‘થોડી વાર પહેલાં જ બે ગુંડાઓએ ‘ખબર ઇન્ડિયા’ની ઑફિસની બહાર વિજય સિંહાની કાર અટકાવીને તેમને ગોળીઓથી વીંધી નાખ્યા...’
પ્રતીકાત્મક તસવીર
‘થોડી વાર પહેલાં જ બે ગુંડાઓએ ‘ખબર ઇન્ડિયા’ની ઑફિસની બહાર વિજય સિંહાની કાર અટકાવીને તેમને ગોળીઓથી વીંધી નાખ્યા...’
એક પત્રકાર રશ્મિને ફોન પર કહી રહ્યો હતો.
એ સાંભળીને રશ્મિ ધ્રૂજી ઊઠી.
શાહનવાઝ પાવરફુલ હતો એ વાતની તેને ખબર હતી, પણ તે કોઈની સુપારી આપે અને આટલી ઝડપથી એ સુપારીનો અમલ થાય એ વાત પચાવતાં તેને વાર લાગી. તેને આશ્ચર્ય અને આઘાતની લાગણી એકસાથે થઈ. તેના મનમાં વિચાર ઝબકી ગયો કે શાહનવાઝ વિજય સિંહા જેવા પહોંચેલા માણસની હત્યા આટલી આસાનીથી કરાવી શકતો હોય તો પોતાના સુધી પહોંચતાં તેને વાર નહીં લાગે!
કોઈ વ્યક્તિ ગમે એટલી શક્તિશાળી હોય, તેની પાસે ભલે અમાપ પૈસા કે પાવર હોય; પરંતુ મૃત્યુ નજીક દેખાય ત્યારે તે ફફડી ઊઠતી હોય છે. રશ્મિ પણ ખૂબ વગદાર અને નીડર પત્રકાર હતી, પરંતુ અત્યારે તે મોતના ભયથી કાંપી ઊઠી હતી. તે થોડી ક્ષણો માટે અવાચક બની ગઈ.
‘રશ્મિ મૅડમ...’ કૉલ કરનારા પત્રકારે કહ્યું. એ સાથે રશ્મિ જાણે ઝબકીને જાગી હોય એમ તેણે કહ્યું : ‘યસ, યસ.’ તે માંડ-માંડ બોલી શકી: ‘ઇટ્સ અ શૉકિંગ ન્યુઝ.’ પછી તેણે પોતાની જાત પર કાબૂ મેળવવાની કોશિશ કરતાં કહ્યું, ‘આપણે પછી વાત કરીએ. મને અપડેટ આપતો રહેજે.’
તેણે કૉલ પૂરો કર્યો એ જ વખતે તેના પર રશ્મિનનો કૉલ આવ્યો. રશ્મિએ કૉલ રિસીવ કર્યો એ સાથે રશ્મિને કહ્યું : ‘તને ન્યુઝ મળી જ ગયા હશે વિજય સિંહા વિશે...’
‘હા, મને હમણાં જ ખબર પડી. વિજય સિંહા... આઇ મીન... ગમે એમ તોય...’ રશ્મિએ ધ્રૂજતા અવાજે કહ્યું.
કોઈ સાથે ગમે એટલી દુશ્મની હોય, પણ તે મરી જાય ત્યારે થોડીક ક્ષણ માટે તેની સાથેના જૂના સંબંધને કારણે માણસ લાગણીશીલ થઈ બની જતો હોય છે. વળી રશ્મિના અવાજમાં ધ્રુજારીનું બીજું કારણ એ પણ હતું કે તેને એ વાત સમજાતી હતી કે વિજય સિંહા પર છોડાયેલી ગોળીઓ પછીની ગોળીઓ પર તેનું નામ લખાયેલું હતું.
‘રશ્મિ, મને ખબર છે કે ચીફ મિનિસ્ટરે સરને કહીને તને પોલીસ-પ્રોટેક્શન અપાવ્યું છે, પરંતુ હમણાં થોડા સમય સુધી તું સહેજ પણ હોશિયારી બતાવતી નહીં અને એકદમ અલર્ટ રહેજે. હું ગ્રીન સિગ્નલ ન આપું ત્યાં સુધી મહેરબાની કરીને તારી ઑફિસના બિલ્ડિંગની બહાર પગ પણ ન મૂકતી.’ રશ્મિને તાકીદભર્યા અવાજે કહ્યું. તેણે એન્કાઉન્ટર સ્પેશ્યલિસ્ટ તરીકે નામના મેળવી હતી અને અન્ડરવર્લ્ડના ભલભલા ખેરખાંઓ તેના નામમાત્રથી ધ્રૂજતા હતા. તેણે ઠંડા કલેજે ડઝનબંધ ગુંડાઓને સાચા અને ખોટા એન્કાઉન્ટરમાં મારી નાખ્યા હતા, પરંતુ અત્યારે તેના અવાજમાંય ઉચાટ હતો.
lll
‘વિજય સિંહાનો ચમત્કારિક રીતે બચાવ થયો છે, પણ તેને બહુ ગંભીર ઈજા પહોંચી છે. તેમને બચાવવાનું મુશ્કેલ છે, પરંતુ અમારી ટીમ પૂરી કોશિશ કરી રહી છે.’ કૂપર હૉસ્પિટલના ડીન કોઈને ફોન પર કહી રહ્યા હતા.
lll
‘સર, આપણે કોઈ પણ હિસાબે એ સમાચાર દબાવવા જોઈએ કે આટલી ગંભીર ઈજા પહોંચ્યા પછી પણ વિજય સિંહા જીવે છે. નહીં તો હૉસ્પિટલમાં પણ તેની હત્યાનો પ્રયાસ થઈ શકે છે. વળી શાહનવાઝે વિજય સિંહાની હત્યાની કોશિશ કરાવી એમ હવે તે રશ્મિની હત્યા પણ કરાવી શકે છે. એટલે તેને ગેરમાર્ગે દોરવા માટે પણ આપણે આ પગલું લેવું જોઈએ. વિજય સિંહાની હત્યાને કારણે પોલીસ ભડકી ગઈ છે અને અન્ડરવર્લ્ડ પર તૂટી પડવાની છે એવો મેસેજ જશે તો વિજય સિંહા પર ગોળીઓ ચલાવનારા શૂટર્સ ડરી જશે અને બીજા શૂટર્સ પણ ડરના માર્યા રશ્મિની સુપારી લેવાની હિંમત નહીં કરે...’
રશ્મિન વાઘમારેને કહી રહ્યો હતો.
‘અચ્છા! હવે તું મને શીખવીશ કે આગળ શું કરવું જોઈએ?’ વાઘમારેએ વેધક નજરે રશ્મિન સામે જોતાં સવાલ કર્યો.
‘નો, સર. આઇ મીન...’ રશ્મિન સહેજ અસ્વસ્થ થઈ ગયો.
વાઘમારેના ચહેરા પર સ્મિત આવી ગયું. તેમણે કહ્યું, ‘મને ખબર છે કે તને તારી ગર્લફ્રેન્ડની ચિંતા છે, પણ તેં જે સૂચન કર્યું એ સારું છે!’
lll
થોડી વાર પછી કૂપર હૉસ્પિટલના ડીનથી માંડીને વિજય સિંહાની સારવાર કરી રહેલા ડૉક્ટરોને આદેશ મળી ચૂક્યો હતો કે ‘વિજય સિંહા હજી જીવે છે એ વિશે કોઈને પણ જાણ થવા દેવાની નથી. હૉસ્પિટલના સ્ટાફનેય એવી જ માહિતી અપાવી જોઈએ કે વિજય સિંહા મૃત્યુ પામ્યા છે.’
હૉસ્પિટલના સ્ટાફમાંથી પણ કોઈ મીડિયા કે બહારની કોઈ પણ વ્યક્તિ સાથે વાત ન કરે એની તાકીદ પણ કરી દેવાઈ હતી. થોડી વારમાં તો હૉસ્પિટલની અંદર અને બહાર પોલીસનાં કેટલાંય વાહનો ખડકાઈ ગયાં હતાં. પોલીસે હૉસ્પિટલનો કબજો લઈ લીધો હતો અને હૉસ્પિટલના આખા સ્ટાફના મોબાઇલ ફોન જપ્ત કરી લેવાયા હતા.
lll
‘આપણે ફટાફટ આપણો ગેટઅપ, કપડાં અને બીજી બાઇક લઈને ‘સહી ન્યુઝ’ ચૅનલની ઑફિસની બહાર પહોંચવાનું છે. ત્યાં પેલી બાઈને ઉડાવીને સીધા એક સલામત જગ્યાએ પહોંચી જવાનું છે...’
એક રિક્ષામાં પ્રવાસ કરી રહેલો શોએબ બબલુના કાનમાં કહી રહ્યો હતો!
‘ત્યાં મોકો મળશે આપણને?’
‘પહેલાં તો તું નેગેટિવ વિચારવાનું બંધ કર! અને ત્યાં મોકો ન મળે તો તે તેના ઘરે જતી હશે ત્યારે અથવા તો ઘરમાં ઘૂસીને મારીશું, પણ આજે આ કામ પૂરું કરી દેવું છે.’ શોએબે આત્મવિશ્વાસભર્યા અવાજે કહ્યું!
lll
અન્ડરવર્લ્ડના શૂટર્સે ધોળા દિવસે, જાહેર રસ્તા પર વિજય સિંહાને ગોળીઓ મારી દીધી એ સમાચાર આખા દેશમાં ફેલાઈ ચૂક્યા હતા. શાહનવાઝે શૈલજા સિંઘલ પર કરેલા રેપ વિશેની સ્ટોરી અને પૃથ્વીરાજ પાયલનું ગળું દબાવી રહ્યો હોય એ સ્ટોરીઝ બાજુ પર રહી ગઈ હતી અને તમામ ટીવી ન્યુઝ-ચૅનલ્સ પર વિજય સિંહા વિશેના સમાચાર પ્રસારિત થઈ રહ્યા હતા.
‘સહી ન્યુઝ’ ચૅનલની એડિટર-ઇન-ચીફ બનેલી રશ્મિએ પણ સ્થિતિની ગંભીરતા સમજીને પોતાની ચૅનલ પર સતત એ બ્રેકિંગ ન્યુઝ દર્શાવવા માટે સૂચના આપી દીધી હતી.
lll
‘રશ્મિ, વિજય સિંહાને ગોળીઓ મારી દેવાઈ છે એ અત્યંત ગંભીર વાત છે અને તારે ખૂબ જ અલર્ટ રહેવું પડશે એ હકીકત છે, પરંતુ એક સારા ન્યુઝ એ છે કે વિજય સિંહા હજી જીવે છે.’
રશ્મિન ફોન પર રશ્મિને કહી રહ્યો હતો.
‘વિજય સિંહા જીવે છે?’
રશ્મિએ આશ્ચર્યચકિત થઈને પૂછ્યું, ‘પણ પોલીસ કન્ટ્રોલ રૂમમાંથી તો એવી પ્રેસ-રિલીઝ પણ મીડિયા સુધી પહોંચી ગઈ છે કે વિજય સિંહાને અનેક ગોળીઓ વાગી છે અને તેમનું મૃત્યુ થયું છે? અને તેને તો કપાળમાં ગોળીઓ વાગી હતી!’
રશ્મિના અવાજમાં આશ્ચર્યની સાથે થોડી રાહતની લાગણી પણ ભળી ગઈ હતી.
રશ્મિની વિજય સિંહા સાથે દુશ્મની થઈ ગઈ હતી, પરંતુ તે એવી વ્યક્તિ નહોતી કે પોતાનો દુશ્મન કમોતે મરે એવું ઇચ્છે. વિજય સિંહા સાથે તેણે વર્ષો સુધી કામ કર્યું હતું. વિજય સિંહા સાથેની ઘણી સુખદ યાદો પણ તેના મનમાં સંઘરાયેલી પડી હતી.
‘એ પ્રેસ-રિલીઝ ઇશ્યુ કરવાની સૂચના મેં જ આપી હતી.’ રશ્મિને કહ્યું. તેના અવાજમાં સહેજ ગર્વ ભળી ગયો હતો. તેણે એ વાત છુપાવી કે તેણે વાઘમારેને કહ્યું હતું અને વાઘમારેએ પોલીસ કમિશનર શેખને વિનંતી કરીને એ સમાચાર છુપાવવા માટે અને શાહનવાઝને તથા શૂટર્સને ગેરમાર્ગે દોરવા માટે એ પ્રેસ-રિલીઝ ઇશ્યુ કરવા માટે વિનંતી કરી હતી.
રશ્મિને કહ્યું, ‘વિજય સિંહાને કપાળમાં ગોળીઓ મરાઈ હતી એ વાત સાચી જ છે, પણ હત્યારાઓ ઉતાવળમાં હતા અને પકડાઈ જવાના ડરને કારણે તેમણે આડેધડ ગોળીઓ છોડી હતી એટલે બે ગોળી તેના માથામાં ઘૂસી ગઈ છે અને બે ગોળી તેના મસ્તકને છરકો કરીને પસાર થઈ ગઈ છે. તેની ખોપરીને નુકસાન થયું છે, પરંતુ સદ્ભાગ્યે તેના બ્રેઇનને ઈજા પહોંચી નથી.’
રશ્મિએ કહ્યું, ‘પણ આટલી ગોળીઓ વાગી હોવા છતાં...’
રશ્મિને તેને કહ્યું, ‘ડૉક્ટરો માટે પણ આ વાત ચમત્કાર સમાન જ છે, પણ આવી ઘટનાઓમાં અપવાદરૂપ રીતે કોઈ વ્યક્તિ બચી જતી હોય છે. જાન્યુઆરી ૧૭, ૨૦૨૦ના દિવસે પંજાબના મુક્તસર જિલ્લાના સમેવલી ગામની ૪૨ વર્ષની મહિલા સુમિતકૌરને તેના સગા ભત્રીજાએ કપાળમાં અને માથામાં ત્રણ ગોળી મારી દીધી હતી. એમ છતાં તે સાત કિલોમીટર સુધી પોતાની કાર ચલાવીને પોલીસ-સ્ટેશન સુધી પહોંચી હતી. તેના બ્રેઇનમાં પણ ઈજાઓ પહોંચી હતી. એમ છતાં ડૉક્ટરોએ તેને બચાવી લીધી હતી. મેડિકલ લૅન્ગ્વેજમાં ચમત્કાર કહી શકાય એ પ્રકારની આવી ઘણી ઘટનાઓ આપણા દેશમાં અને વિદેશોમાં પણ બની છે.’
‘રશ્મિન, તું ખરેખર સાચું જ બોલી રહ્યો છેને કે હું ડરી ગઈ છું એટલે તું મને...’
‘રશ્મિ, હું તારી સામે શા માટે જૂઠું બોલું! વિજય સિંહા ખરેખર
બચી ગયો છે.’ રશ્મિન હવે સહેજ અકળાઈ ઊઠ્યો. તેણે કહ્યું, ‘તને સમજાય છે કે અત્યારે મારા પર, આખી મુંબઈ પોલીસ પર કેટલું
પ્રેશર છે?’
રશ્મિન બોલી રહ્યો હતો એ વખતે રશ્મિના મનમાં એ વિચાર ઝબકી ગયો કે વિજય સિંહા જીવે છે એ બ્રેકિંગ ન્યુઝ ‘ખબર ઇન્ડિયા’ પહેલાં ‘સહી ન્યુઝ’ ચૅનલ પર ચાલુ કરી દેવા જોઈએ, પરંતુ જાણે રશ્મિન તેના મનની વાત સમજી ગયો હોય એમ તેણે તેને તાકીદ કરી: ‘ખબરદાર, આ સમાચારનો ઉપયોગ કરવાનો વિચાર પણ ન કરતી! આ વાત હું તને એક પોલીસ-ઓફિસર તરીકે નથી કહી રહ્યો, એક ક્લોઝ ફ્રેન્ડ તરીકે કહી રહ્યો છું.’
‘યસ, યસ,’ રશ્મિએ કહ્યું.
‘વિજય સિંહા બચી ગયો છે એટલે તારે રાહત અનુભવવાની જરૂર નથી. તારે તો એકદમ જ સાવચેત રહેવાનું જ છે.’ રશ્મિને કહ્યું અને કૉલ ડિસ્કનેક્ટ કરી નાખ્યો.
lll
‘પૃથ્વીરાજે હમણાં કોઈ સાથે ફોન પર વાત કરી. તે સિંહાને ગાળો આપી રહ્યો હતો અને તેણે કહ્યું કે આ ‘ખબર ઇન્ડિયા’વાળા સિંહાને ઠેકાણે પાડવો પડશે! તેણે...’
પૃથ્વીરાજના કૉલના રેકૉર્ડિંગની જવાબદારી સંભાળનારો સબ ઇન્સ્પેક્ટર રશ્મિનને કહી રહ્યો હતો!
lll
આ બધી ધમાલ ચાલી રહી હતી એ વખતે શાહનવાઝ મુંબઈના છત્રપતિ શિવાજી ઇન્ટરનૅશનલ ઍરપોર્ટથી સાઉદી અરેબિયા જવા માટે તેના માટે તહેનાત થયેલી ચાર્ટર્ડ ફ્લાઇટનાં પગથિયાં ચડી રહ્યો હતો!
વધુ આવતા શનિવારે


