હા, આ સાવ સાચું છે. વાત છે ફિલ્મ ‘કુછ કુછ હોતા હૈ’ના ગીત ‘લડકી બડી અનજાની હૈ...’ સૉન્ગની. આ સૉન્ગ ઊટીમાં શૂટ થવાનું હતું અને શૂટિંગનો સમય આવી ગયો, પણ જતીન-લલિતે સૉન્ગ તૈયાર નહોતું કર્યું. જો શૂટિંગ કૅન્સલ થાય તો કરોડોનો ખર્ચ આવે, જે યશ જોહરને....
કાનસેન કનેક્શન
કુછ કુછ હોતા હૈ ફિલ્મ
‘લડકી બડી અનજાની હૈ,
સપના હૈ, સચ હૈ, કહાની હૈ
દેખો યે પગલી, બિલકુલ ના બદલી
યે તો વહી દીવાની હૈ...’
ઊટીનું મસ્તમજાનું લોકેશન અને એ લોકેશન પર શાહુરખ ખાન, કાજોલ જેવાં સ્ટાર, સાથે ફરીદા જલાલ અને જૉની લીવર અને એ બધાંની સાથે લટકામાં ૧૦૦થી વધારે બાળકો. મજાની વાત એ કે ઊટી હોવા છતાં ત્યાં પણ સેટ તૈયાર કરવામાં આવ્યો છે અને એ કલરફુલ સેટ પર એક ગીત અને કેટલાક મહત્ત્વના સીન શૂટ કરવાના છે, પણ મોટામાં મોટી ચિંતાની વાત એ છે કે સૉન્ગ તૈયાર નથી. શૂટિંગ માટે નીકળવું કેવી રીતે? ધારો કે નીકળી જાય અને સૉન્ગ રેડી થઈને ન આવે તો? ધારો કે સૉન્ગ આવી ગયું અને પછી તમને એમાં મજા ન આવી તો?
અઢળક ‘તો’ વચ્ચે જ ‘કુછ કુછ હોતા હૈ’નું આ સૉન્ગ તૈયાર થયું અને કરણ જોહર સૉન્ગ વિના જ શૂટ પર ઊટી પહોંચી ગયો. આજના સમયે આવી હિંમત કોઈ ન કરી શકે અને કરવી પણ ન જોઈએ. જો તમારા દોસ્તનું નામ આદિત્ય ચોપડા ન હોય તો. હા, આદિત્ય ચોપડાને કારણે જ કરણ આવી હિંમત કરી શક્યો હતો, પણ બન્યું શું હતું અને કેવી રીતે બધું સમયસર પાર પડ્યું એની વાત કરતાં પહેલાં આપણે ફિલ્મ અને એના મ્યુઝિકના મેકિંગ વિશે જરા વધારે વાત કરવી જોઈએ.
ADVERTISEMENT
‘કુછ કુછ હોતા હૈ’ લખ્યા પછી જ્યારે કરણ જોહરે પપ્પા યશ જોહરને સ્ક્રિપ્ટ સંભળાવી ત્યારે પપ્પા ખુશ થઈ ગયા હતા, પણ પપ્પાની એવી ઇચ્છા હતી કે કરણ આ ફિલ્મ ડિરેક્ટ ન કરે. દીકરા પર ભરોસો ન હોય એવી વાત નહોતી. હકીકત એ હતી કે પપ્પાને ડર હતો કે દીકરો આટલી સરસ સ્ક્રિપ્ટ વેડફી ન નાખે! યશ જોહરને આત્મવિશ્વાસ આપવાનું કામ બીજા કોઈએ નહીં, પણ તેના ખાસ ભાઈબંધ યશ ચોપડાના દીકરા આદિત્ય ચોપડાએ કર્યું અને આદિત્ય ચોપડાને કારણે યશ જોહર તૈયાર થયા કે કરણ જ ભલે આ ફિલ્મ ડિરેક્ટ કરતો. યશ જોહરે અઢળક ફિલ્મો બનાવી હતી એ તમને ખબર હશે એટલે પ્રોડ્યુસરના ઘરે ડિરેક્ટર જન્મે એ વાત ખરા અર્થમાં તો લાભદાયી કહેવાય, પણ યશ જોહરની છેલ્લી થોડી ફિલ્મોએ લૉસ કર્યો હતો અને એક તબક્કે પપ્પાએ ધર્મા પ્રોડક્શન બંધ કરવા સુધીનો વિચાર પણ કરી લીધો હતો. ફિલ્મ બનાવવાનું બંધ કરો એટલે પ્રોડક્શન-હાઉસ બંધ અને એવું જ હતું ત્યારે. યશ જોહરે શાહરુખ ખાનને ડબલ રોલમાં લઈને ફિલ્મ ‘ડુપ્લિકેટ’ બનાવી હતી, પણ એ રિલીઝ થતી નહોતી. એ પહેલાં શ્રીદેવી અને સંજય દત્તને લઈને ‘ગુમરાહ’ બનાવી હતી, જે સુપરફ્લૉપ ગઈ હતી, તો અગાઉ બનાવેલી ‘અગ્નિપથ’, ‘મુકદ્દર કા ફૈસલા’, ‘દુનિયા’ જેવી ફિલ્મોનાં વખાણ થયાં હતાં, પણ બૉક્સ-ઑફિસ પર એ ફિલ્મો ચાલી નહોતી. એકમાત્ર ફિલ્મ ચાલી હતી અને એ હતી ‘દોસ્તાના’, જે રિલીઝ થયાને પણ ઑલમોસ્ટ ૧૮ વર્ષ થઈ ગયાં હતાં.
વાત આગળ વધારતાં પહેલાં એક રિલેશન કહી દઉં.
યશ જોહરે જેની સાથે મૅરેજ કર્યાં છે એ હીરુ જોહર એટલે કે કરણ જોહરનાં મમ્મી યશ ચોપડા અને બી. આર. ચોપડાનાં સગાં બહેન છે એટલે એ રિલેશનના દાવે કરણ જોહર અને આદિત્ય ચોપડા સગા મામા-ફઈના ભાઈઓ થાય જેની ઇન્ડસ્ટ્રી સિવાય બહાર બહુ ઓછા લોકોને ખબર છે. બધા એવું જ ધારે છે કે બન્ને પાક્કા ભાઈબંધ છે અને આ ધારણા પણ ખોટી નથી. યશ ચોપડા અને યશ જોહર એટલે કે સાળા-બનેવીને પણ બહુ સારી ભાઈબંધી હતી તો આ કઝિન ભાઈઓને પણ દોસ્તીના સંબંધો વધારે છે. રિલેશન અને દોસ્તી એમ બેવડા સંબંધો હોવાને લીધે જ આજે યશરાજ ફિલ્મ્સ કે ધર્મા પ્રોડક્શન્સના દરવાજા જેને પણ માટે બંધ થાય છે એને માટે બીજાં પ્રોડક્શન-હાઉસના દરવાજા આપોઆપ બંધ થઈ જાય છે એ પણ તમારી સહેજ જાણ ખાતર.
‘દિલવાલે દુલ્હનિયા લે જાએંગે’માં મ્યુઝિક જતીન-લલિતનું હતું અને આદિત્યની ઇચ્છા હતી કે ‘કુછ કુછ હોતા હૈ’માં પણ જતિન-લલિત જ મ્યુઝિક આપે. કરણને કોઈ પ્રૉબ્લેમ નહોતો અને મીટિંગ થઈ. લલિત પંડિત કહે છે, ‘અમને ફિલ્મનું નૅરેશન મળ્યું એ જ સમયે અમે સમજી ગયા હતા કે કરણ જોહરની આંખ સામે આખેઆખી ફિલ્મ તૈયાર છે, બસ, હવે શૂટ કરવાની બાકી છે. ક્યાં બૅકગ્રાઉન્ડ સ્કોર આવશે અને ક્યાં કઈ ટ્યુનનું સૉન્ગ આવશે એવી નાનામાં નાની કે પછી ટેક્નિકલ વાતો પણ કરણના મનમાં ક્લિયર હતી, જે તેણે નૅરેશન દરમ્યાન અમને કહી.’
મ્યુઝિક પર કામ શરૂ થયું તો સાથોસાથ ફિલ્મના બાકીના ડિપાર્ટમેન્ટ પર પણ કામ શરૂ થયું. સૌથી પહેલું સૉન્ગ ‘કોઈ મિલ ગયા...’ રેકૉર્ડ કરવામાં આવ્યું. એ દિવસોમાં રેકૉર્ડિંગ આજની જેમ ફટાફટ પૂરું નહોતું થતું. સહેજેય આઠ-દસ દિવસ લાગી જતા, જ્યારે ‘કોઈ મિલ ગયા...’ સૉન્ગ તો હતું, પણ લાર્જ કૅન્વસ પર. શાહુરખ, કાજોલ અને રાની અને એ લોકોની સાથે આખી કૉલેજના સ્ટુડન્ટ્સ, તો લટકામાં અનુપમ ખેર અને અર્ચના પૂરણસિંહ. કહો કે આખી ફિલ્મના મહત્ત્વના આર્ટિસ્ટ બધા એમાં હાજર હતા. આ સૉન્ગની પણ ઘણી લાંબી સ્ટોરી છે. તમને નવાઈ લાગશે, પણ ‘કોઈ મિલ ગયા...’ અત્યારે આપણે જે સાંભળીએ છીએ એ કરણ જોહરને પહેલાં નહોતું ગમ્યું! હા, તેમની ઇચ્છા નહોતી કે એ સૉન્ગ આ રીતે બને, પણ જતીન-લલિતે ગૅરન્ટી આપી કે એક વખત રેકૉર્ડિંગ થઈ જાય એ પછી જો તું ના પાડીશ તો આપણે સૉન્ગ રિપ્લેસ કરીશું, પણ આ સૉન્ગ એક વખત તું ફાઇનલ વર્ઝનમાં સાંભળી લે.
બહુ આનાકાની પછી કરણ જોહર તૈયાર થયો અને સૉન્ગ રેકૉર્ડ થયું. રેકૉર્ડિંગ પછી કરણ જોહરે સ્ટુડિયોમાંથી નીકળતી વખતે જતીન પંડિત અને લલિત પંડિતને ‘થૅન્ક્સ’ કહ્યું હતું કે સારું થયું કે તમે લોકો આ સૉન્ગનો આગ્રહ રાખ્યો. તમે આ સૉન્ગને નોટિસ કરશો તો તમને દેખાશે કે એમાં જે મુખડું છે એ આખેઆખું રિપીટ થાય છે અને દરેકેદરેક લાઇન બબ્બે વાર ગવાય છે. કરણને વાંધો એ વાત સામે હતો, પણ જતીન-લલિતનું કહેવું હતું કે એ જરૂરી છે. એક વખત સ્ટાર્સ ગાશે અને એ પછી કૉલેજ સ્ટુડન્ટ્સ એ ઉપાડશે. એવું કરીશું તો જ દેખાશે કે હવે સ્ટુડન્ટ્સ પણ બધા ખુશ છે. ફાઇનલી એ જ રીતે સૉન્ગ રેકૉર્ડ કરવામાં આવ્યું અને કરણને ગમ્યું પણ ખરું. સૉન્ગ યુટ્યુબ પર છે, તમે પણ જુઓ, તમને પણ સમજાશે કે કરણની દલીલ હતી એ ખોટી નહોતી. ખાસ તો ત્યારે જ્યારે તમારી સામે એક પણ ફ્રેમ શૂટ થયેલી ન હોય.
‘કોઈ મિલ ગયા...’ સૉન્ગ રેકૉર્ડ થયું અને કરણ જોહરે મુંબઈમાં એનું શૂટ પણ શરૂ કરી દીધું. બીજાં સૉન્ગ્સ પર કામ ચાલુ હતું, પણ વાત જ્યારે પહોંચી ‘લડકી બડી અનજાની હૈ...’ પર ત્યારે બધા બરાબરના અટવાયા. કેવી રીતે? એની વાત કરીશું હવે આપણે આવતા શુક્રવારે...
સ્ટે ટ્યુન...