Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > કૉલમ > તમારા AB ફૉર્મમાં સહિયારા સાફલ્યની શરણાઈ ગુંજતી રહે

તમારા AB ફૉર્મમાં સહિયારા સાફલ્યની શરણાઈ ગુંજતી રહે

Published : 04 November, 2024 05:11 PM | Modified : 04 November, 2024 05:24 PM | IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

હમણાં-હમણાં વિધાનસભાની ચૂંટણી બાબતે ઘણી વાર AB ફૉર્મની વાત વાંચવામાં આવી. કુતૂહલથી તપાસ કરતાં જાણવા મળ્યું કે A ભાગમાં પસંદગી પામેલા ઉમેદવારની પક્ષને લગતી વિગતો આપવામાં આવી હોય છે.

પ્રતીકાત્મક તસવીર

સોશ્યોલૉજી

પ્રતીકાત્મક તસવીર


હમણાં-હમણાં વિધાનસભાની ચૂંટણી બાબતે ઘણી વાર AB ફૉર્મની વાત વાંચવામાં આવી. કુતૂહલથી તપાસ કરતાં જાણવા મળ્યું કે A ભાગમાં પસંદગી પામેલા ઉમેદવારની પક્ષને લગતી વિગતો આપવામાં આવી હોય છે. B ભાગ વધુ રસપ્રદ છે. એટલા માટે કે પહેલી ચાર કૉલમમાં નિયુક્ત ઉમેદવારની વ્યક્તિગત વિગતો ભર્યા પછી બાકીની ચાર કૉલમમાં સ​બ્સ્ટિટ્યૂટ / વૈકલ્પિક ઉમેદવારની વિગતો આપવામાં આવી હોય છે. કોઈ કારણસર ચૂંટણી અધિકારી પ્રથમ નામને રિજેક્ટ કરે તો બીજું અધિકૃત નામ તૈયાર હોય જ એટલે ચૂંટણીરથ અટકે નહીં.


જીવનના પરિપ્રેક્ષ્યમાં જોઈએ તો ધર્મ, અર્થ, કામ અને મોક્ષ એ ચાર કૉલમી જવાબદારી દંપતીની સહિયારી હોય છે. બન્નેનું સિલેક્શન ઉપરવાળા પક્ષપ્રમુખે કરી રાખ્યું જ છે. આ રણમેદાનમાં સંજોગવશાત્ કોઈ એક સફળ ન થાય કે રિજેક્ટ થઈ જાય તો બીજા વિકલ્પે પડકાર ઝીલીને જીવનરથને અટકવા નહીં દેવાનો. સપ્તપદીના ચાર ફેરા પછી પત્ની આગળ આવે છે, એ જ દર્શાવવા કે બન્ને સરખા છે. એકબીજાના અનુયાયી બનવાની તૈયારી રાખે તો જીવનરથને કોઈ રોકી ન શકે. ઉપરવાળાના AB ફૉર્મમાં બન્ને એકબીજાના વિકલ્પ જ છે.



રાજકારણની કે જીવનની ચૂંટણીમાં મળતી નિષ્ફળતા બદલાતા સંજોગોને કારણે પણ હોઈ શકે. કોઈ ત્રીજો પક્ષ અણધાર્યો ઊભો થઈ જાય કે પછી કોઈ અણધારી સાચીખોટી વાત ફેલાવવામાં આવે. આવામાં હતોત્સાહ નહીં થઈ જવાનું ને કોઈનો આધાર નહીં શોધવાનો. કોઈનું તેજ ઉછીનું ન જ લઈ શકાય, જાતે જ ફાનસની જેમ બળવું પડે. સુનીતા વિલિયમ્સનો ઉત્સાહ જુઓ. સ્પેસ-સ્ટેશનમાંથી દિવાળીની શુભેચ્છાઓ મોકલે છે. પૃથ્વી પર પાછા આવી શકાશે કે નહીં એની કોઈ ગૅરન્ટી નથી છતાંય! એની સામે આપણાં મગતરાં જેવાં દુઃખોની શી વિસાત?


જીવન-નૃત્યને ભજવવા સૃષ્ટિના સંગીત સાથે તાલ મેળવતા રહેવાનો છે. ક્યારેક તાલ ચૂકી જવાય, પડી જવાય તો પણ એને અંગભંગીના એક પ્રકાર તરીકે જ ગણાવી નૃત્ય સહજ જ ચાલુ રાખવાનું છે. માધુરી દીક્ષિત સાથે નૃત્ય કરતાં-કરતાં વિદ્યા બાલન ભલે પડી ગઈ, પણ એ જાણે રજૂઆતનો જ એક ભાગ હોય એમ ગણાવીને જે ગ્રેસફુલ પર્ફોર્મન્સ આપ્યો અને નૃત્ય ચાલુ રાખ્યું એ અદા પર પ્રેક્ષકો આફરીન પોકારી ગયા. જીવનમાં ક્યારેક આપણે આમ પડી જઈએ તો પણ અદાથી તાલ જાળવી રાખવાનો છે. નવા વિક્રમ સંવતમાં આપના AB ફૉર્મમાં સહિયારા સાફલ્યની શરણાઈ ગૂંજતી રહે એવી અનેકાનેક શુભકામનાઓ.  -યોગેશ શાહ


Whatsapp-channel Whatsapp-channel

04 November, 2024 05:24 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK