જો તમારી સંસ્કૃતિ, તમારા દેશની ભાવના, તમારા ધર્મની લાગણી કે પછી તમારી પરંપરા કોઈ માટે મજાક હોય કે પછી કોઈને માટે એનું મૂલ્ય ન હોય તો એનો વિરોધ થવો જ જોઈએ
મેરે દિલ મેં આજ ક્યા હૈ?
દીપિકા પાદુકોણ અને શાહરુખ ખાન ઇન ફિલ્મ પઠાન
‘પઠાન’નો વિરોધ શરૂ થયો છે અને એટલે જ આપણી આ વાત શરૂ થઈ છે. અગાઉ પણ અનેક ફિલ્મોની બાબતમાં આવું બન્યું છે અને પ્રતિબંધની ડિમાન્ડ કરવામાં આવી છે. કેટલીક માગણી વાજબી હતી, કેટલીક ગેરવાજબી હતી, તો કેટલીક ડિમાન્ડમાં માત્ર અને માત્ર સોશ્યલ મીડિયાના બાદશાહોની મસ્તી હતી.
દરેક વાતમાં વિરોધ નોંધાવવાની ભાવના ક્યાંક ને ક્યાંક ફિલ્મ-ઇન્ડસ્ટ્રી માટે જોખમી પુરવાર થનારી સાબિત થાય એવી શક્યતા હવે વધતી જાય છે. વિરોધ થવો જ જોઈએ. જો તમારી સંસ્કૃતિ, તમારા દેશની ભાવના, તમારા ધર્મની લાગણી કે પછી તમારી પરંપરા કોઈ માટે મજાક હોય કે પછી કોઈને માટે એનું મૂલ્ય ન હોય તો એનો વિરોધ થવો જ જોઈએ. એમાં કશું ખોટું નથી; પણ સાહેબ, એ થઈ રહ્યું છે એ પુરવાર પણ થવું જોઈએ અને એ તમને એકને નહીં, નરી આંખે સૌકોઈને દેખાવું જોઈએ.
ADVERTISEMENT
વિરોધ અત્યારે એક ટ્રેન્ડ બની ગયો છે અને ટ્રેન્ડિંગ થયેલી આ વાતને લીધે ફિલ્મ-ઇન્ડસ્ટ્રી ખરેખર ગંભીરતાપૂર્વક વિચારણા કરતી થઈ ગઈ છે. કીડીને કોશનો ડામ ન હોય, દૂરથી ગરમ કરેલી કોશ પણ જો કીડીની સામે લાવવામાં આવે તો એ કોશથી દૂર ભાગતી થઈ જાય. આ જ કરવાનું હોય, કીડીને કોશ અડકાડી દો તો એ મરી જાય અને જો એ મરી જાય તો એને કોશનો ડામ આપ્યો ન કહેવાય, એ એની હત્યા કરી કહેવાય.
ડર દેખાડો, તમારો અવાજ પહોંચાડી દો, તમારો ભાવ દર્શાવી દો. બસ, પત્યું. તમે તમારા કામે લાગી જાઓ અને જ્યારે ફરી જરૂર પડે ત્યારે ફરી એ જ નીતિ અપનાવો.
પ્રતિબંધ એ તમારું કામ નથી. પ્રતિબંધ એ તમારી ફરજ નથી. તમારી ફરજ છે કે તમે તમારા ધર્મ, રાષ્ટ્ર અને સામાજિક ભાવનાઓને અકબંધ રાખો. તમને જરાસરખોય ડર લાગે અને તમે સીધો દેકારો મચાવી દેશો તો નહીં ચાલે. આવું જ ચાલતું રહ્યું તો ખરેખર ફિલ્મ-ઇન્ડસ્ટ્રી કંઈ પણ કરતાં પહેલાં ૧૦૦ વાર વિચારતી થઈ જશે અને એ વિચાર વચ્ચે સારી ફિલ્મો બનતી બંધ થઈ જાય એવી દહેશત પણ મનમાં રાખી શકાય.
વિરોધનો વાંધો નથી, પણ પ્રતિબંધ મૂકો, રિલીઝ અટકાવી દો એ જરા પણ યોગ્ય નથી. જેના પર પ્રતિબંધની આવશ્યકતા છે એના પર મૂકો પ્રતિબંધ અને એવાં પગલાં પણ લો જેની કોઈ કલ્પના પણ ન કરી શકે, પણ જરૂર હોય એના પર, આવશ્યક હોય ત્યાં. દરેકને એક જ લાકડીએ હાંકવા યોગ્ય નથી. એવું કરવાથી માત્ર અને માત્ર તાલિબાની વાતાવરણ ઊભું થશે અને આપણે એ દુનિયાના લોકો તો નથી જ નથી.
હિન્દુ બૌદ્ધિક અને વિચારશીલ પ્રજા છે. ભણતર પણ છે અને તેમનામાં ગણતર પણ છે એટલે તેમણે પોતાનામાં રહેલી એ વિચારશીલતાનો વાજબી ઉપયોગ કરીને કોઈ પણ વાત કરવાની છે. વધુ એક વાર સ્પષ્ટતા કરી લઉં કે ‘પઠાન’ની તરફેણમાં આ વાત બિલકુલ નથી, આ વાત આખી ફિલ્મ-ઇન્ડસ્ટ્રી અને કેટલાક એવા લોકોની તરફેણમાં છે જેને મન વિરોધ અને પ્રતિબંધ એક રમત થઈ ગઈ છે.
ગેરવાજબી વાત અને ગેરવાજબી વર્તણૂકનો કોઈ અર્થ સરવાનો નથી, માટે બહેતર છે કે જરા બુદ્ધિમત્તાને આંખ સામે રાખીને આગળ વધો.