...તો શોલેમાં ગબ્બર સિંહ તરીકે જોવા મળ્યા હોત સંજીવકુમાર
‘શોલે’ ફિલ્મમાં ગબ્બર સિંહનો રોલ ઘણાબધા અભિનેતાઓને ઑફર થયો હતો. રમેશ સિપ્પીએ સૌપ્રથમ એ વખતના જાણીતા વિખ્યાત વિલન ડૅની ડેન્ઝોન્ગપાને એ રોલ આપવાનું વિચાર્યું હતું. ડૅનીને એ રોલ કરવામાં રસ પણ પડ્યો હતો, પરંતુ ડૅની એ દરમિયાન ફિરોઝ ખાનની ‘ધર્માત્મા’ ફિલ્મમાં વિલનનો રોલ કરી રહ્યા હતા ને ફિરોઝ ખાને તેમને ‘શોલે’ માટે ડેટ્સ ફાળવવાની ના પાડી હતી એટલે ડૅનીએ એ રોલ નાછૂટકે ઠુકરાવવો પડ્યો હતો.
એ પછી સિપ્પીએ પ્રાણને એ રોલની ઑફર કરી હતી. પ્રાણ એક સમયના ખૂબ મોટા વિલન હતા પરંતુ એ સમય દરમિયાન તેઓ ચરિત્ર અભિનેતા તરીકે રોલ કરવા માંડ્યા હતા એટલે તેમણે વિલન તરીકેનો રોલ કરવાનું ઉચિત ન માન્યું. સંજીવકુમારને પણ ગબ્બર સિંહનો રોલ કરવામાં રસ હતો, પરંતુ તેમને રમેશ સિપ્પી ઠાકુરના પાત્ર માટે પર્ફેકટ અભિનેતા તરીકે જોઈ રહ્યા હતા.
ADVERTISEMENT
સિપ્પીએ અનેક અભિનેતાઓને એ રોલની ઑફર કરી હતી અને એ અભિનેતાઓએ એ રોલ ઠુકરાવ્યો હતો એવી રીતે અનેક અભિનેતાઓને ગબ્બર સિંહનો રોલ કરવામાં રસ હતો, પરંતુ સિપ્પીએ તેમની દરખાસ્ત ઠુકરાવી હતી. સંજીવકુમારે ગબ્બર સિંહનો રોલ માગ્યો હતો, પરંતુ સંજીવકુમારનું નામ એ વખતે હીરો તરીકે બહુ મોટું હતું અને તેમની લોકપ્રિયતા જોતાં લોકો કદાચ તેમને વિલન તરીકે ન સ્વીકારે એ વિચારથી તેમણે સંજીવકુમારને એ રોલ આપવાની ના પાડી હતી.
અમિતાભ બચ્ચન પણ ગબ્બર સિંહનો રોલ કરવા માટે આતુર હતા, પરંતુ તેઓ એ વખતે એવી સ્થિતિમાં નહોતા કે તેઓ પોતાની શરતો મૂકી શકે. એટલે તેમણે જે રોલ મળ્યો એ સ્વીકારી લેવો પડ્યો હતો.
સિપ્પીએ છેવટે અમજદ ખાનનું નામ વિચાર્યું હતું, પણ સલીમ-જાવેદ અમજદ ખાનને ગબ્બર સિંહનો રોલ આપવાની વિરુદ્ધ હતા. જાવેદ અખ્તરને અમજદ ખાનનો અવાજ ખૂબ જ પાતળો લાગતો હતો અને એ વખતે અમજદ ખાનનું નામ પણ મોટું નહોતું. તેઓ હિન્દી નાટકોમાં અભિનય કરતા હતા. સલીમ-જાવેદ કોઈ તગડા ઍક્ટરને ગબ્બર સિંહનો રોલ આપવા માટે દબાણ કરી રહ્યા હતા. જોકે સિપ્પીએ તેમની ઇચ્છા વિરુદ્ધ અમજદ ખાનને ગબ્બર સિંહના રોલ માટે સાઇન કર્યા હતા.
‘શોલે’ની આવી તો ઘણીબધી રસપ્રદ વાતો છે એ ફરી ક્યારેક કરીશું.

