મે જો તમારી પ્રગતિથી ખુશ થયા તો તમે કહેશો કે વર્ષ ખૂબ સારું ગયું. હકીકતે તો સારું અને ખરાબ બંને દૃષ્ટિકોણ માત્ર જ છે.
પ્રતીકાત્મક તસવીર
૨૦૨૩ પૂરું થવામાં છે અને ૨૦૨૪ આંગણે આવીને ઊભું છે ત્યારે દરેક યુવાનને એક ફ્રેશ સ્ટાર્ટની ઇચ્છા હોય એમાં નવાઈ નહીં. પણ ફ્રેશ સ્ટાર્ટ ત્યારે જ આપી શકાય જ્યારે એક સુપર્બ ક્લોઝર મળે. ૨૦૨૩ પૂરું થયું. સમયની એક વિશેષતા છે કે એ સતત બદલાતો રહે છે, જે મુજબ કોઈનુંય આખું વર્ષ સારું કે આખું વર્ષ ખરાબ નહીં જ ગયું હોય. અમુક વસ્તુઓ હશે કે ખૂબ સારી થઈ હશે અને અમુક વસ્તુઓ એવી હશે જ જે તમને નહીં ગમી હોય. અમુક વાતો એવી હશે જેણે તમારો દૃષ્ટિકોણ બદલ્યો હશે તો અમુક વાતો એવી હશે જેણે બુદ્ધિ ભ્રષ્ટ કરી હોય. કેટલાંક ક્ષેત્રમાં તમે પ્રગતિ કરી હશે અને કેટલીક જગ્યાએ તમારી પડતી થઈ હશે. પણ આ બધામાં તમારા મતે શું મહત્ત્વનું છે. તમે જો એક પડતીને મન પર લઈને બેસી ગયા તો તમે કહેશો એ વર્ષ ખૂબ ખરાબ ગયું. તમે જો તમારી પ્રગતિથી ખુશ થયા તો તમે કહેશો કે વર્ષ ખૂબ સારું ગયું. હકીકતે તો સારું અને ખરાબ બંને દૃષ્ટિકોણ માત્ર જ છે. પરંતુ ૨૦૨૩ને એક સરસ મજાનું ક્લોઝર આપવું પણ જરૂરી છે. એના માટે ચાલો, સારી યાદોને મૅગ્નિફાય કરીને જોઈએ અને ખરાબ યાદોને ઇરેઝ કરી નાખીએ. શીખ જે મેળવી છે એને જીવનની સંદૂકમાં સંભાળીને રાખીએ અને હજી કેટલુંય શીખવાનું રહી ગયું છે એની યાદી બનાવી લઈએ. એનાથી ફાયદો એ થશે કે ૨૦૨૪માં જ્યારે આપણને પ્રગતિનો એક ઠેકડો મારવો હશે તો આ ક્લોઝર મોટી હરણફાળ મારવા માટેનું બળ પુરવાર થશે. એ પ્રગતિ તરફનું લીપ આપણે બળપૂર્વક લઈ શકીશું.
હૅપી ન્યુ યર
ADVERTISEMENT

નવું વર્ષ તમારા એક હૅપી ન્યુ યરના મેસેજ જેટલું સીમિત ન રહી જાય એવી વાત કરતાં RJ આકાશના નામે જાણીતા કન્ટેન્ટ ક્રીએટર આકાશ ત્રિવેદી તેની સ્ટાઇલમાં કહે છે, ‘દુઆઓનો ધોધ
એવો કે બધું સોનું થઈ જાય બીજા જ દિવસે ઇનબૉક્સ સૂનું થઈ જાય જે રાખી કડવાશ કૂટે એમનું એમ જ એક જ દિવસમાં નવું વર્ષ જૂનું થઈ જાય.’
આકલન અને આત્મનિરીક્ષણ
આખું વર્ષ આપણું કેવું રહ્યું એ મૂલ્યાંકન કેમ જરૂરી છે એ વાત કરતાં નાણાવટી કૉલેજનાં પ્રિન્સિપાલ અને લેખક ડૉ. રાજશ્રી ત્રિવેદી કહે છે, ‘આજની યુવાન પેઢીમાં પ્લાનિંગનો અભાવ જોવા મળે છે. જે કદાચ ઉંમર વધતાં તેમના અફસોસમાં પરિણમે છે કે કદાચ ત્યારે વિચાર્યું હોત તો સારું હતું. આ માટે એમના મોટેરાઓએ એમને ગાઇડ કરવા જોઈએ. પેન અને ડાયરી લઈને બેસો. ૨૦૨૩માં શું સારું થયું. શું તમને ગમ્યું, તમે કઈ-કઈ જગ્યાએ સાચા હતા અને કઈ જગ્યાએ તમને લોકોએ વખાણ્યા આ બધાનું એક લિસ્ટ બનાવો. જો તમને ઘણા લોકોએ કહ્યું હોય કે પેલી જગ્યાએ તેં જે ગીત ગયું હતું એ ખૂબ સારું હતું તો એ વખાણથી પતી જતું નથી. જો ખરેખર તમને પણ લાગતું હોય કે તમે સારું ગાઈ શકો એમ છો તો ૨૦૨૪માં સંગીત શીખવાનું વિચારી શકાય. અસેસમેન્ટ એટલે કે આકલન અને ઇન્ટ્રોસ્પેક્શન એટલે આત્મનિરીક્ષણ અતિ મહત્ત્વનું છે. આપણે ક્યાં ઊભા છીએ અને કેટલું આગળ જવું છે એ એના પરથી જ નક્કી થઈ શકે. આ પદ્ધતિથી તમને સ્પષ્ટતા મળે છે. એટલે એ ઉપયોગી છે. કરવું જ જોઈએ.’
બદલાવ
હરખ નવા વર્ષનો હોય એટલો જ નવા દિવસનો હોય તો કંઈક પ્રગતિ થઇ શકે એમ વાત કરતાં આકાશ ત્રિવેદી કહે છે, ‘લોકોને શૂન્યથી ૧૦૦ની સીધી છલાંગ લગાવવી છે. લોકોને કૅલેન્ડર બદલાય એમ માણસ તરીકે પણ પૂરું બદલાઈ જવું હોય છે. હું આમ કરીશ અને તેમ કરીશ. એટલે કે બદલવાનું આખું રંગરૂપ હોય એ આપણે સીધું ઝીરોમાંથી સોએ પહોંચી જઈએ. પરંતુ આપણે જ્યારે ખુદને અપલિફ્ટ કરતા હોઈએ ત્યારે લિફ્ટ નહીં, પગથિયાં જ કામ આવે છે. કહેવાય છેને કે લાંબે જવું હોય તો ધીમું જ ચાલવું પડે. જલદી ચાલશો તો ટૂંકે પહોંચશો. સ્ટેપ બાય સ્ટેપ ચાલવું જરૂરી છે. રેઝોલ્યુશન ૫૦ ન લો, ફક્ત એક લો અને એ એવું લો કે જે તમે ટકાવી રાખી શકો. જે તમને રાતોરાત ન બદલે, ધીમે-ધીમે પ્રગતિના પંથે લઈ જાય.’
તાજગી
બદલાવ હોવો તો જોઈએ પણ કયા પ્રકારનો અને કેવો એ વિશે વાત કરતાં આકાશ ત્રિવેદી કહે છે, ‘આપણે રોજેરોજ ક્વોટ્સ વાંચીએ છીએ. વૉટ્સઍપ પર ઢગલાઓ ખડકાઈ જાય છે પણ એ કેટલા અસર કરે છે. કેટલું આપણું જીવન બદલી શકે છે? બદલાવ માટે પાઓલો કોએલોએ કહ્યું છે કે રોજ તમે જે કરો છો એ જ તમે કરશો તો તમને એ જ મળશે જે તમને મળતું આવ્યું છે. બદલાવ માટે તમારે તમારા કમ્ફર્ટ ઝોનમાંથી બહાર આવવું પડશે. નવાં પુસ્તકો, નવા લોકોને મળો. નવું શીખો. કંઈ એવું કરો જે આજ સુધી કર્યું નથી. એમાંથી લર્નિંગ મળશે. જે તમને
તાજગી આપશે. નવું કરવાની પ્રેરણા આપશે.’
ભૂલોથી ગભરાઓ નહીં

૨૦૨૩માં બને કે તમે કોઈ એવી ભૂલો કરી હોય કે પછી એ ભૂલોનું ભુગતાન ભારે પડ્યું હોય. પણ આ પરિસ્થિતિમાં ભૂલો કરવાથી ડરતા નહીં. એ વાત જણાવતાં લેખક અને વક્તા સંજય રાવલ કહે છે, ‘હું ૧૫ જગ્યાએ નિષ્ફળ ન થયો હોત તો આજે મને કોઈ સાંભળતું ન હોત. નિષ્ફળતા કે ભૂલો આપણા માટે અનુભવોનું ભાથું લઈને આવે છે. એને પૂરી રીતે અપનાવો. એ તમારા ઘડતરમાં કામ લાગશે. એનાથી હિંમત બાંધવાની છે. ભૂલો થઈ, પણ હું એમાંથી શીખી ગયો છું. હું મારું કર્મ શ્રદ્ધાથી નિભાવીશ. બાકી ફળ કુદરતના હાથમાં છે. બીજું એ કે તન અને મન બંને સ્વસ્થ હશે તો ધન આપોઆપ આવશે. એટલે એ બંનેનું ખાસ ધ્યાન રાખજો. સ્કિલ ડેવલપ કરવા તરફ ધ્યાન આપો. એ ભવિષ્યમાં વધુ જરૂરી બનશે.’
લોકોને મળો
યુવાનોએ એક બાબતે જરૂર વિચાર કરવાનો છે. એ વિશે સમજાવતાં ડૉ. રાજશ્રી ત્રિવેદી કહે છે, ‘સોશ્યલ મીડિયા પર ભલે બેથી ત્રણ હજાર મિત્રો બનાવો, લોકોને ફૉલો કરો પરંતુ તમારા જીવનમાં તમારા પોતાનાં સગાંસંબંધી, મિત્રો કે નવા લોકોને પણ મળો. જ્યારે તમે લોકોને મળો છો ત્યારે તેમની પાસેથી ઘણું શીખવા મળે છે એટલું જ નહીં, જે સ્નેહ મળે છે એનું ઘણું મૂલ્ય છે. આ રીતે તમે જીવનની નાની-નાની ખુશીઓને માણતાં પણ શીખશો અને તમારા મનને એમની પાસે ઠાલવતાં પણ શીખશો. આ તમારા મેન્ટલ અને સોશ્યલ વેલ-બીઇંગ માટે જરૂરી છે. ૨૦૨૪માં બીજું કંઈ નહીં તો આ તો ચોક્કસ તમારા લિસ્ટમાં રાખજો. મમ્મી-પપ્પા કહે કે ફલાણા રિલેટિવને ત્યાં જવાનું છે ત્યારે નાકનું ટીચકું ચડાવીને ના ન ભણી દેતા. એમની સાથે જજો. લોકોને મળજો. એ જરૂરી છે.’
વિશ્વાસ રાખો
જે પણ વિચારો કે નવા વર્ષે આ કરવું છે કે તે, એમાં એક બાબતનું ખાસ ધ્યાન રાખવું એની વાત કરતાં આકાશ કહે છે, ‘૨૦૨૪ની નવી ઊર્જાને તમારી અંદર આવવા દો, પરંતુ આ ઊર્જા ૮-૧૦ દિવસના ઇન્સ્ટા ટ્રેન્ડની જેમ સરી ન જાય એનું પણ ધ્યાન રાખો. ક્રિકેટમાં કહેવાય છે કે ફૉર્મ ઇઝ ટેમ્પરરી અને ક્લાસ ઇઝ પર્મનન્ટ. આ કાયમી વસ્તુઓ પર ધ્યાન કેન્દ્રિત કરો. ઘણાને અંગ્રેજી શીખવું હશે તો ઘણાને વજન ઉતારવું હશે તો ઘણાને UPSC કે સીએની એક્ઝામ પાછળ ખપવાનું હશે. આ બધું જ કરી શકાય પરંતુ એક નાનકડી શરત એ છે કે કોઈને બતાવવા માટે આ નથી કરવું. યાદ રાખવું કે કોઈને હરાવવા માટે તમારે જીતવાનું નથી. જે પણ કરો ખુદ માટે કરો. કરી બતાવો. ખુદ પર વિશ્વાસ રાખશો તો થઈ જશે.’


