‘થ્રી ઇડિયટ્સ’, ‘ગોલમાલ’, ‘રંગ દે બસંતી’ જેવી ફિલ્મો, વેબ-સિરીઝ અને અફકોર્સ ગુજરાતી નાટકોમાં પોતાના અભિનયનો જાદુ પાથરનારો ઍક્ટર શર્મન જોશી હવે લોકોનું માઇન્ડ-રીડિંગ કરતો જાદુગર બની ગયો છે.
શર્મન જોશી
વિખ્યાત અભિનેતા શર્મન જોશી હવે મેન્ટલિસ્ટ પણ બની ગયો છે. મેન્ટલિસ્ટ એટલે કે લોકોનું મન વાંચી શકતા શર્મને શરૂઆત ગુજરાતી રંગભૂમિથી કરી હતી. શર્મનનો આખો પરિવાર અભિનયના ફીલ્ડમાં છે, પરંતુ આ ફીલ્ડમાં સફળતા મળશે જ એ નક્કી નથી હોતું. શર્મન કહે છે, ‘મારે બચપણથી ઍક્ટર જ બનવું હતું તેથી ઍક્ટિંગમાં પહેલાં ટ્રાય કરી. ઇન્ટરકૉલેજિયેટ સ્પર્ધામાં મને બહુ પ્રેમ અને પ્રોત્સાહન મળ્યાં. નરસી મોનજી કૉલેજમાં ઘણીબધી કૉમ્પિટિશનો થતી, એમાં મને બેસ્ટ ઍક્ટરના અવૉર્ડ્સ મળ્યા. BComના લાસ્ટ યરમાં હતો ત્યારે મેં પપ્પાને કહ્યું કે પ્લીઝ, મને પ્રોફેશનલ નાટકમાં કોઈ પણ રોલ આપો. એક નાનો રોલ હતો, મેં કર્યો. પપ્પા કહે, હું તારા માટે બરાબર રોલ લખું અને નાટક બનાવું. પણ મેં કહ્યું ના, તમે નાનો રોલ આપશો તો પણ ચાલશે, મારે આઇડિયા લેવો છે કે આ હું કરી શકીશ કે નહીં. મેં જીદ કરીને રોલ લીધો. મારે જાણવું હતું. મેં વિચારી રાખેલું કે ઍક્ટિંગમાં કંઈ નહીં થાય તો સ્ટડી કન્ટિન્યુ કરીશ, જેમાં પહેલો પ્રેફરન્સ હતો લૉ અને નહીં તો બિઝનેસ સ્ટડી.’



