આજે ઘણા એવું માનતા થયા છે કે કંઈ આવડતું ન હોય અને મહેનત કરવી ન હોય તો સોશ્યલ મીડિયા પર રીલ્સ બનાવવાનું શરૂ કરી દો, તમારું કામ થઈ જશે. એવું માનનારાઓને કહેવાનું કે સોશ્યલ મીડિયા પર તમારી સ્ટ્રૉન્ગ પ્રેઝન્સ બનાવવા માટે પણ જબરદસ્ત મહેનત કરવી પડે
આત્મન દેસાઈ
૨૬ વર્ષની ઉંમર સુધી જ જીવન એ ચડતી અને પડતીનું કેવું વિકટ નામ અને પર્યાય છે એનો બહુ મોટો અનુભવ મને મળી ચૂક્યો છે. કોવિડ આવ્યું અને મારા જીવનની દિશા બદલાઈ ગઈ. આજે લાખોની સંખ્યામાં લોકો મારા કામને ઓળખતા થયા એની કલ્પના મેં ક્યારેય કરી નહોતી. બેઝિકલી, હું કમ્પ્યુટર એન્જિનિયર, તો એની સાથોસાથ મેં એક વર્ષ મ્યુઝિકની ઑફિશ્યલ ટ્રેઇનિંગ લીધી છે. વડોદરામાં રહેતી વ્યક્તિ આર્ટમાં ન હોય તો જ નવાઈ. કોવિડ દરમ્યાન હું મ્યુઝિક પ્રોડક્શનના ફીલ્ડમાં આગળ વધવા માગતો હતો અને એને લગતું કામ પણ કરતો હતો. જોકે એ દરમ્યાન કંઈક નવું કરવાની દિશામાં જ ડિજિટલ માર્કેટિંગ કંપનીમાં જૉબ શરૂ કરી. એકાદ વર્ષના અનુભવ પછી ઇન્ફ્લુઅન્સરની માર્કેટ અને ડિજિટલ માર્કેટિંગની વિશેષતાઓ સમજતો થયો અને મેં પોતે પણ મીમ્સ બનાવવાનું શરૂ કર્યું. એ મીમ્સ હું પોતાના આનંદ માટે બનાવતો અને ફ્રેન્ડ્સ સાથે શૅર કરતો.
ઇન્સ્ટાગ્રામ પર ક્યારેક મ્યુઝિકલ વિડિયો પણ શૅર કરતો, પણ એ સમયે દૂર-દૂર સુધી મનમાં નહોતું કે સોશ્યલ મીડિયા મારી કારકિર્દીનો હિસ્સો બની જશે. આવી તો મેં કલ્પના પણ નહોતી કરી. કરીઅર તરીકે એ સમયે આવું કંઈ થઈ શકે એ વાત જ સાવ નવી હતી. એક સમય તો એવો આવ્યો કે હું ટોટલી કન્ફ્યુઝ હતો કે લાઇફમાં કઈ રીતે આગળ વધવું. મારા મીમ્સ વાયરલ થવા માંડ્યા, પણ મ્યુઝિક વિડિયોને એવો રિસ્પૉન્સ નહોતો. એ દરમ્યાન એક મિનિટના વિડિયોમાં મને શું ફની જોવું ગમે એ વિચારતો થયો અને એ દિશામાં થોડું મગજ કસી કેટલાક ફની વિડિયો બનાવ્યા.
બનાવેલા એ વિડિયો હું મારા ક્લોઝ કહેવાય એવા સર્કલમાં શૅર કરતો. એ સમયે મારું અકાઉન્ટ પ્રાઇવેટ હતું છતાં લોકોનો ખૂબ સારો રિસ્પૉન્સ મળવા માંડ્યો. પછી મારું ઇન્સ્ટાગ્રામ અકાઉન્ટ પબ્લિક કર્યું, લોકોનો રિસ્પૉન્સ વધારે સારો મળ્યો. એ વિડિયોમાં મારી એક રીલ ‘ચાવી ચાવીને ખા’ બહુ વાઇરલ થઈ. ૧૩,૦૦૦થી વધારે વ્યુઝ મળ્યા અને મારો ઉત્સાહ વધ્યો.
તમે કોઈ કન્સેપ્ટ વિચારો, એને ફની રીતે ઇમ્પ્લીમેન્ટ કરો, એમાં એડિટિંગ કરો અને પછી એને પોસ્ટ કરો. આ આખી પ્રોસેસ ખૂબ ટિડિયસ હોય છે. ખાસ કરીને કૉમેડી કરવાની હોય ત્યારે એ વધારે ચૅલેન્જિંગ હોય છે, કારણ કે એમાં તમારી પાસે બ્લૅન્ક સ્લેટ છે. ઇન્ફર્મેશન બેઝ્ડ કંઈ કરતા હો તો તમારી પાસે માહિતીનો ફ્લો ચાલુ રહે, પણ અહીં તો તમારે હંમેશાં કંઈ નવું આપવાનું જેથી લોકોને હસવું આવે. સોશ્યલ મીડિયા પર કોન્સ્ટન્ટલી કન્ટેન્ટ ક્રીએટ કરવું એ ખરેખર બહુ અઘરું કામ છે. એકાદ વર્ષ ડિજિટલ માર્કેટિંગ કંપનીમાં કામ કર્યા પછી મેં એ જૉબ છોડી દીધી. એ વખતે મને લાગ્યું હતું કે મારે નોકરી નથી કરવી. કમ્પ્યુટર એન્જિનિયર તરીકે પણ કોઈ કૉર્પોરેટ જૉબ કરવાનું ક્યારેય મને લાગ્યું નહોતું. મારાં નસીબ સારાં કે મારા પેરન્ટ્સ મારા દરેક નિર્ણયમાં મારી સાથે ઊભા રહ્યા. તેમની એ વાત ખૂબ સારી કે મારી સામે વાસ્તવિકતાઓ મૂકે, જે તેમને અનુભવ પરથી મળી હોય અને પછી શું નિર્ણય લેવો એ મારી વિવેકબુદ્ધિ પર છોડે અને હું જે નિર્ણય લઉં એમાં તેમનો મને સહયોગ પણ હોય.
ADVERTISEMENT
મને યાદ છે કે ૨૦૨૧ના જાન્યુઆરીમાં મારો વિડિયો વાઇરલ થયેલો. લગભગ ૨૦ લાખ લોકોએ એ રીલ જોઈ અને એ પછી મારા ફૉલોઅર્સ ૨૦૦૦માંથી વધીને ૮૦૦૦ પર પહોંચ્યા. એ સમયે મેં મારું ઇન્સ્ટાહૅન્ડલ બદલી નાખ્યું. આ સ્તરે તમારું કામ વાઇરલ થાય એટલે સ્વાભાવિક રીતે તમારો કૉન્ફિડન્સ વધી જાય. એ સમયે હું ફુલટાઇમ આ જ કામમાં લાગેલો રહેતો. જોકે ૧૦,૦૦૦ ફૉલોઅર્સ થયા એ પછી રિચ ઘટી ગઈ. લગભગ ૧૨,૦૦૦ ફૉલોઅર્સ પછી મહિનાઓ સુધી હું એ જ આંકડા પર અટકી રહ્યો. મારે માટે એ દિવસો બહુ ફ્રસ્ટ્રેટિંગ હતા. ત્રણ-ચાર મહિનાનો બ્રેક લઈને હવે આગળ શું કરવું એ વિચારતો હતો, પણ પછી મને લાગ્યું કે મારે ટ્રેન્ડ સમજીને આગળ વધતા રહેવું જોઈએ. બહુ લાંબું વિચાર્યા વિના મેં પોસ્ટ કરવાનું ચાલુ રાખ્યું અને રોજ અગ્રેસિવલી કન્ટેન્ટ ક્રીએટ કરી મારા સોશ્યલ મીડિયા હૅન્ડલ પર એ મૂકવા માંડ્યો. કંઈક નવું-નવું વિચારતાં મેં સ્ટ્રૅટેજી ચેન્જ કરી.
દરરોજ ફની વિડિયો મૂકવા એ ખરેખર મોટો અને અઘરો ટાસ્ક છે. મેં ફની-વે પર ક્રિકેટ કૉમેન્ટરીના વિડિયો બનાવવાનું શરૂ કર્યું, ગુજ્જુભાઈ ક્રિકેટ કૉમેન્ટરી આપે તો કેવી રીતે વાત કરે, શાર્ક ટૅન્કમાં ગુજ્જુભાઈ જજ હોય તો કેવી રીતે વાત કરે. આ પ્રકારનું કન્ટેન્ટ પાછું વાઇરલ થવા માંડ્યું અને મારી અટકી ગયેલી ગાડી આગળ વધી. ફેબ્રુઆરી-માર્ચ સુધીમાં જે ૧૨,૦૦૦ ફૉલોઅર્સ હતા એ એક દિવસમાં ૨૦,૦૦૦ અને ત્યાંથી સીધા એક લાખ પર પહોંચ્યા. એ દરમ્યાન હું યુરોપની સોલો ટ્રિપ પર ગયો ત્યારે મારા ફૉલોઅર્સ બે લાખ પર પહોંચી ગયા. એ પછી મારે પાછા વળીને જોવાનું થયું નથી.
મારી જર્નીએ મને એટલું શીખવાડ્યું કે તમે તમારા કન્ટેન્ટ પર ધ્યાન આપો. બેફામ બનીને કંઈ પણ આપવાને બદલે હું રિયલ લાઇફ બાબતોને ફની-વે પર પ્રેઝન્ટ કરતો હોઉં છું. સાઉથ ઇન્ડિયન રેસ્ટોરાંમાં ગુજરાતી ભાઈ જાય અને શું કન્વર્સેશન થાય એ રીલ મેં બનાવી જે એક કરોડથી વધુ લોકોએ જોઈ. એવી તો ઘણી રીલ્સ વાઇરલ થઈ જેને ૫૦ લાખથી વધુ વ્યુઝ મળ્યા હોય. હું પોસ્ટ કરવા ખાતર કન્ટેન્ટ ક્રીએટ કરતો નથી. ક્યારેક કંઈ જ ન સૂઝે તો ૧૦-૧૨ દિવસનો બ્રેક પણ લઈ લઉં છું. આગળ કહ્યું એમ, આમાં ખૂબ ક્રીએટિવિટીની સાથે કરન્ટ ટ્રેન્ડને પણ ધ્યાનમાં રાખતા જવું પડે. કન્ટેન્ટ ક્રીએશન એક જબરું હાર્ડવર્ક માગી લેતી પ્રોસેસ છે અને એટલે જ કન્ટેન્ટ ક્રીએટરની કમ્યુનિટી એકબીજાની જોરદાર રિસ્પેક્ટ કરે છે. કારણ કે તેમને ખબર પડે છે કે ટકી રહેવા માટે કઈ હદે મહેનત કરવી પડે છે અને કેવા-કેવા હાલ થાય છે. સતત અપગ્રેડ થતા રહેવું પડે, સમય સાથે ચાલવું પડે અને નિયમ જાળવવા પડે. એકેયમાં તમે પાછા પડ્યા કે તમે ગાયબ થઈ જાઓ. જોકે અહીં મેં પોતાનાં કૅરૅક્ટર્સ ડેવલપ કર્યાં છે. ઇન્સ્ટાગ્રામ કે સોશ્યલ મીડિયા પૂરતા મારે મર્યાદિત નથી બનવું. જે કૅરૅક્ટરાઇઝેશન હું મારા કન્ટેન્ટમાં લઈને આવું એ સોશ્યલ મીડિયાનાં વળતાં પાણી થાય તો પણ લોકોને એન્ટરટેઇન કરવા માટે બીજા કોઈ માધ્યમમાં આવી શકે એવા પ્રયાસ હું કરતો રહું છું.
મને યાદ છે કે ૧૦,૦૦૦ ફૉલોઅર હતા એ સમયે હું મિત્રો સાથે રાજસ્થાન ફરવા ગયેલો અને ત્યારે પણ મને કેટલા બધા એવા યંગસ્ટર્સ મળેલા જેઓ ઓળખી ગયેલા. આજે પણ લોકોમાં ઓળખ ઊભી થઈ છે ત્યારે હવે વધુ મીનિંગફુલ કન્ટેન્ટ ક્રીએશન દ્વારા એન્ટરટેઇનમેન્ટની સામે પૉઝિટિવ ચેન્જ તરફ પણ કંઈક થાય એવા મારા પ્રયાસ છે.
છેલ્લી વાત, આજે ઘણા યંગસ્ટર્સ સોશ્યલ મીડિયાનો અતિઉપયોગ કરીને સમયની બરબાદી કરી રહ્યા છે એવી ફરિયાદ થઈ રહી છે ત્યારે હું એટલું જ કહીશ કે સોશ્યલ મીડિયા ખરાબ નથી. તમે સમયમર્યાદા નક્કી કરીને જાતને અનવાઇન્ડ કરવા, રિફ્રેશ થવા માટે અને દુનિયામાં ચાલતી હિલચાલોથી અવેર રહેવા માટે સોશ્યલ મીડિયાનો ઉપયોગ કરો એમાં કંઈ ખોટું નથી. બેશક, તમારો સમય કીમતી છે એટલે દરેક કાર્ય માટે તમે પૂરતો સમય ફાળવીને જીવનમાં પ્રગતિ અટકે નહીં એની સભાનતા સાથે આગળ વધો એ મહત્ત્વનું છે.

