં હોય. ક્રિસમસ કેક અને બીજી પરંપરાગત વાનગીઓ ઘરે-ઘરે રંધાતી હોય એની સોડમ ચારે બાજુ પ્રસરતી હોય. એ પેરિશનાં ચર્ચ અને સ્કૂલો રોશનીથી ઝગમગતાં હોય. આમ તો બારે માસ આ વિસ્તારની હોટેલોમાં આ લોકોની ખાસ વાનગીઓ ખાવા મળે પણ નાતાલના દિવસોમાં તો જાણે રંધાતી વાનગીઓની સોડમનું પૂર ઊમટે. આ જમાતના ગાવઠણની એક ખાસિયત એ છે કે ત્યાં ઠેકઠેકાણે, રસ્તાની ધારે નાના-મોટા ક્રૉસ જોવા મળે જ. વચમાં મ્યુનિસિપાલિટીને એકાએક આ ક્રૉસ નડતરરૂપ લાગ્યા અને એને રસ્તા પરથી હટાવવાનું શરૂ કર્યું પણ ઈસ્ટ ઇન્ડિયનોની ચાર મુખ્ય સંસ્થાઓએ ભેગા મળીને એટલો ઉગ્ર વિરોધ કર્યો કે એ કામ પડતું મૂકવું પડ્યું. આ ચાર સંસ્થાઓ તે મોબાઈ ગાવઠણ પંચાયત, ધ બૉમ્બે ઈસ્ટ ઇન્ડિયન અસોસિએશન, ધ મહારાષ્ટ્ર ઈસ્ટ ઇન્ડિયન ફેડરેશન અને મૂળ સંગઠન. પોતાની જમાતનાં ઇતિહાસ અને સંસ્કૃતિની જાળવણી કરવાના હેતુથી મનોરીની થેરેસા વિલામાં ‘કાકા બાપ્તિસ્તા ઈસ્ટ ઇન્ડિયન મ્યુઝિયમ’ સ્થાપવામાં આવ્યું છે. 
આ ઈસ્ટ ઇન્ડિયનોની એક ખાસિયત એ કે તેમણે બીજો ધર્મ અપનાવ્યો પણ બીજી ભાષા નહીં. આજે પણ એ લોકો ઘરમાં તો 
મરાઠી-કોકણીની એક પોતીકી બોલીમાં જ વાતચીત કરે છે, જે ‘મોબાઈ મરાઠી’ તરીકે પણ ઓળખાય છે. લખતી વખતે તેઓ દેવનાગરી કે રોમન લિપિ વાપરે છે. વળી તેમની ભાષાના ઘણા શબ્દો પોર્ટુગીઝ ભાષામાંથી આવ્યા છે અથવા એમાં ફેરફાર વડે બન્યા છે. જેમ કે ‘પટેટો’ અને ‘બટાટા’ના મિશ્રણથી બનેલો શબ્દ ‘પટાટા.’ જોકે બીજી ઘણી ભાષાઓની જેમ આ ભાષાથી યુવાનો દૂર થતા જાય છે. અંગ્રેજી તેમની બોલચાલની ભાષા બની ગઈ છે.   
આજની વાતની શરૂઆત આપણે વેલંકની માતાના ચર્ચથી કરી હતી. છેવટે પણ થોડી વાત એ માતા વિશે. વાચકોના મનમાં જરૂર સવાલ થયો હશે કે આ ‘વેલંકની’ એટલે શું? એનો જવાબ એ છે કે વેલંકની એ એક ગામનું નામ છે જે તામિલનાડુમાં આવેલું છે. ત્યાંનું ‘બેઝેલિકા ઑફ અવર લેડી ઑફ ગુડ હેલ્થ’ આ સંપ્રદાયનું મુખ્ય મંદિર છે જે ‘ધ મધર વેલંકની ચર્ચ’ તરીકે વધુ જાણીતું છે. આ ચર્ચ ૧૬મી કે ૧૭મી સદીમાં બંધાયેલું હતું એમ માનવામાં આવે છે. કહે છે કે આ જગ્યાએ માતા વેલંકની (મધર મૅરી) સાક્ષાત ત્રણ વખત પ્રગટ થયાં હતાં. આ મંદિરની એક વિશિષ્ટતા એ છે કે એમાંની મધર મૅરીની મૂર્તિને ભારતીય ઢબે સાડી પહેરાવવામાં આવી છે. દર વર્ષે ૨૯ ઑગસ્ટથી ૮ સપ્ટેમ્બર સુધી અહીં મેળો ભરાય છે જેમાં લાખો શ્રદ્ધાળુઓ ભાગ લે છે.
वेलंकनी मातेचा ध्वज हा, फडफडतोय आकाशी,
संकट दूर करते, 
तूच आई आमची,
आशीर्वाद दे आता, 
तूच साहेब आमची...
वेलंकनी मातेचा ध्वज हा, फडफडतोय आकाशी.


Whatsapp-channel Whatsapp-channel

21 March, 2026 06:20 PM IST | Mumbai | Deepak Mehta

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK