એક સમય હતો બાલાજી ઑલ્ટ નામના ઓટીટી પ્લૅટફૉર્મ પર એ સ્તરનું કન્ટેન્ટ આવવા માંડ્યું હતું કે તમને એવું જ લાગે કે તમે પોર્નોગ્રાફી જોઈ રહ્યા છો અને હતું પણ એવું જ
પ્રતીકાત્મક ફાઇલ તસવીર
એક સમય હતો બાલાજી ઑલ્ટ નામના ઓટીટી પ્લૅટફૉર્મ પર એ સ્તરનું કન્ટેન્ટ આવવા માંડ્યું હતું કે તમને એવું જ લાગે કે તમે પોર્નોગ્રાફી જોઈ રહ્યા છો અને હતું પણ એવું જ. પોર્નોગ્રાફીની ફરતે નાનકડી કે આછી-પાતળી કહેવાય એવી વાર્તા ઊભી કરી પોર્નોગ્રાફી આપી દેવામાં આવતી, પણ ભગવાનની મહેરબાની કે કેટલાક એવા વિવાદ ઊભા થયા અને એ વિવાદોએ એ પ્લૅટફૉર્મને તાળાં મરાવી દીધાં. જોકે આ રાજીપો લાંબો ટકે એ પહેલાં જ અમુક વેબ-સિરીઝ એવી આવવાની ફરીથી શરૂ થઈ કે આપણો જીવ કકળી ઊઠે. જો આ દેશમાં ઓટીટી પર પણ બંધન આવશે તો તમે લખી લેજો કે એની પાછળ જવાબદાર એ જ પ્રોડ્યુસર હશે જેઓ આવું કન્ટેન્ટ ક્રીએટ કરે છે. મારે નામ લખીને એ વેબ-સિરીઝને પ્રમોટ નથી કરવી, પણ ચાર વાર્તાઓ કહેતી એ વેબ-સિરીઝ જોયા પછી ખરેખર મગજને જાણે કે લકવો મારી ગયો હોય એવું ફલિત થાય.
પોર્નોગ્રાફીના કીડા જેકોઈના મનમાં છે એ સૌનું આ સહિયારું વિકૃત સર્જન છે અને આ વિકૃત સર્જનમાં એવા-એવા ડિરેક્ટર પણ જોડાયા છે કે આપણે તેમને આજ સુધી સન્માનનીય રીતે જોતા હતા. ખરેખર, થર્ડ કૅટેગરીને પણ અદકેરી કહે એવું સર્જન એ વેબ-સિરીઝમાં છે. જોયા પછી મનમાંથી શ્રાપ નીકળે કે આવું ક્રીએશન કરી આપણા દેશની યુવા પેઢીને બદથી બદતર તરફ લઈ જનારા આ મહાનુભાવોને તો સેલમ-સ્ટીલના કીડા પડવા જોઈએ અને પડશે જ. તેમના મનમાં રહેલી એ તમામ વિકૃતિ એ સૌકોઈ કૅમેરામાં કેદ કરે છે અને કેદ કર્યા પછી એ સૌની સામે મૂકે છે.
ખરું કહું તો એ જોતી વખતે મારા મનમાં એક જ વિચાર આવતો કે શું તેમણે પોતે કરેલું આ કામ તેઓ પોતાની મા-બહેન કે દીકરીને દેખાડી શકતા હશે, દેખાડતા હશે? જો આ સવાલનો જવાબ એ જવાંમર્દ હકારમાં આપવાના હોય તો ખરેખર તેમની મા-દીકરી અને બહેન માટે પણ હવે શંકાઓ મનમાં જન્મવી જોઈએ. વાજબી રીતે કહેવાયેલી આ વાત છે. કારણ કે આ સૌ અત્યારે ભારતના કલ્ચરને ડંખી રહ્યા છે, ભરખી રહ્યા છે. જે દેશમાં લજ્જા અને શરમ એક ઘરેણું કહેવાતું હોય એ દેશમાં તમે ૭૦ અને ૮૦ વર્ષનાં માજીના મનમાં ચાલી રહેલા વિકૃત વિચારો રજૂ કરો અને એ રજૂઆત સાથે એક કલાક ખેંચી કાઢો એનાથી વધારે ઊંડી ગટર બીજી કઈ હોઈ શકે?
સુરતીઓ માટે હંમેશાં કહેવાતું રહ્યું છે કે તેમના મોઢે ગાળ સહજ રીતે આવે, પણ તમે માનશો નહીં, જેટલા સુરતી મિત્રોને ઓળખું છું એ પૈકીના એક પણ મિત્રને મેં ગાળ બોલતા સાંભળ્યા નથી! હા, ક્યારેય નહીં. પારસીઓ માટે પણ આવી જ વાત સાંભળી છે પણ મેં કોઈ પારસી બિઝનેસમેનને ગાળો ભાંડતા કે સતત જીભથી સરસ્વતીની વર્ષા કરતા જોયા નથી. કહેવાનો અર્થ એ નથી કે એ લોકોમાં એ ખૂબી નહોતી, પણ કહેવાનો અર્થ એ છે કે તમારી આસપાસનું વાતાવરણ તમને પોતાના ઘાટમાં લઈ જ લે અને એ સુરતી, એ પારસીઓ પણ આપણી સંસ્કૃતિના ઘાટમાં આવી ગયા છે એટલે જ તેમના મોઢે એવી કોઈ વાતો આવતી નથી, પણ આ પ્રોડ્યુસર-ડિરેક્ટર્સ...
શરમ કરો શરમ, અને પ્લીઝ, વિકૃતિ બહાર લાવવાનું માધ્યમ બદલી અમારા ટીવીને અભડાવવાનું બંધ કરો.


